Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

માંગણીઓનો સ્વીકાર કરાતા રેલ્વે કર્મચારીઓનું આંદોલન સમેટાયુ

પાંચ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો અંત : ડીપીઓ અવિનાશકુમારે હિરેન મહેતાને પારણા કરાવ્યા : કર્મચારીઓમાં હર્ષોલ્લાસ

રાજકોટ : રેલ્વેના કર્મચારીઓની વિવિધ માંગણીઓના પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના હિરેન મહેતાની આગેવાનીમાં છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન ચાલી રહ્યુ હતું. શરૂઆતમાં ધરણા સહિતના કાર્યક્રમો બાદ અનેક કર્મચારીઓ ઉપવાસ આંદોલન ઉપર પણ બેઠા હતા.

જેમાં ૩ થી ૪ કર્મચારીઓની તબિયત પણ લથડી ગઈ હતી. દરમિયાન રેલ્વે તંત્ર દ્વારા આજે કર્મચારીઓની તમામ માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આમ કેટલાક દિવસોથી ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો. રેલ્વે કર્મચારીઓએ એકબીજાને મોઢા મીઠા કરાવ્યા હતા.

ભૂખ હડતાલના આજે પાંચમા દિવસે ડીઆરએમ શ્રી અનિલકુમાર જૈન સાથે હિરેન મહેતા સહિતના કર્મચારીઓ દ્વારા ચર્ચા કર્યા બાદ તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી હતી. લેખિત બાંહેધરી બાદ એડીઆરએમ શ્રી જી.પી. સૈની અને ડીપીઓ શ્રી અવિનાશકુમાર દ્વારા ઓર્ડર કરવામાં આવેલ. અવિનાશકુમારે ઉપવાસ છાવણીમાં હિરેન મહેતાને પારણા કરાવ્યા હતા. આમ રેલ્વે કર્મચારીઓની માંગણીઓનો સ્વીકાર થતાં કર્મચારીઓમાં હર્ષોલ્લાસ છવાયો હતો.

આ પ્રસંગે વાંકાનેરના આર.જાડેજા, એમ.કે. જાડેજા, સુરેન્દ્રનગરના રસુલભાઈ, હરદેવસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, ફતેહ મહોમ્મદ, હાપાના બાવીશીભાઈ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઈ વ્યાસ, જશમીન ઓઝા, કેતન ભટ્ટી, મુકેશ મહેતા, જયેશ ડોડીયા, ગુણુભાઈ સુરજ્ઞાન, નીના તેમજ મહિલા વિંગમાં અવની ઓઝા, પુષ્પા ડોડીયા, ધર્મિષ્ઠા પૈજા, વિક્રમબા, ફાલ્ગુનીબેન, વિધિ મહેતા, નીતા પોપટ, જયોતિ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:54 pm IST)