Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ

શેરખાન અને જાહિદ પકડ્યા, અફઝલ ફરાર : ઝડપાયેલા બેમાંથી એક હજુ મહિના પહેલા જ જેલમાંથી છુટ્યો છે, જ્યારે બીજો બળાત્કારમાં સંડોવાઇ ચુકયો છે

રાજકોટ, તા.૩૧ : માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે જંગલેશ્વરના બે શખ્સને ભકિતનગર પોલીસે પકડી લીધા છે. ત્રીજો રિક્ષામાંથી ભાગી ગયો હતો. પકડાયેલા બંને શખ્સોની પુછતાછમાં આ ગાંજો જંગલેશ્વરની મહિલાએ મંગાવ્યો હોઇ પોતે સુરતથી લાવ્યા હતાં અને તેણીને આપવા જઇ રહ્યા હતાં. આ સાથે ગાંજો અને સુરતનું કનેકશન વધુ એક વખત સામે આવ્યું છે. ઝડપાયેલા બેમાંથી એક તો હજુ એક મહિના પહેલા જ જેલમાંથી છુટ્યો છે. જ્યારે બીજો બળાત્કારમાં સંડોવાઇ ચુકયો છે.

બે ત્રણ શખ્સો ગાંજો લઇને રિક્ષામાં નીકળ્યા છે તેવી બાતમી મળતાં કોઠારીયા રોડ જુની સૂર્યોદય સોસાયટી મેઇન રોડ નજીક વોચ રાખી શેરખાન ઉર્ફ શેરીયો બહાદુરખાન પઠાણ જાહીદ ઉર્ફ જાવલો ઉર્ફ શાહરૂખ અબ્દુલભાઇ આદમાણીને રૂ. ૭૬ હજારના ૭.૬૦૦ કિ.ગ્રા. ગાંજા સાથે રિક્ષામાં નીકળતાં પકડી લઇ રોકડા રૂ. ૧૯૧૦ ગાંજો અને રિક્ષા મળી રૂ. ૧,૪૨,૯૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે રિક્ષા આંતરી ત્યારે ત્રીજો શખ્સ જંગલેશ્વર-૨માં રહેતો અફઝલ સિપાહી ભાગી ગયો હતો. પકડાયેલા બંનેની પુછતાછમાં પોતે સુરતના કડોદરા ચાર રસ્તેથી છોટુ નામના શખ્સ પાસેથી આ ગાંજો જંગલેશ્વરની ગુડ્ડી ઉર્ફ રોશન અબ્દુલા ઉર્ફ દુલિયો ભીખુભાઇ સંધી માટે લાવ્યા હતાં. તેણીને આપવા જઇ રહ્યા હતાં.

ભક્તિનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી સૂર્યોદય સોસાયટીવાળા રોડ પર વોચ રાખવામાં આવતાં બાતમી મુજબની રિક્ષા નીકળતાં અટકાવાતાં એક શખ્સ ભાગી ગયો હતો અને બે પકડાઇ ગયા હતાં. રિક્ષામાંથી ગાંજો મળતાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પકડાયેલા શેરખાન ઉર્ફ શેરીયો અને જાહિદ ઉર્ફ જાવલાએ જે ભાગી ગયો તેનું નામ અફઝલ સિપાહી હોવાનું અને ગાંજો જંગલેશ્વરની ગુડ્ડી ઉર્ફ રોશને આપ્યાનું કબુલતાં આ બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

શેરખાન હજુ એકાદ મહિના પહેલા જ જેલમાંથી છુટ્યો છે. ફરી ગાંજા સાથે પકડાયો છે. જ્યારે જાહિદ અગાઉ બળાત્કારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.  જંગલેશ્વરની ગુડ્ડી માટે સુરતથી આ ગાંજો લાવીને તેને આપે એ પહેલા પકડાઇ ગયેલા બંનેની વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

(9:19 pm IST)