Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી " નિમિત્તે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમને કલેકટર અરુણ મહેશ બાબુએ ખુલ્લો મુક્યો

કોલેજના છાત્રો દ્વારા શાસ્ત્રીય નૃત્ય, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસની રમઝટ બોલાવી: ગરબા અને તાલીઓના તાલે રંગબેરંગી વસ્ત્ર પરિધાનમાં સજ્જ ખેલૈયાઓએ પાથર્યા કલાના કામણ

રાજકોટ :રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટ દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" અને "રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી " અન્વયે  રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમને કલેકટર અરુણ મહેશ બાબુએ ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે અર્જુન લાલ હિરાણી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ, આત્મીય યુનિવર્સિટી, નટરાજ કલા મંદિર, મોદી સ્કૂલ, તથા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય નૃત્ય, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા તેમજ રાસ વિવિધ પ્રોપ અને તાળીઓના તાલે રજુ કરી રાજકોટની કલાપ્રેમી જનતાને મંત્રમુગ્ધ કર્યા હતાં. ગરબા સંસ્કૃતિ , સુરતાલ અને તેનું મહત્વ સમજાવતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પલ્લવીબેન વ્યાસે કર્યું હતું.  
આ કાર્યક્રમમાં સરગમ ક્લબના ગુણુભાઈ ડેલાવાળા, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, યુવા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રમત ગમત અધિકારી વી.પી. જાડેજા તેમજ કલાપ્રેમી રાજકોટવાસીઓ  ઉપસ્થિત રહ્યા હતાં.

(9:51 pm IST)