Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

હનુમાનજી મહારાજના પરમ ઉપાસકઃ નિસ્પૃહી, નિરાભીમાની, સદા સ્વમાં લીન રહેનાર

રહસ્યરંગી સંત કુહાડી બાપુની વિદાય

આ સંતને દુનિયા ઓળખી ના શકીઃ જીવજંતુ, વીંછી, સર્પ, મંકોડાઓ વચ્ચે પડયા રહેતા

કુહાડી બાપુ એક અજાયબ સંત હતા, જેમનો અમને પરિચય ચોટીલાના અમારા વડીલ મિત્ર શ્રી પ્રવિણસિંહ ચૌહાણ બાપુ એ કરાવ્યો હતો. શ્રી કુહાડી બાપુ પોતાના ખભે હમેશા કુહાડી રાખતા હોવાથી લોકજીભે એમનું નામ કુહાડી બાપુ તરીકે રમતું થઈ ગયુ.

 સંતોની એક મોટી જમાત સૌરાષ્ટ્રના તીર્થસ્થાનો ની યાત્રાએ નીકળી. જમાતના ગુરુ એવા મુખ્ય સંત ને ચોટીલાના ડુંગરાળ વિસ્તારની આ પુરાણ પ્રસિદ્ધ પાંચાળ ભૂમિ માંથી પસાર થતી વખતે એક સ્થાનકે દૈવયોગે એમ થઈ ગયું કે હવે મારે અહીં જ રોકાઈ જવું છે, તેઓશ્રી હાથી પરથી નીચે ઉતરી ગયા ને જમાત ને રજા આપી દીધી. જમાત પોતાના ગુરુજીને અહીં જ છોડી ગુરુ આજ્ઞાથી આગળની તીર્થ યાત્રાએ રવાના થઈ. અવાવરું એકાંત સ્થાને જે રોકાઈ ગયા એજ સંત પોતાની અવધુતી મસ્તી ને કારણે ગ્રામ્ય લોકો દ્વારા કુહાડી બાપુ એવું નામકરણ પામ્યા.

 કુહાડી બાપુ શ્રી હનુમાનજીદાદા ના પરમ ઉપાસક હતા. સાવ નિસ્પૃહ, નિરાભિમાની, અત્યંત ઓછું બોલનાર, સદા સ્વમા લીન રહી આસપાસ ના ડુંગરોમાં, સડક પર, ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂમતા રહેતા, અને બાળકોને પીપરમેન્ટ, ચોકલેટ, બિસ્કિટ ખવડાવતા રહેતા.

 કુહાડી બાપુ મધ્યરાત્રીએ મોટા અવાજે હનુમાન ચાલીસા નું ગાન કરતા, જે સાંભળવું એ એક અલૌકિક લ્હાવો બની રહેતો. બાપુ પોતે પોતાની મસ્તીમાં સ્વગત બોલતા રહેતા, અને સદાય ઉન્મત્ત અવધુતી દશામાં પોતાના તૂટેલફુટેલ ઝુંપડા માં એક ભાંગેલ ખાટલાં માં અસંખ્ય જીવજંતુ, વીંછીકુછી અને સર્પ વચ્ચે પડ્યા રહેતા. અમેં એક વાર રાત્રે ત્યાં ગયા ત્યારે સેંકડો ડાઘા મંકોડાઓ થી ઉભરાતી જગ્યામાં બાપુ સાવ નિષ્ફિકર બેસી કોઈએ આણેલા ટીફીનમાંથી ભોજન પ્રસાદ લઈ રહ્યા હતા. ઘણી વાર એવું બન્યું છે કે અમારી સામે જોઇને ધીમા અને ઝડપી અવાજે કાંઈક બોલતા, જે ભાગ્યે જ સમજાતું. પણ એમની નિર્દોષતા ને આત્મમસ્તી ને કારણે એમની પાસે બેસવું યાદગાર બની રહેતું.

કુહાડી બાપુ નો એક પ્રસંગ એવો છે કે બાપુ પોતાની અવધુતી મસ્તીમાં ફરતા ફરતા ડુંગરાઓ પસાર કરી વાડી વિસ્તારમાં જઈ ચડ્યા. કોઈના ખેતરમાં પડેલા એક ખાટલા પર અવધુતે પોતાની કુહાડી ટેકવીને લંબાવ્યું અને ઘસઘસાટ સુઈ ગયા. રાતના અંધકારમાં વાડી પાણી વારવા આવેલા એ ખેતરના માલિકે કોઈ અજાણ્યા નિદ્રાધીન વ્યકિતને ખાટલામાં સૂતેલો જોઈને એજ કુહાડીનો ઉપાડીને જોરદાર પ્રહાર કર્યો. એ ખેડૂતે ભયના માર્યા એવું ધારી લીધેલું કે કોઈ લૂંટારું આવી ચડ્યો છે. બાપુને માથામાં કુહાડીનો ઊંડો ઘા પડ્યો ને લોહીના ફુવારા ઉડ્યા. પછી તો ખેડૂત બાપુને ઓળખી ગયો ને પગે પડ્યો. બાપુએ તો જાણે કાંઈ બન્યું જ નથી એમ ચાલતી પકડી. ઉભી સડકે લોહીજાણ માથે ચાલ્યા આવતા  કુહાડી બાપુને જોઈને ભાવિકો ક્રોધે ભરાયા અને કહ્યું કે હવે અમે એની ખબર લઈએ. બાપુ કહે એ ખેડૂત નિર્દોષ છે એને મારશો નહીં કે પોલિસને સોંપશો નહીં.  આવા રિયલ સંત હતા બ્રહ્મલીન શ્રી કુહાડી બાપુ.

 ઉન્મત્ત દશા ના છદ્માવરણ માં રહેલા આ સંતને ન દુનિયા ઓળખી શકી કે ન એ અગોચર રહસ્યોને કુહાડી બાપુએ દુનિયા સમક્ષ પોતે ઉજાગર કર્યા.  

દેવકો પાંચાળ તરીકે ઓળખાતી એ પુણ્યભૂમિ નો એક રહસ્યરંગી સંત રહસ્યોને અકબંધ રાખી અસ્તિત્વ માં વિલીન થઈ ગયો.  

આ બ્રહ્નલીન સંત ને શત શત પ્રણામ... 

(12:06 pm IST)