Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

ધનતેરસે ઝવેરી બજારમાં ધૂમ ખરીદીની ધારણાઃ જબરૂ એડવાન્સ બુકીંગ

ઝવેરી બજારમાં રોશનીના ઝગમગાટ સાથે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી, ટ્રેડીશનલ -ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી ઝગમગી : ગોલ્ડ ડીલર એસો. દ્વારા ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતરના સંગાથે ઉત્સાહના દીવડા પ્રગટયા

રાજકોટ તા.૧, આવતીકાલે ધનતેરસના પર્વે ઝવેરીબજારમાં તેજીના રંગો પુરાશે આ અવસરે ઝવેરીબજારમાં રોશનીના ઝગમગાટ સાથે મનમોહક ડિઝાઈનની એન્ટિક જવેલરી, ટ્રેડિશનલ જવેલરી અને ફેન્સીએ આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરીનો ઝગમગાટ સર્જાયો છે

  ધનતેરસે શુકનવંતી ખરીદીના ધમધમાટની ધારણા સાથે સોનીબજાર સજ્જ બની છે અને દિવાળી પૂર્વે આ ઝવેરીબજાર બજાર આખો દિવસ ધમધમશે પેલેસ રોડ પર કલાત્મક આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે દીપાવલી તહેવાર અંતર્ગત રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિયેશન દ્વારા સોનાના આભૂષણોની મજૂરીમાં વિશેષ વળતર અપાઈ રહયું છે જવેલર્સ દ્વારા સોનાના દાગીનામાં ૧૦ ગ્રામે મજૂરીમાં ૧૨૫૦ રૂપિયાનું વળતર અપાઈ રહ્યું છે જયારે  ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં ૫૦ ટકાનું જબરું ડિસ્કાઉન્ટ અપાઈ રહયુ છે  સોનાના દાગીનાની ઘડામણમાં અને ડાયમંડ જવેલરીની મજુરીમાં વિશેષ વળતરને જબરો પ્રતિસાદ મળી રહયાનું વેપારીઓ જણાવે છે.

   ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફ્ટ આર્ટીકલ અને લગ્ન પ્રસંગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે આ ઉપરાંત હળવા વજનના બુટી, બાલી, વીટી  પેન્ડલ, રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની  કાનની લટકણ બાલી, સહિતની વેરાયટીઓ પણ આકર્ષણ જમાવે છે.

   ઝવેરીબજારના વેપારીઓના જણાવ્યા મુજ્બ ધનતેરસના અવસરે ઝવેરીબજારમાં ગ્રાહકોએ શુકનવંતી ખરીદી માટે મોટાપાયે એડવાન્સ બુકીંગ કરાવાયું છે, ધનતેરસના શુકનવંતા અવસરે ગ્રાહકો ખરીદી માટે ખુબ જ ઉત્સાહી હોવાનું ઉમેર્યું છે. 

  વેપારીઓના જણાવ્યા મુજબ ધનતેરસે સોનાના  આભૂષણોની જબરી માંગ જોવા મળશે સાથોસાથ સોના-ચાંદીના સિક્કાનું પણ ધૂમ વેચાણ થવાની ધારણા છે તેમજ હળવા વજનના બુટી, બાલી, પેન્ડલ, ચેન, વીટી અને ટ્રેડીશનલ આભૂષણોની શુકનવંતી ખરીદી રહેશે આ ઉપરાંત લગ્ન સરાની સીઝન માટે બ્રાઈડલ જવેલરીની પણ ખરીદી થશે.

   સોનાના આભૂષણો સાથે ડાયમંડ જવેલરીએ પણ કાઠું કાઠયું હતું યુવાઓમાં લોકપ્રિય એવી ડાયમંડ જવેલરીમાં બુટી, બાલી અને વિટીની જબરી માંગ જળવાશે. (૪૦.૧૩)

 મજબૂત યુએસ ડૉલરના કારણે સોનાના ભાવમાં ઘટાડો : ફેડરલ રિઝર્વની પોલિસી બેઠક પૂર્વે રોકાણકારો સાવચેત

  સ્પોટ સોનું ૦.૧ ટકા ઘટીને ડોલર ૧,૭૮૧.૭૮ પ્રતિ ઔંસ થયું : યુએસ ડૉલર ઇન્ડેકસ વધીને ૯૪.૧૯૨ થયો,

 મુંબઈઃ સોના ચાંદીના ભાવમાં દબાણનો માહોલ જોવાઈ રહ્યો છે , આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત યુએસ ડૉલરના કારણે આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ સપ્તાહના અંતમાં ફેડરલ રિઝર્વની પોલિસી બેઠક પહેલા પણ રોકાણકારો સાવચેત છે. સ્પોટ સોનું ૦.૧ ટકા ઘટીને ડોલર ૧,૭૮૧.૭૮ -તિ ઔંસ થયું હતું. યુએસ ડૉલર ઇન્ડેકસ વધીને ૯૪.૧૯૨ થયો, જે અન્ય કરન્સી ધરાવતા ખરીદદારો માટે સોનું ઓછું આકર્ષક બનાવે છે. (૪૦.૧૩)

 ધનતેરસ પહેલા વાયદા બજારમાં  સોના અને ચાંદીના ભાવમાં દબાણ

મલ્ટી કોમોડિટી એકસચેન્જ પર ડિસેમ્બર ફ્યુચર સોનાની કિંમત ૦.૧ ટકા વધીને ૪૭,૬૯૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ

 રાજકોટ : સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ધનતેરસ પહેલા ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. મલ્ટી કોમોડિટી એકસચેન્જ (MCX) પર, ડિસેમ્બર ફ્યુચર સોનાની કિંમત ૦.૧ ટકા વધીને ૪૭,૬૯૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગઈ છે. શુક્રવારે સોનાની કિંમતમાં ૦.૭૫ ટકાનો ઘટાડો થયો હતો. ધનતેરસ પહેલા, ડિસેમ્બર વાયદા ચાંદીના ભાવમાં -તિ કિલોગ્રામ ૦.૧૬ ટકાનો ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો નોંધાયો છે. (૪૦.૧૩)

દિવાળી પર્વે સોનાની માંગને પગલે ફિઝિકલ ગોલ્ડ પ્રીમિયમ પર વેચાયું

ડિયે સત્તાવાર સ્થાનિક કિંમતો પર ૦.૫ ડોલર પ્રતિ ઔંસ સુધીનું પ્રીમિયમ વસૂલાયુ

 મુંબઈ : દિવાળી અને ધનતેરસ પહેલા રિટેલ ગોલ્ડની ખરીદીમાં તેજી વચ્ચે ગયા અઠવાડિયે ભારતમાં ફિઝિકલ ગોલ્ડ પ્રીમિયમ પર વેચાયું હતું. ભારતમાં ડીલરો ગયા અઠવાડિયે સત્તાવાર સ્થાનિક કિંમતો પર ૦.૫ ડોલર પ્રતિ ઔંસ સુધીનું પ્રીમિયમ વસૂલતા હતા, જે ગયા સપ્તાહે ૧.૫ ડોલર ડિસ્કાઉન્ટથી વધુ હતું. ભારતમાં સોનાના ભાવમાં ૧૦.૭૫ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી અને ૩ ટકા જીએસટીનો સમાવેશ થાય છે.

(4:10 pm IST)