Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

કાલથી ક્રાઈસ્ટ હોસ્પીટલમાં કિડની સારવાર અને ટેલીમેડીસીન સેન્ટર સહિત ત્રણ વિભાગનો શુભારંભ

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણઃ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના - મુખ્યમંત્રી મા અમૃતમ યોજના હેઠળ દર્દીઓને અતિ આધુનિક સારવાર મળશે

રાજકોટઃ ક્રાઈસ્ટ કોલેજ ખાતે પત્રકાર પરીષદમાં માહિતી આપતા ફાધર થોમસ, ડો. જીતેન કક્કડ, ડો. દુધાત્રા સહિતના નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧ :. ક્રાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલ ખાતે આવતીકાલે ધનતેરસના શુભ દિવસે ત્રણ વિભાગનું લોકાર્પણ યોજાનાર છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ કાર્યક્રમ યોજાનાર છે.

આવતીકાલે માધાપર ખાતે આવેલ ક્રાઈસ્ટ હોસ્પીટલમાં આધુનિક ડાયલીસીસ યુનિટ, ક્રાઈસ્ટ ટેલીમેડીસીન સેન્ટર, પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અને મુખ્યમંત્રી માં અમૃતમ યોજના હેઠળ હૃદયરોગ, હૃદયરોગના ઓપરેશન, યુરોલોજી, સ્ત્રીરોગના દર્દીને તદ્દન નિઃશુલ્ક અને અત્યાધુનિક મેડીકલ સારવાર મળશે.

તબીબી સારવાર ક્ષેત્રે ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલા રાજકોટ શહેરની નામાંકિત ક્રાઈસ્ટ હોસ્પીટલમાં કિડની સારવાર યુનિટ સહિત ત્રણ નવા વિભાગોનો શુભારંભ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયા, મંત્રી અરવિંદભાઈ રૈયાણી, નીતિનભાઈ ભારદ્વાજ વગેરે ઉપસ્થિત રહેશે. હોસ્પીટલના ચેરમેન બિશપ જોસ અને હોસ્પીટલના ડાયરેકટર ફાધર થોમસ, ચીફ નોડલ ઓફિસર ડો. જીતેન કક્કડે નવા વિભાગોના લોકાર્પણ અંતર્ગત જણાવ્યુ હતુ કે ક્રાઈસ્ટ હોસ્પીટલના નવા ત્રણ વિભાગો માત્ર રાજકોટના દર્દીઓની તબીબી સેવા સુલભ બનાવશે, પરંતુ સૌરાષ્ટ્રના નાના ગામોના દર્દીઓને કેન્દ્ર અને રાજ્યની સહાય યોજનાનો લાભ પણ આપી શકશે.

ક્રાઈસ્ટ હોસ્પીટલ છેલ્લા દસ વર્ષથી સૌરાષ્ટ્ર-કચ્છની જનતાના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે કાર્યરત રહે છે. આ હોસ્પીટલ નાના પાયે જરૂરી વિભાગો સાથે શરૂ થઈ હતી. આજે ક્રાઈસ્ટ હોસ્પીટલમાં હાર્ટ સર્જરી સહિતના લગભગ તમામ સુપર સ્પેશિયાલિટી વિભાગો કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં કોરોના સ્પેશિયલ હોસ્પીટલ તરીકે ક્રાઈસ્ટ હોસ્પીટલને માન્યતા મળી હતી. હોસ્પીટલ સાથે સાથે એજ્યુકેશન એટલે કે પેરામેડિકલ કોર્ષ પણ કાર્યરત છે. ક્રાઈસ્ટ હેલ્થ એકેડમી અને ક્રાઈસ્ટ ઈન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ સહિત બે સંસ્થાનો સમાવેશ થાય છે. લોકોએ હોસ્પીટલની આ સફળતા પાછળ ક્રાઈસ્ટ હોસ્પીટલના ડાયરેકટર ફાધર થોમસ, ચીફ નોડલ ઓફિસર ડો. જીતેન એન. કક્કડની મેહનત સફળ રહી છે અને લોકો માટે આશિર્વાદ રૂપ સાબિત થઈ છે.

ક્રાઈસ્ટ હોસ્પીટલના ડાયરેકટર ફાધર થોમસ અને નોડલ ઓફિસર ડો. જીતેન કક્કડ જણાવે છે કે આ શ્રેય ક્રાઈસ્ટ હોસ્પીટલના મેનેજમેન્ટ, ડોકટર તેમજ સમગ્ર ક્રાઈસ્ટ હોસ્પીટલ પરિવારના સ્ટાફને જાય છે, કારણ કે તેઓ રાત-દિવસ સતત દર્દીની સેવામા અવિરતરૂપે કાર્યરત રહે છે અને તેઓ ફ્રન્ટલાઈન વર્કર્સ છે. આવનારા સમયમાં પણ આજ રીતે લોકોની સેવા માટે ક્રાઈસ્ટ હોસ્પીટલનું મેનેજમેન્ટ અને સમગ્ર ટીમ કાર્યરત રહેશે.

મેયર, ડેપ્યુટી મેયર, શહેર પ્રમુખ અને રાજકોટ જિલ્લા પ્રમુખ અને શહેરની ભાજપની ટીમ ઉપસ્થિત રહેશે.  માધાપરના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) અને અગ્રણી પૃથ્વીરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહીને તમામ સ્ટાફ અને ડોકટર્સનો ઉત્સાહ વધારશે. મિડીયા વિભાગની જવાબદારી સન એડના સોનુભાઈ જોશીએ નિભાવી છે.

(2:59 pm IST)