Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી

અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહીની સ્થાપના કરનાર યુગપુરૂષ સરદાર પટેલનું વ્યકિતત્વ ન ભૂતો ન ભવિષ્યતિઃ રાજુભાઈ ધ્રુવ

એકતા અને અખંડિતતા સાથેના મહાન ભારતના સ્વપ્નદ્રષ્ટા- શિલ્પી સરદાર સાથે હરહમેશ કોંગ્રેસે કર્યા છે અન્યાય, અપમાન, અવગણનાઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી સમગ્ર દેશવતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાન સરદાર પટેલને સાચી વિનમ્ર શ્રધ્ધાંજલિ આપી છે

રાજકોટ,તા.૧: ૩૧ ઓકટોબરની સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ભારતના લોખંડી પુરૂષ, એકતા તેમજ અખંડિતતાના પ્રતીક, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારત રત્નથી નવાજવામાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મજયંતિ નિમિતે દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે એકતાના પ્રતીક સમા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકારે તેમને સન્માન આપવા પ્રયત્નો કર્યા છે જયારે કોંગ્રેસ પહેલેથી જ હર હંમેશ સરદાર પટેલને અન્યાય કર્યો હોવાનું ભાજપ અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્ત્।ે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફૂલહાર કર્યા બાદ જણાવ્યું હતું કે , આજે ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક સમા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની૧૪૬ મી જન્મજયંતિ નિમિતે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરૃં છું અને દુઃખ સાથે કહેવું પડે છે કે હર હમેશ સરદારને અન્યાય કરતી આવતી કોંગ્રેસ આજે પણ સરદારના નામે ગંદી રાજનીતિ કરવા મેદાને ઉતરી જાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની વાત આવે એટલે કોંગ્રેસ એવું માનવ લાગે છે કે આ બંને મહાન વ્યકિત તેમની અંગત અસવામન છે પરંતુ હવે ગાંધીજી અને સરદાર કોઈ પક્ષના નહિ પરંતુ સમગ્ર વિશ્વની ધરોહર છે. આ બને મહાન પુરૂષના વિચારોએ સમસ્ત જગતને રાજકીય દિશા રાજકીય ચિંતન અને માર્ગદર્શન આપ્યા છે.

સરદાર કોંગ્રેસના હોવાનું કહેવામાં આવે છે તો મારો કોંગ્રેસના મિત્રોને સીધો સવાલ છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન આપવામાં દાયકા સુધી સમય શા માટે લગાડ્યો ? કોંગ્રેસ સરદાર સાહેબને ભારત રત્ન આપવા ઇચ્છતી જ ન હતી. રાજીવ ગાંધીને આપવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ ને પણ આપવો પડ્યો હતો. આ સ્થિતિમાં ગુજરાત રાજય યુગપુરૂષની વંદના કરી રહ્યું છે.

આજે સરદાર પટેલની ૧૪૬મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવણી થઇ , પરંતુ સરદારના અપમાન અને ઉદ્દેશાની કહનીઓ આજે પણ વાંચતા આપણું લોહી ગરમ થઇ જાય છે. ભારત રત્ન એવોર્ડની શરૂઆત થઇ ત્યારે પહેલો એવોર્ડ ૧૯૫૪માં જવાહરલાલ નહેરૂની સરકારે શ્રીરાજગોપાલાચારી અને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને આપ્યો. ત્યારબાદ તુરંત જ ૧૯૫૫ માં જવાહરલાલ નહેરુએ પોતે વડાપ્રધાન હતા અને પોતે જ ભારતરત્નનો એવોડ લઇ લીધો હતો પણ સરદારને યાદ કર્યા ન હતા. સરદાર પટેલ પ્રત્યેના ઈર્ષ્યા-તેજોદ્વેષનો આ વારસો નહેરૂ પછીની પેઢીએ પણ જાળવી રાખ્યો. ઇન્દિરા ગાંધીના વડાપ્રધાન પદ હેઠળ વર્ષ ૧૯૬૬માં ભારત રત્ન એવોર્ડ લાલબહાદુર શાસ્ત્રીને અપાયો. ત્યારબાદ ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીએ પોતે જ ભારતરત્ન એવોર્ડ લીધો. ઇન્દિરા ગાંધીએ ત્યારબાદ ૧૯૭૫માં વી.વી. ગીરીને, ૧૯૭૬માં કે કમરાજને ૧૯૮૦માં મધર ટેરેસાને અને ૧૯૮૩માં વિનોબા ભાવેને ભારતરત્ન એવોર્ડ આપ્યો. ઇન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધીએ૧૯૮૩ માં શ્રી ખાન અબ્દુલ ગફારખાનને તથા ૧૯૮૮માં એમ. જે. રામચન્દ્રનને ભારતરત્ન એવોર્ડ આપ્યા. ૧૯૯૦માં વી.પી.સિંહ વડાપ્રધાન હતા ત્યારે નેલ્સન મંડેલા અને ડો. આંબેડકરને ભારત રત્ન એવોર્ડ અપાયો. વી.પી.સિંહ પછી દેશમાં વડાપ્રધાન તરીકે દેશમાં કોંગ્રેસના વડાપ્રધાન શ્રી પી.વી.નરસિમ્હારાવજી ની સરકાર આવી. અંતર આવ્યું હતું. ૧૯૯૧ માં વડાપ્રધાન શ્રી નરસિમ્હારાવે મોરારજી દેસાઇ, રાજીવ ગાંધી અને સરદાર પટેલને ભારતરત્ન એવોર્ડ એનાયત કર્યો. સરદાર પટેલના મૃત્યુ પછી પછી ૪૧ વર્ષે તેમને દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું! પ્રશ્ન એ થાય છે કે, જે રાજકારણીઓને ૧૯૯૧ પહેલાં ભારતરત્ન એવોર્ડ મળ્યા તે રાજકારણીઓ કરતાં શુ સરદાર પટેલનું દેશ માટે યોગદાન ઓછું હતું? સરદારની અવગણના આટલી હદે આપણા દેશની સરકારે કરી છે.

દેશના સંખ્યાબંધ વિદ્વાનોનું માનવું છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર બન્યા હોત તો ચીન, તિબેટ, નેપાળ, કાશ્મીર, પાકિસ્તાન સહિતની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો હોત. સરદાર પટેલનું આ યોગદાન હતું. તેમના નિર્ણયો હંમેશાં દીર્ઘદ્રષ્ટિવાળા અને દેશહિતના રહ્યા હતા માટે તેમને વારંવાર નહેરુ સાથે અથડામણ પણ થતી રહી. સરદાર કોંગ્રેસ પાર્ટીનું આખું સંગઠન ચલાવતા હતા. નહેરુ સ્વપ્નદ્રષ્ટા હતા. સરદાર વાસ્તવિકતાની સાથે પનારો પાડતા હતા અને જમીન સાથે જોડાયેલા હતા. જયારે નહેરૂ સમાજવાદની કલ્પનામાં રાચી દુનિયામાં ગૂઢ, નિરપેક્ષ, તટસ્થ દેશોની એક આગવો ચોકો બનાવવા માંગીને નેતાપદે સ્થાપિત થવાના તરંગોમાં રાચતા હતા. દેશને પં. જવાહરલાલ નહેરૂના કારણે તિબેટ,ચીન,પાકિસ્તાનના સંદર્ભે ઘણું નુકશાન થયું છે પરંતુ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ભાજપ સરકારે દેશને ભરપાઈના થઇ શકે તેવા આ નુકશાની ને રોકવાનો ભગીરથ પુરૂષાર્થ કરી સરદાર પટેલ પ્રત્યેના સન્માન સાથે આજે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી દેશવાસીઓ વતી સાચી શ્રધ્ધાંજલી પાઠવી છે એવું રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું હતું.

(3:00 pm IST)