Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

સિવિલ હોસ્પિટલની ઓપીડી બિલ્ડીંગની લિફટ પાસે છરી ઉડીઃ રાહુલ અને સુરેશ ઉર્ફ બાબા પર હુમલો

હુમલામાં ઘાયલ મિત્ર અલ્પેશની ખબર પુછવા ભવાનીનગરમાંથ આવ્યા ત્યારે મિલન ઉર્ફ લઢીયો, વિક્કી, ડિમ્પલ અને સપના 'તમે ડખ્ખો કરવા આવ્યા છો' કહી તૂટી પડ્યા

રાજકોટ તા. ૧: રામનાથપરામાં રહેતાં યુવાનને મારામારીમાં ઇજા થઇ હોઇ સિવિલમાં દાખલ થતાં તેની ખબર કાઢવા આવેલા તેના બે મિત્રોને ઓપીડી બિલ્ડીંગમાં લિફટ પાસે હતાં ત્યારે બે યુવતિ સહિત ચાર જણાએ 'તમે અહિ ડખ્ખો કરવા આવ્યા છો' કહી હુમલો કરી ઢીકાપાટુનો માર મારી એક યુવતિએ છરીથી હુમલો કરતાં ઇજા થઇ હતી.

આ બનાવ અંતર્ગત પ્ર.નગર પોલીસે રામનાથપરા ભવાનીનગર-૪માં રહેતાં અને ગ્રીનલેન્ડ ચોકડીએ ટ્રાવેલ્સ બસોમાં માલસામાન ચડાવવા ઉતારવાનું કામ કરતાં રાહુલ સુખાભાઇ બારૈયા (ઉ.૨૧) નામના કોળી યુવાનની ફરિયાદ પરથી મિલન ઉર્ફ લઢીયો, વિક્કી કોળી, ડિમ્પલબેન વાઘેલા અને સપનાબેન કોળી સામે ગુનો નોંધ્યો છે.

રાહુલે ફરિયાદમાં જણાવ્યું છે કે રાતે સવા અગિયારેક વાગ્યે હું અને મારા મિત્ર સુરેશ ઉર્ફ બાબો પ્રેમજીભાઇ ભુવા અન્ય મિત્ર અલ્પેશ છગનભાઇ ગોહેલને રાતે નવેક વાગ્યે રામનાથ ઘાટ પાસે દિનેશ કોળી સાથે બોલાચાલી મારામારી થઇ હોઇ અલ્પેશને ઇજા થવાથી તે  સિવિલ હોસ્પિટલે દાખલ થયો હતો.

તેને ઇમર્જન્સીમાંથી ઓપીડીમાં ચોથા માળે દાખલ કરવા માટે સુચના મળતાં ત્યાં દાખલ થયો હતો. હું અને સુરેશ તેની ખબર કાઢવા સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. એ વખતે ઓપીડીની લિફટ પાસે અમે હતાં ત્યારે મિલન, વિક્કી, ડિમ્પલબેન, અને સપનાબેને અમને બંને મિત્રોને 'તમે અહિ ઝઘડો કરવા આવ્યા છો' કહી ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો અને ડિમ્પલબેને છરી કાઢી મને સાથળના ભાગે ઘા ઝીંકી દીધા હતાં. મેં છરી પકડતાં હાથમાં પણ ઇજા થઇ હતી.

રાડારાડી થતાં બીજા લોકો ભેગા થઇ જતાં, સિકયુરીટી આવી જતાં આ બધા ભાગી ગયા હતાં. હું સારવાર માટે દાખલ થયો હતો. રજા આપ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને તોરલબેન જોષીએ હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અલ્પેશ પર દિનેશ, ડાયો, વિશાલ સહિતે હુમલો કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં અલ્પેશના મિત્રો પર જેણે હુમલો કર્યો તેમાં દિનેશનો ભત્રીજો વિક્કી પણ સામેલ હતો.

(3:06 pm IST)