Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

ત્રિકોણ બાગ-એસટી બસ પોર્ટ પાછળના ભાગે ટ્રાફિક જામ

તહેવારની ઉજવણી માટે ઉત્સાહીત લોકો મોટા પ્રમાણમાં ખરીદી સહિતના કામે નીકળી પડતાં ઠેકઠેકાણે જામના દ્રશ્યો

રાજકોટઃ દિવાળીના તહેવારની ઉજવણી મોજથી કરવા માટે નગરજનો ઉતાવળા થયા છે. બે વર્ષથી સતત કોરોનાએ લોકોને મુંજવી રાખ્યા હોઇ ગયા વર્ષે દિવાળી નવા વર્ષનું પર્વ પણ ઘરે રહીને ઉજવવા મજબૂર થવું પડ્યું હતું. આ વર્ષે કોરોના કાબુમાં હોઇ દિવાળીનો તહેવાર ઉજવવા લોકો અત્યંત ઉત્સાહિત બન્યા છે. બજારોમાં ભરપુર ઘરાકી નીકળી છે. લોકો મોટી સંખ્યામાં નાના મોટા વાહનો લઇ નીકળી પડે છે. આ કારણે મુખ્ય બજારોના રસ્તાઓ તેમજ રૂટીન દિવસોમાં જે રસ્તાઓ પર કદી ટ્રાફિક જામ થતો હોતો નથી એવા રસ્તાઓ ઉપર પણ જામ થઇ જાય છે. આજે ત્રિકોણબાગ પાસે અને એસટી બસ પોર્ટ પાછળના રસ્તાઓ પર લાંબો સમય સુધી ટ્રાફિક જામ થઇ જતાં વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. ટ્રાફિક પોલીસ કયાંય પણ જામ ન થાય તે માટે સતત દોડતી રહે છે. આમ છતાં મોટી સંખ્યામાં વાહનો સાથે લોકો ખરીદી સહિતના કામ માટે નીકળી પડતાં હોઇ જેથી કોઇને કોઇ રસ્તાઓ પર જામ સર્જાઇ જાય છે. તસ્વીરોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ  સંદિપ બગથરીયા)

(4:03 pm IST)