Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

લગ્નની વાતમાં લોથ ઢળીઃ કુચીયાદળ ફેકટરીમાં પવનને સગા ભાઇ સાવને માથામાં બેટ-ઇંટના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

રાતે ૯ વાગ્યે વતનમાંથી માતાનો ફોન આવ્યો, સાવને વાત કરી પણ મોટા ભાઇ પવનને વાત ન કરવા દીધીઃ એ પછી પવને-તારા કારણે મારા લગ્ન નથી થતાં કહી સાવન સાથે મારામારી-ઝપાઝપી કરતાં વાત હત્યા સુધી પહોંચ્યો : મુળ આગ્રાનો ૨૨ વર્ષનો યુવાન પવન એક વર્ષથી કુચીયાદળની કલાસિક પોલીમર્સમાં કામ કરી ત્યાંની ઓરડીમાં નાના ભાઇ સાવન સાથે રહેતો'તો : એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ જી. એમ. હડીયા અને ટીમે આરોપીને સકંજામાં લીધોઃ ફેકટરી માલિક ફરિયાદી બન્યા : સાવને પહેલા ક્રિકેટ બેટ ફટકારતાં પવન ઓરડીમાં ગાદલા પર પડી ગયો, થોડીવાર બાદ ઉભો થઇ બહાર જઇ ઇંટ ઉપાડી મારવા દોડતાં સાવને એ જ ઇંટ ઝૂંટવી ઘા ફટકાર્યો ને પુરૂ થઇ ગયું

હત્યાનો ભોગ બનનાર પવનકુમારનો નિષ્પ્રાણ દેહ અને ઘટના સ્થળ

રાજકોટ તા. ૧: હત્યાની વધુ એક ઘટના શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં  બની છે. કુવાડવા રોડ પર આવેલા કુચીયાદળમાં આવેલી ફેકટરીમાં કામ કરતાં અને ત્યાં જ આવેલી ઓરડીમાં રહેતાં મુળ આગ્રાના ૨૨ વર્ષના યુવાનને તેના સગા નાના ભાઇએ રાતે લગ્ન બાબતે ઝઘડો થતાં માથામાં બેટ અને ઇંટ ફટકારી પતાવી દેતાં ચકચાર મચી ગઇ છે. એરપોર્ટ પોલીસે આરોપીને સકંજામાં લઇ તેની સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ કરી છે. હત્યાનો ભોગ બનનાર મોટો હોવા છતાં તેના લગ્ન થયા નહોતા, જ્યારે તેની સાથે રહેતો નાનો ભાઇ પરણી ગયો હતો. આ કારણે રાતે મોટા ભાઇએ 'તારા કારણે મારા લગ્ન નથી થયા' કહી ઝઘડો કરતાં નાનો ભાઇ રોષે ભરાતાં બેટ-ઇંટ ફટકારી ઢીમ ઢાળી દીધાનું ખુલ્યું છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ કુચીયાદળમાં વિવેકાનંદ કોલેજ પાસે આવેલી કલાસિક પોલીમર્સ નામની ફેકટરીમાં મજૂરી કરતાં અને ત્યાં જ ઉપરના ભાગે આવેલી મજૂરની ઓરડીમાં રહેતાં મુળ યુપીના આગ્રાના પ્રેમનગર નૈયાવાદીની પાસે શાહગંજના વતની પવનકુમાર રામવિલાસ જાટબ (ઉ.વ.૨૨)ને રાતે કપાળે અને માથામાં ગંભીર ઇજા થયેલી હાલતમાં ફેકટરીના માલિક દિનેશભાઇ ઘોડાસરાએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ તબિબે તેને નિષ્પ્રાણ જાહેર કર્યો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. માથાની ઇજા શંકાસ્પદ જણાતી હોઇ પીઆઇ જી. એમ. હડીયા, રાઇટર પ્રવિણભાઇ ગઢવી સહિતની ટીમ હોસ્પિટલે પહોંચી હતી.

ફેકટરી માલિકે જણાવેલી વિગતોને આધારે પોલીસે મૃત્યુ પામનાર પવનકુમારના નાના ભાઇ સાવન રામનિવાસ જાટબને અટકાયતમાં લઇ શું ઘટના બની? તે અંગે પુછતાછ કરતાં સાવને જ તેના મોટા ભાઇ પવનની હત્યા કર્યાનું જાહેર થતાં પોલીસ ચોંકી ગઇ હતી. સાવને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તે ત્રણ ભાઇમાં બીજા નંબરે છે. મૃત્યુ પામનાર પવન મોટો હતો. નાનો ભાઇ આગ્રા વતનમાં માતા-પિતા સાથે રહે છે. પોતે કુચીયાદળમાં આવેલી કલાસિક પોલીસર્મમાં બે વર્ષથી નોકરી કરે છે અને ત્યાં ફેકટરીની ઉપરના ભાગે આવેલી ઓરડીમાં રહે છે. તેનો મોટો ભાઇ પવન એકાદ વર્ષથી આ ફેકટરીમાં જ કામે રહ્યો હતો. અગાઉ તે અહિ કામ કરી ગયો હતો પરંતુ બાદમાં વતન જતો રહ્યો હતો.

સાવને કબુલ્યું હતું કે રાતે અગિયારેક વાગ્યે મારે મારા ભાઇ પવન સાથે ઝઘડો થતાં મેં તેને બેટથી અને ઇંટથી માર મારતાં તેને માથા અને કપાળે ઇજા થઇ હતી. તે બેભાન થઇ પડ્યો હોઇ મેં ફેકટરીના માલિક રાજકોટ યુનિવર્સિટી રોડ પર રવિરત્ન પાર્ક-૨ ફલેટ નં. સી-૧૫, બ્લોક નં. ૫૦૧ ખાતે રહેતાં દિનેશભાઇ મનસુખભાઇ ઘોડાસરાને જાણ કરતાં તેમણે તેના સસંબંધી વિક્કીભાઇને જાણ કરતાં વિક્કીભાઇ, વિરાજભાઇ મનિષભાઇ તથા શેઠ દિનેશભાઇ તુરત જ ફેકટરીએ પહોંચ્યા હતાં. ૧૦૮ને પણ ફોન કર્યો હોઇ ૧૦૮ આવી ગઇ હતી. તેના મારફત પવનને રાજકોટ હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ તે મૃત્યુ પામ્યો હતો.

પોલીસે આ બનાવમાં ફેકટરી માલિક દિનેશભાઇ ઘોડાસરાની ફરિયાદ પરથી સાવન રામવિલાસ જાટબ સામે આઇપીસી ૩૦૨, ૧૩૫ મુજબ હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરવા તજવીજ કરી છે. દિનેશભાઇએ જણાવ્યું હતું કે મારામારી થયાની જાણ સાવને મને કરતાં હું તથા વિક્કીભાઇ સહિતના ફેકટરીએ પહોંચ્યા હતાં. કારખાના ઉપરના ભાગે મજૂરની ઓરડી હોઇ તેની સામેના ધાબા પર જોતાં પવન બેભાન પડેલો જોવા મળ્યો હતો. તેના કપાળે અને માથા પાછળ ઇજા હતી. ધાબા પર ઇંટના ટૂકડા પડ્યા હતાં અને લોહીનુ ખાબોચીયુ પણ હતું. ઓરડી અંદર ક્રિકેટ બેટ હતું.

સાવનને શું થયું? પુછતાં તેણે કહ્યું હતું કે મંગળવારે રાતે નવેક વાગ્યે મારી માતાનો ફોન આવ્યો હતો. તે વખતે હું વાત કરતો હતો. પવનને વાત કરવી હોઇ જેથી મેં તેને વાત કરવાની ના પાડતાં અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી. એ પછી પવને ઝપાઝપી કરી હતી અને મને કહ્યું હતું કે-તારા કારણે જ મારા લગ્ન નથી થતાં. આ વાતને લઇને ઉગ્ર ઝઘડો થતાં મેં ઓરડીમાં પડેલુ ક્રિકેટ બેટ ઉપાડી તેના માથામાં ફકટારતાં તે ઓરડીમાં ગાદલા પર પડી ગયો હતો.

થોડીવાર બાદ તે ઉભો થયો હતો અને ઓરડીમાંથી બહાર નીકળી ધાબા પર પડેલી ઇંટ ઉપાડી મને મારવા આવતાં મેં તેના હાથમાંથી ઇંટ ઝૂંટવી લઇ તેના કપાળે ફટકારી દેતાં તે પડી ગયો હતો અને બેભાન થઇ ગયો હતો. જેથી મેં ગભરાઇને તમને  ફોન કર્યો હતો. તેમ સાવને જણાવ્યું હતું. પીઆઇ જી. એમ. હડીયા, રાઇટર પ્રવિણભાઇ ગઢવી સહિતે વિશેષ કાર્યવાહી કરી હતી.

(3:17 pm IST)