Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

બૂટલેગર હાર્દિક ઉર્ફ કવીના 'દેશી'ના મીનીબાર પર દરોડોઃ બે બ્લોકના પાંચ રૃમોમાં દારૃ બનતો, વેંચાતો, પીવાતોઃ ૧૧ સામે ગુનો

ગોકુલધામ આવાસ કવાર્ટરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો આઠ મહિનામાં બીજીવાર દરોડોઃ દારૃ વેંચાણનું કામ સંભાળતા-ભઠ્ઠીના મજૂરોને પગાર ચુકવવાનું કામ કરતાં કનુભા પરમાર, જયેશ ગઢવી અને દેશીની બાટલીઓ લેવા આવેલા પાંચ પકડાયાઃ દારૃ-આથો-કાર-બાઇક સહિતના વાહનો-વેંચાણના રૃપિયા-ભઠ્ઠીના સાધનો મળી ૩,૪૦,૭૩૬નો મુદ્દામાલ કબ્જે : સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા વખતે નહિ મળેલો હાર્દિક ઉર્ફ કવિ મોડેથી પકડાયા પછી તેણે અને તેના પરિવાર સહિતની મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યોઃ પોલીસ ઉપર આક્ષેપો કર્યાઃ સંતરા-મોસંબીના ફલેવરવાળો દેશી દારૃ બનાવી ૫૦૦ મીલીની બોટલ રૃા. ૨૦૦માં અને ૨૦૦ મીલીની બોટલ રૃા. ૧૦૦માં વેંચાણી હતી!: કવાર્ટર્સ ભાડે આપનારા સામે પણ ગુનો નોંધાયો : બૂટલેગરે 'મને મારી નાંખો...મારી નાંખો'ની બૂમો પાડી ખેલ કર્યા : બૂટલેગરે બ્લોક નં. ૧૯માં બ્લોક નં. ૧૫૧ ૫, ૧૫૧૭ અને બ્લોક નં. ૨૦માં રૃમ નં. ૧૫૨૫, ૧૫૨૭, ૧૫૩૪, ૧૫૩૬ બભાડે રાખ્યા હતાં: દારૃ બનાવવા સંતરા-મોસંબીનો જ્યુસ કાઢવા, નાની મોટી બોટલો ભરવા માટે મજૂરો રાખ્યા હતાં!

દારૃના અડ્ડામાંથી પકડાયેલા શખ્સો અને અંદર ચાલતી દારૃની ભઠ્ઠીના દ્રશ્ય તથા દારૃ બનાવવા માટેની સાધન સામગ્રી, દારૃ ભરવ માટેની નાની મોટી બોટલોનો જથ્થો વગેરે જોઇ શકાય  છે.

 

ગોકુલધામ આવાસ કવાર્ટરમાં  દેશીદારૃનો અડ્ડો-મીનીબાર ચલાવતાં બૂટલેગર હાર્દિક ઉર્ફ કવિ સહિતનાને પકડીને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા બાદ હાર્દિક તથા તેના પરિવારની અને બીજી મહિલાઓએ પણ પોલીસ સ્ટેશનમાં મોડી રાતે ધસી આવી ભારે ધાંધલ ધમાલ મચાવી હતી અને પોલીસ ઉપર આક્ષેપો કર્યા હતાં. હાર્દિક ઉર્ફ કવિએ પણ પોતાને મારી નાખો....મારી નાખો એવા બૂમબરાડા પાડ્યા હતાં. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વારયલ થયો હતો.ધાંધલ ધમાલના દ્રશ્યો તસ્વીરમાં જોઇ શકાય છે.

 

રાજકોટ તા. ૩૦: શહેરના ગોકુલધામ આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં નામચીન બૂટલેગર હાર્દિક ઉર્ફ કવિ સોલંકીના દેશી દારૃના અડ્ડા પર રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી દેશી દારૃનો જથ્થો, આથો, ભઠ્ઠીના સાધનો, વાહનો મળી રૃા. ૩,૪૦,૭૩૬નો મુદ્દામાલ કબ્જે કરી હાર્દિક ઉર્ફ કવિ વતી દારૃ વેંચતા-બનાવતાં-હિસાબ સંભાળતા શખ્સો તથા દારૃ લેવા આવેલા પાંચ શખ્સો પકડી લીધા હતાં. જે તે વખતે એસએમસીના દરોડામાં હાજર નહિ મળેલો બૂટલેગર હાર્દિક પણ બાદમાં મોડી રાતે પકડાઇ ગયો હતો. તેણે ગોકુલધામ આવાસ કવાર્ટરના બે બ્લોકમાં પાંચ રૃમો ભાડે રાખી તેમાં દેશીદારૃનો મીનીબાર ચાલુ કર્યો હતો. અહિ જ તે ભઠ્ઠીમાં દારૃ બનાવતો, વેંચતો અને પીવા માટે બેસવાની વ્યવસ્થા પણ કરી આપતો હતો. આ બધા કામ માટે તેણે માણસોને કામે પણ રાખ્યા હતાં! એસએમસીની ટીમ બધાને પકડી માલવીયાનગર પોલીસ સ્ટેશને લઇ ગઇ એ પછી અહિ હાર્દિક તેમજ તેના પરિવારની અને અન્ય મહિલાઓ ભારે ધાંધલ ધમાલ મચાવી પોલીસ પર આક્ષેપો કરી ખેલ કર્યા હતાં. જેનો વિડીયો વાયરલ થયો હતો.

બૂટલેગરના માણસોને અને દારૃ પીવા લેવા આવેલા શખ્સો પકડાયા બાદ તેને માલવીયનગર પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા પછી મોડેથી બૂટલેગર હાર્દિક ઉર્ફ કવિ પણ હાથમાં આવી ગયો હતો. તેને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા બાદ તેના પરિવારની અને બીજી મહિલાઓ પોલીસ સ્ટેશને પહોંચી ગઇ હતી અને બેફામ દેકારો મચાવી ગાળાગાળી કરી હતી. તેમજ પોલીસ હપ્તા લઇ જાય છે તેવી બૂમો પાડી હતી. આ ઉપરાંત બૂટલેગર હાર્દિક ઉર્ફ કવીએ પણ ભારે ધાંધલ ધમાલ મચાવી મને મારી નાંખો...મને મારી નાંખો એવી બૂમો પાડી હતી. પોલીસે મહામહેનતે બધાને કાબુમાં લીધા હતાં અને કાર્યવાહી કરી હતી.

આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલના એએસઆઇ ગીરધરભાઇ સાપરાની ફરિયાદ પરથી બૂટલેગર હાદિર્ક ઉર્ફ કવિના માણસો કનુભા કેશુભા પરમાર (ઉ.૬૬-રહે. ગોકુલધામ આવાસ યોજના કવાર્ટર ડાલીબાઇ સ્કૂલ પાછળ ગુરૃપ્રસાદ ચોક), જયેશ ધનરાજભાઇ ગઢવી (ઉ.૪૫-રહે. નવલનગર-૧૩) તથા દારૃ પીવા અને લેવા માટે આવેલા અરવિંદ પ્રેમજીભાઇ શીંગાડા (ઉ.૩૭-રહે. જય યોગેશ્વર ઉદયનગર-૧, શેરી ૧૨), ધર્મેન્દ્ર અમૃતલાલ રાઠોડ (ઉ.૪૭-રહે. ખોડિયાર કૃપા, ૫-ગાંધીનગર ગાંધીગ્રામ), અમિત જીવરાજભાઇ ચોૈહાણ (ઉ.૪૩-રહે. ખોડિયાર કૃપા ન્યુ ગોપાલનગર-૨), નિતીન ભૂપતભાઇ ઝરીયા (ઉ.૨૨-રહે. લોધેશ્વર સોસાયટી-૨, ઝરીયા મહાદેવ પાસે), અનિલસિંહ રસિકસિંહ જાડેજા (ઉ.૩૧-રહે. ઉદયનગર-૪) તથા હાર્દિક ઉર્ફ કવિ હરેશભાઇ સોલંકી (ગોકુલધામ કવાર્ટર) અને બ્લોક-રૃમો ભાડે આપનાર વ્યકિતઓ તથા હાર્દિકની ભઠ્ઠીમાં વોશ નાખવાનું, દારૃ ઉતારવાનું અને બોટલોમાં ભરવાનું કામ કરતાં બે અજાણ્યા મજૂરો મળી ૧૧ સામે ગુનો નોંધયો હતો.

પોલીે દરોડામાં ૨૩૫ લિટર દેશી દારૃ, ગરમ-ઠંડો આથો ૪૨૮૦ લિટર, દારૃ વેંચાણ અને અંગજડતીના રૃા. ૧૪૪૧૦, રૃા. ૩૫૫૦૦ના ૮ મોબાઇલ ફોન, એક કાર તથા ચાર ટુવ્હીલર મળી પાંચ વાહનો રૃા. ૨,૬૫,૦૦૦ના, ૭ સગડા, ગેસના ત્રણ બાટલા, લાઇટર, એલ્યુમિનિયમના નાના મોટા તપેલા ૪, પતરાના પીપ બે, સ્ટીલની થાળી, સ્ટીલના કેન, ચાર નંગ મિકસચર, પ્લાસ્ટીકનું મોટુ ટબ, પ્લાસ્ટીકના કેરેટ ૭ નંગ, ઇસ્ટ (લાટો) ૭ પેકેટ, ગરણી, પાઇપનો ટુકડો, પ્લાસ્ટીકની ૨૦૦, ૫૦૦ મીલીની પ્લાસ્ટીકની બોટલો નંગ-૧૧૦૦, હીસાબ લખેલી નોટબૂક મળી રૃા. ૩,૪૦,૭૩૬નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીશ્રી કે. ટી. કામરીયાની રાહબરીમાં પીએસઆઇ સી. એન. પરમાર અને તેમની ટીમે આ દરોડો પાડ્યો હતો. એસએમસીની ટીમે દરોડો પાડી તપાસ કરતાં એવી માહિતી સામે આવી હતી કે બૂટલેગર હાર્દિક ઉર્ફ કવિએ ગોકુલધામ આવાસ કવાર્ટરના બ્લોક નં. ૧૯ અને બ્લોક નં. ૨૦ના રૃમ નં. ૧૫૧૫, ૧૫૧૭, ૧૫૨૫, ૧૫૨૭, ૧૫૩૬ ભાડેથી રાખ્યા હતાં અને તેમાં પોતે દારૃની ભઠ્ઠી ચલાવી સંતરા-મોસંબીના ફલેવરવાળો દેશી દારૃ બનાવી વેંચાણ કરતો હતો. પાંચ રૃમો પૈકી એકમાં વેંચાણ થતું, એકમાં બનેલો દારૃ શીશીઓમાં ભરવામાં આવતો હતો તેમજ મિકસચરથી મોસંબી-સંતરાનો રસ કાઢવામાં આવતો હતો. તેમજ એક રૃમમાં દારૃ ખરીદનારાઓને ત્યાં બેસીને જ પીવો હોય તો પીવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવતી હતી!

પોલીસે હાર્દિક ઉર્ફ કવિની વેગનઆર કાર તથા દારૃ પીવા લેવા આવેલા શખ્સોના ચાર વાહનો પણ કબ્જે કર્યા હતાં. ઝડપાયેલાઓમાં કનુભા પરમારે કબુલ્યું હતું કે પોતે  પોતે હાર્દિક ઉર્ફ કવિનો દારૃ વેંચે છે. પોલીસે તેને બ્લોક નં. ૧૯ના રૃમ નં. ૧૫૧૫માંથી પકડ્યો હતો. તે અહિ બેસી દેશી દારૃની નાની-મોટી બોટલો વેંચતો હતો અને ત્યાં લેવા આવેલા શખ્સો પણ હતાં. આ ઉપરાંત હાર્દિકનો અન્ય એક માણસ જયેશ ગઢવી પણ પકડાયો હતો. તે દારૃ બનાવવાની મજૂરી કામે આવતાં માણસોને પગાર ચુકવવા સહિતના કામ સંભાળતો હતો. હાર્દિક ઉર્ફ કવિ પોતાની કારમાં જ દારૃ બનાવવાની સાધન સામગ્રી લઇ આવતો હતો. આમ હાર્દિક ઉર્ફ કવિ અને તેના મળતીયાઓએ કવાર્ટરમાં જ અલગ અલગ રૃમ ભાડે રાખી દેશીદારૃનો મીનીબાર ખોલી રાખ્યો હતો. અગાઉ પણ સ્ટેટ મોનીટરીંગ સેલે તેને પકડ્યો હતો. થોડો સમય આ ધંધો બંધ કર્યા બાદ હવે ફરીથી દારૃ ગાળી વેંચવાનું ચાલુ કરી દીધુ હતું.

એસએમસીની ટીમે દરોડો પાડ્યો ત્યારે હાર્દિક નહોતો. બાકીનાઓને પકડીને પોલીસ સ્ટેશને લઇ આવવામાં આવ્યા બાદ હાર્દિક ઉર્ફ કવિ પણ હાથમાં આવી ગયો હતો અને તેની પાછળ પાછળ મહિલાઓનું ટોળુ પોલીસ સ્ટેશને આવી ગયું હતું અને પોલીસ ઉપર આક્ષેપો કરી બેફામ ધમાલ મચાવી હતી. જેનો વિડીયો વાયરલ થયો હતો.

(3:47 pm IST)