Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

માસ્ક નહિ પહેરનાર સરકારી કર્મચારી સામે કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને ફરિયાદ

રાજકોટ, તા. ૨ :. કોવીડ સમય દરમ્યાન ખોલવામાં આવેલ સરકારી કચેરી, એસ.એમ. ગઢવી, એસ.ડી.એમ.-૧ કચેરીના વહીવટદાર દ્વારા નિયમ ભંગ કરવાની ફરીયાદ સામે એડી. કલેકટર કે કલેકટરે પગલા નહિ ભરતા વિજયસિંહ ઝાલાએ જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

હાલની કોવીડ અને કોરોનાની મહામારીમાં શિસ્તબદ્ધ પાલન કરવાના આશયથી સરકારી કચેરીઓ ખોલવામાં આવેલ હોય અને દેશભરમાં લોકડાઉનને થંભી ગયેલ કાર્યો ફરીને શરૂ કરવા સરકારશ્રી દ્વારા નીતિ નિયમો ઘડવામાં આવેલ હોય. જેમાં માસ્ક પહેરવુ ફરજીયાત, સોશ્યલ ડીસ્ટન્સ રાખવું ફરજીયાત અને તમામ નિયમોનું પાલન કરી સરકારી કચેરીના અધિકારીઓએ વહીવટ કરવાનો તે રીતે કાર્યવાહી ચાલુ થયેલ હોય. જેમા માસ્ક પહેરવુ ફરજીયાત અને તે નિયમનો કડક પાલન કરાવવાનું હોય અને હાલ દુકાનદારો, વેપારીઓ કે નાના ધંધાર્થીઓ પોતાના ધંધાના સ્થળે પણ માસ્ક પહેરી ફરે કે જાહેરમાં લોકો માસ્ક પહેરી ફરે અને તેમા કોઈ કસુર કરે તો કે નિયમ ભંગ કરે તો દંડની વસુલાત કરવી અને આવા નિયમોનું પાલન બેંકના કર્મચારી પાસે પણ કરાવવામાં આવતુ હોય અને દંડ વસુલ કરવામાં આવતો હોય તેવા સંજોગોમાં શ્રી એસ.એમ. ગઢવી, પ્રાંત અધિકારી-૧ના વહીવટદાર ધવલભાઈ પરમાર દ્વારા રીતસર નિયમોનો ભંગ થઈ રહેલ અને માસ્ક પહેર્યા વિના પોતાની કામગીરી કરી રહેલ હોવા અંગે વિજયસિંહ સુરેન્દ્રસિંહ ઝાલાએ તા. ૨૯-૧૨-૨૦૨૦ના રોજ ધ્યાનમાં આવતા તેઓએ લેખીત નાયબ કલેકટરશ્રી, રાજકોટ શહેર-૧ને જાણ કરેલ.

ત્યાર બાદ આધાર પુરાવાની માંગણી કરતા તા. ૧૨-૧-૨૦૨૧ તથા તા. ૧૫-૧-૨૦૨૧ના રોજ ધવલભાઈ પરમારના ફોટોગ્રાફસ સાથે લેખીત રજુઆત કરેલ. જેના અનુસંધાને વહીવટદાર ધવલભાઈ પરમાર સામે કાર્યવાહી કરવા કે ખુલાસો માંગવાને બદલે પ્રાંત અધિકારીશ્રી દ્વારા તા. ૨૨-૧-૨૦૨૧ના રોજ ચોકસાઈપૂર્વકની કાર્યવાહી કરવા આધારો આપેલ હોવા છતા ફરીને આધારો માંગી ફરીયાદને ટલે ચડાવવા પ્રયત્ન કરેલ હોય તે ગંભીર બાબત હોય અને અન્ય ઈ-મેમા સીધા જ મોકલી વસુલાતની કાર્યવાહી સામાન્ય પ્રજા સામે થતી હોય આવા સંજોગોમાં કોવીડની મહામારી અંગે સરકારી કચેરીના અધિકારીઓ જ નિયમોનો સરેઆમ ભંગ કરતા હોય તે બાબતે વિજયસિંહ એસ. ઝાલાએ નાગરીક તરીકે જાગરૂકતા દર્શાવેલ અને કાર્યવાહી કરી દંડાત્મક પગલા ભરવાની માંગણી કરેલ છે.

(4:35 pm IST)