Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ચૂંટણી અંતર્ગત પરવાનેદારોને હથિયારો જમા કરાવી દેવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને આદેશ

રાજકોટ તા. ૨: રાજ્યની ૬ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૧/૨ના રોજ તથા ૮૧ નગરપાલિકા, ૩૧ જીલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી ૨૮ ફેબ્રુઆરીએ યોજાવાની હોઇ ૨૩/૧થી મહાનગરપાલિકા રાજકોટ શહેર મતદા મંડળ વિસ્તારમાં આચારસંહિતા લાગુ પડી ચુકી છે. મતદારો કોઇપણ પ્રકારના ભય વગર મતદાન કરી શકે અને શહેરમાં કાયદો વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઇ રહે તે અંતર્ગત પોલીસે અત્યારથી જ પગલા લેવાનું શરૂ કર્યુ છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે એક જાહેરનામુ બહાર પાડી હથિયાર પરવાનેદારોને પોતાના હથિયારો ૭ દિવસની અંદર લાગતા વગળતા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા આદેશ કર્યો છે.

શ્રી અગ્રવાલે જણાવ્યું છે કે પોલીસ કમિશનર તરફથી ઇશ્યુ કરાયલા લાયસન્સ સિવાયના બીજા સત્તાધીશો તરફથી હથિયાર પરવાનો અપાયો હોઇ તેમણે પણ હથિયાર જમા કરાવવાના રહેશે. આ આદેશ પોલીસ કમિશનરેટ હદમાં રહેતાં રાજકોટવાસીઓને તેમજ શહેરની મુલાકાતે આવેલા હથિયાર પરવાનેદારોને પણ લાગુ પડશે. હથિયાર ખરીદ-વેંચાણ કરતાં પરવાનેદારો જો હથિયાર ખરીદ-વેંચાણ આ સમયમાં કરશે તો પણ પરવાનેદારોને હથિયારની સોંપણી ચૂંટણી પ્રક્રિયા પુરી થયા પછી જ કરી શકશે.

આગળ જણાવાયું છે કે સંબંધીત પોલીસ સ્ટેશન દ્વારા જે પરવાનેદારનું હથિયાર અનામત જમા લીધું હોઇ તેને તા. ૫/૨/૨૧ પછી પરત કરવાનું રહેશે. તેના માટે કોઇપણ અલગ હુકમની જરૂર રહેશે નહિ.  શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલી સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, કોર્પોરેશન સહિત) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના નામે હથિયાર પરવાનો ધરાવતાં હોય તથા જે રાજ્ય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય લેવલની શૂટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પરસન છે તેમના પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાંથી મુકિત આપવામાં આવી છે. પરંતુ જે તે વ્યકિતના વ્યકિતગત નામે ઇશ્યુ થયેલા હથિયારધારકોને મુકિત મળશે નહિ.

માન્યતા ધરાવતી સિકયુરીટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી, કોમર્શિયલ બેંકો, એટીએમ, કરન્સી ચેસ્ટની લેવડ દેવડ કરતાં હોય તેવા હથિયારધારી સિકયુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુકિત આપવામાં આવી છે. આવા ગાર્ડએ જે તે બેંકના મેનેજરનું પ્રમાણપત્ર ફોટોગ્રાફ સાથેનું રાખવું પડશે. તેમજ જે તે બેંકના મેનેજરશ્રીએ આવા સિકયુરીટી ગાર્ડની વિગતવાર માહિતી સંબંધીત પોલીસ સ્ટેશનમાં આપવાની રહશે.

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ કે જેમને કાયદા મુજબ હથિયાર ધારણ કરવાની મંજુરી છે, ચૂંટણી ફરજ પર હોય તેને આ જાહેરનામુ લાગુ પડશે નહિ. પોલીસ કમિશનર તરફથી ખાસ પરવાનગી હોય તેમને પણ આ આદેશ લાગુ પડશે નહિ. જે હથિયાર પરવાનાઓની મુદ્દત ૩૧/૧૨ના પુરી થઇ હોઇ રિન્યુઅલ માટે કચેરી ખાતે જમા હોય તેવા હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રિન્યુ ફી ભર્યા અંગેના ચલણની નકલની ખરાઇ કરી જમા લેવાના રહેશે. હથીયારો સાથે કાર્ટીઝ-દારૂગોળા જમા કરાવવાની જરૂર નથી.

આદેશનું પાલન નહિ કરનારા સામે કલમ ૨૫ હેઠળ સજાને પાત્ર ઠરતાં હોઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ૩૦/૧થી આ આદેશ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

(4:45 pm IST)