Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

હવે પોસ્ટ ઓફીસમાં પણ કોરોના રસીકરણઃ જેમની પાસે સ્માર્ટ ફોન નથી તેઓને ફાયદોઃ તેલંગાણામાં આ કાર્યક્રમ શરૂ

રાજકોટમાં હજુ આ કાર્યક્રમ અંગે પરીપત્ર આવ્યો નથીઃ કોઇ ચાર્જ નહિ લેવાયઃ ફોટો ઓળખકાર્ડ જરૂરી

રાજકોટ, તા., રઃ ભારતીય ટપાલ વિભાગ કોરોના રસીકરણમાં સામાન્ય લોકોની મદદ માટે આગળ આવ્યો છે. લોકો હવે પોસ્ટ ઓફીસ દ્વારા પણ કોરોના રસી માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેમની પાસે સ્માર્ટ ફોન અથવા ફોન નથી તેઓ રસી નોંધણી કરાવી શકતા નથી. તો તેઓ તેમની નજીકની પોસ્ટ ઓફીસની મદદ લઇ શકે છે. આ સુવિધા હમણા જ તેલંગાણાના ગ્રામીણ વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે. જો કે રાજકોટમાં આ કાર્યક્રમ કે આનો પરીપત્ર હજુ નહી આવ્યાનું અધીકારી સુત્રોએ 'અકિલા'ને ઉમેર્યુ હતું.

ગ્રામીણ વિસ્તારોમાં ઘણા લોકો પાસે હજી પણ સ્માર્ટ ફોન નથી. આને ધ્યાનમાં રાખીને લોકોને મદદ કરવા માટે ભારતીય ટપાલ વિભાગે મફત નોંધણી સુવિધા શરૂ કરી છે. પોસ્ટ ઓફીસમાં કોવીડ રસી માટે નોંધણી કરાશે અને આ રસી રાજય સરકાર દ્વારા આપવામાં આવશે. જે લોકો પાસે સ્માર્ટફોન છે તે કોવીન એપ્લીકેશનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્કની સમસ્યાને ધ્યાનમાં રાખીને પોસ્ટલ  વિભાગે આ જરૂરી પગલું ભર્યુ છે.

આ ડોકયુમેન્ટ તમારી સાથે લઇ જાઓ

જેઓ નોંધણી કરાવવા માંગતા હોય તેઓએ કેટલાક મહત્વપુર્ણ ડોકયુમેન્ટ પોસ્ટ ઓફીસમાં લઇ જવાના રહેશે. સાથે એક ફોટો ઓળખ કાર્ડ અને મોબાઇલ ફોન પણ જરૂર સાથે લઇ જાઓ. ઓટીપી મોબાઇલ ફોન પર જ આવશે. જેના દ્વારા રજીસ્ટ્રેશન થઇ શકે છે. પોસ્ટ ઓફીસ સ્ટાફ મોબાઇલ એપ્લીકેશન દ્વારા BO.CO-WIN CSC પ્રોગ્રામ ચલાવશે અને રસી માટે નોંોંધણી કરશે. આ માટે પોસ્ટ ઓફીસમાંથી કોઇ ચાર્જ લેવામાં આવશે નહી. સામાન્ય લોકો સુવિધાનો લાભ મફતમાં લઇ શકશે.

(1:11 pm IST)