Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

દાગીના પર હોલમાર્કના કાયદામાં બાંધછોડ કરવા ગ્રેટર ચેમ્બર દ્વારા સરકારને રજૂઆત

રાજકોટ તા. ૨ : અત્રેથી કેન્દ્ર સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષ દરમ્યાન પસાર કરવામાં આવેલ કાયદા મુજબ ગ્રાહકને જે ગુણવતાના દાગીના છે તેની ગુણવતા દર્શાવતા હોલમાર્કવાળા જ દાગીના જવેલર્સ દ્વારા વેચાણ થઇ શકે તે પ્રકારનો કાયદો લાગુ પાડવામાં આવેલ છે. આ કાયદો ૧પ જુન, ૨૦૨૧થી અમલી બનનાર આ કાયદાની કેટલીક અવગડતાઓ અંગે ગ્રેટર ચેમ્બરે સરકારનું ધ્યાન દોરેલ છે.

માત્ર ૧૮, ૨૦ કે ૨૨ કેરેટના દાગીનાનું વેચાણ થઇ શકે તેવા આ કાયદાથી ઓછી ગુણવતાના સોનાના દાગીના વ્યાજબી ભાવે ખરીદવાના હોય તો પણ તેવા દાગીના બનાવીને બજારમાં જવેલર્સ મારફત વેચાણ થતુ ન હોવાથી ગ્રાહકને અન્યાય થશે. જવેલર્સ જયારે દાગીના બનાવતા હોય ત્યારે તેની મેન્યુફેકચરીંગ પ્રોસેસમાં કયાંક પણ જરાપણ ભુલ રહે તો ઓછાવતા કેરેટના દાગીના બને તો તેને હોલમાર્ક યોજના હેઠળ હોલમાર્ક લાગી શકે નહી અને તેવા દાગીનાને ફરી ઓગાળવાની પ્રક્રિયા કરી સુધારણા કરવાની રહેશે.

આવી ફરી કરવાની પ્રક્રિયાને કારણે દાગીનાની કિંમતમાં (ઘડામણની મજુરીમાં) વધારો થાય તેથી બજારમાં તેવા દાગીના પણ મોંઘા પડે. તેથી ખરીદનારની પસંદગી પૂર્ણ થાય નહી. તેવી સ્થિતિ આ કાયદાથી ઉપસ્થિત થનાર છે. ત્યારે કન્ઝયુમર પ્રોટેકશનના ઉદ્દેશથી કન્ઝયુમર પ્રોટેકશન વિભાગ દ્વારા આ પ્રકારનો કાયદો અમલમાં મુકવો વ્યાજબી નથી.

આ અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કાયદાને તાત્કાલીક અમલથી લાગુ ન પાડવા અને આ કાયદામાં જરૂરી સંશોધન કરવા સુચન કરતા જણાવેલ છે કે, જવેલરી ઉત્પાદક દ્વારા ઉત્પાદીત કરવામાં આવેલ દાગીના પર પરીક્ષણ કરી હોલમાર્ક સેન્ટર દ્વારા દાગીનાની શુધ્ધતા જે ગુણાંકની હોય તે ગુણાંક દાગીના પર માર્કીગ કરી સોનાની શુધ્ધતા દર્શાવવામાં આવે તો ગ્રાહક છેતરાશે નહી કે ઉત્પાદક ગ્રાહકોને છેતરી શકશે નહી. અને ગ્રાહકને પસંદગીની શુધ્ધતાના દાગીના બજારમાં મળી રહેશે.

આ કાયદાને લાગુ પાડવાની સમય મર્યાદા વધારી હાલમાં ૧૫ જુનની તારીખ આપેલ છે એટલે કે, માત્ર ૧૫ દિવસનો વધારો કરવામાં આવેલ છે. જયારે આ કાયદા અંતગર્ત દાગીનાનું ટેસ્ટીંગ તથા હોલમાર્કીગ કરવા માટે સમગ્ર રાષ્ટ્રમાં માત્ર ૭૮૩ સેન્ટરો આવેલા છે. જયારે રાષ્ટ્રમાં જવેલરી મેન્યુફેકચરીંગ કરતા જવેલર્સની કુલ સંખ્યા અંદાજીત ૮૫ થી ૯૦ હજારની રહેલ છે. તેમજ આ મેન્યુફેકચરર્સ દ્વારા અંદાજીત ૬૦૦ ટન ગોલ્ડના દાગીના દર વર્ષે બનાવવામાં આવે છે. ત્યારે આ મર્યાદીત હોલમાર્ક સેન્ટર આ દાગીના પર શુધ્ધતા ચકાસણી કરી હોલમાર્ક લગાડી શકે તેવી ખુબ ઓછી શકયતા રહેલી છે.

સરકારશ્રીએ આ કાયદાના અમલ અંગે ઉતાવળ ન કરતા લાગતા વળગતા સર્વે સાથે મિટીંગ કરી સરળતાપૂર્વક આ કાયદાનો અમલ થાય તેવા સંશોધનો કરવા ગ્રાહક સુરક્ષા મંત્રી પીયુષ ગોહેલને રજૂઆત કરાઇ હોવાનું ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઇ દોશીની યાદીમાં દ્વારા જણાવવામાં આવેલ છે.

(3:09 pm IST)