Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ધ્રોલમાં પુત્રવધૂને ભગાડી જનારા શખ્‍સે ઝઘડો કરતાં જુમાભાઇ રાઠોડ સળગી મર્યા

ભગાડી જનાર અયુબ જામનગર રહેતો હતો હવે ફરી પડોશમાં રહેવા આવવું હોઇ જુમાભાઇએ ના પાડતાં માથાકુટ કરતાં પગલું: વૃધ્‍ધે રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડતાં પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨: ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતાં જુમાભાઇ ફકીરમહમદભાઇ રાઠોડ (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધે ગત સાંજે પોતાના ઘર પાછળના વંડામાં જઇ શરીરે પેટ્રોલ રેડી અગ્નિસ્‍નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં ધ્રોલ સારવાર અપાવી રાજકોટ  સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ ધ્રોલ પોલીસને જાણ કરી હતી. જુમાભાઇ પાંચ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. પુત્ર શબ્‍બીરભાઇએ કહ્યું હતું કે એક વર્ષ પહેલા મારી પત્‍નિ ગુલશનને અમારા પડોશમાં રહેતો અયુબ ભગાડી ગયો હતો. મારી બે દિકરી પૈકી એક દિકરીને પત્‍નિ પોતાની સાથે લેતી ગઇ હતી અને બીજી દિકરી મારી સાથે રહેતી હતી.

એ પછી અયુબ અને મારી ઘરવાળી જામનગર રહેવા જતાં રહ્યા હતાં. ગઇકાલે અયુબ ફરીથી અમારા પડોશમાં આવ્‍યો હતો અને હવે ફરીવાર અહિ રહેવા આવવું છે તેમ કહેતાં મારા પિતા જુમાભાઇએ તેને જામનગર જ રહેવા અને અહિ ન આવવાનું જણાવતાં તેણે ઝઘડો કરતાં મારા પિતાને માઠુ લાગી જતાં તેણે અગ્નિસ્‍નાન કરી લીધું હતું. ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)