Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રાજકોટ જિલ્લાકક્ષાની ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પડધરી તાલુકામાં થશે

કલેકટરના અધ્યક્ષસ્થાને સુચારૂ આયોજન અર્થે મળેલી બેઠક:૭૫ વર્ષની ઉજવણી નિમિતે ખાસ ટેબ્લોનું આયોજન કરવા સૂચન

રાજકોટ: આગામી તા.૧૫મી ઓગસ્ટ - ૨૨ની સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લાકક્ષાની ઉજવણી પડધરી તાલુકાના તરઘડી પાસેની જવાહર નવોદય વિદ્યાલય ખાતે કરવાનો નિર્ણય કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને પોલીસ અધિકારી જયપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

 કલેક્ટરએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ ખાસ પ્રસંગે આરોગ્ય, વન, ડિજિટલ સેવા સેતુ, અન્ન – પુરવઠા વગેરે વિભાગો દ્વારા આયોજન કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. તથા ગ્રામ્ય વિસ્તારમાં આવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. સ્વાતંત્ર પર્વની ઉજવણી માટે તા. ૧૩મી ઓગસ્ટના રોજ રીહર્સલ રાખવાનું નક્કી કર્યું હતું. બેઠકની શરૂઆતમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતન ઠક્કરે સૌને આવકારીને આ પર્વની થનારી ઉજવણી અંગે સંબંધિત વિભાગોને કરવાની થતી કાર્યવાહી અંગે જાણકારી આપી હતી આ બેઠકમાં સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 pm IST)