Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના ૨૨૧ કર્મચારીઓના પગાર વધારા પ્રશ્ને સુત્રોચ્ચારઃ પોલીસે કરી અટકાયત

સમાન કામ સમાન વેતનની માંગણી સાથે હોસ્પિટલ ચોકમાં સવારે મંજુરી વગર એકઠા થતાં ડિટેઇન

હોસ્પિટલ ચોકમાં મંજુરી વગર મોટી સંખ્યામાં ભેગા થઇ સુત્રોચ્ચાર કરનારા કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૨: પીડીયુ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝથી નોકરી કરતાં ચોથા વર્ગના (સફાઇ કામદાર અને પ્યુન) ૨૨૧ જેટલા કર્મચારીઓ આજે સવારે હડતાલ પર ઉતરી જઇ સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બેસા ગયા હતાં અને અલગ-અલગ બેનરો દર્શાવી સુત્રોચ્ચાર કર્યા હતાં. કોવિડ-૧૯ અંતર્ગત જાહેરમાં આ રીતે એકઠા થવા પર પ્રતિબંધ હોઇ પોલીસે તાકીદે પહોંચી તમાને ડિટેઇન કર્યા હતાં અને હેડકવાર્ટર લઇ જવા કાર્યવાહી કરી હતી. આ કર્મચારીઓએ કોન્ટ્રાકટર એજન્સી દ્વારા પોતાને સમાન કામ, સમાન વેતન આપવામાં આવે અને પગાર વધારો કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

રજૂઆતમાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમને મહામારીના સમયમાં પણ ૭૬૦૦ પગાર અપાય છે. નજીવા પગારમાં અમારે ગુજરાન ચલાવવું પડે છે. અમારી માંગણી છે કે વર્ગ-૪ના સરકારી કર્મચારીઓ છે તેમનો પગાર પાંત્રીસ હજાર જેવો હોય છે, અમારો પગાર પણ આટલો મળવો જોઇએ. સરકારશ્રીના નિયમ મુજબ અમને આઠ કલાકની નોકરી આપી વધુ પગાર આપવો જોઇએ. હાલના સંજોગામાં કોન્ટ્રાકટ બેઝના કર્મચારીઓની નોકરીમાં કોઇ સિકયુરીટી નથી. સરકારશ્રી આ બાબતે ધ્યાન આપે તેવી અમારી માંગણી છે. તેમ વધુમાં જણાવાયું હતું. પોલીસે મંજુરી વગર એકઠા થયેલા ૨૨૧ કર્મચારીઓની કલમ ૬૮ મુજબ અટકાયતની કાર્યવાહી કરી હતી.

અમે લેબરના નિયમો મુજબ જ પગાર આપીએ છીએે: એજન્સી પ્રવકતા ગિરીરાજસિંહ રાઠોડ

છ કર્મચારીઓને કોવિડમાં નોકરી ન કરવી હોઇ તેણે બીજા કર્મચારીઓને ઉશ્કેરણી કરી છેઃ અમારા કર્મચારીઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે : ઓવર ટાઇમનો પગાર અને કોવિડમાં ફરજ બજાવે તેને વધારાનું મહેનતાણુ પણ આપવામાં આવે છે

રાજકોટ તા. ૨: સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના ૧૦૦ જેટલા કર્મચારીઓ આજે અચાનક પગાર વધારાની માંગણી સાથે સિવિલ હોસ્પિટલ ચોકમાં બેનરો સાથે પહોંચી જતાં પોલીસે તમામને ડિટેઇન કર્યા હતાં. પગાર સહિતની બાબતો અંગે કોન્ટ્રાકટર એજન્સીના ગિરીરાજસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમારા આ કર્મચારીઓ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ છે. અમે તમામને લેબર કાયદાના નિયમો મુજબ જ પગાર આપીએ છીએ અને તમામનો પગાર સીધો બેંકમાં જમા થાય છે.

નર્સિંગ સ્ટાફ જેટલા પગારની માંગણી આ કર્મચારીઓ કરે તે યોગ્ય ન ગણાય. અમે નિયમ મુજબ સરકારી ધારાધોરણ મુજબનો યોગ્ય પગાર નિયમીત ચુકવીએ છીએ. જે કર્મચારી ડબલ ડ્યુટી કરે તેને અને ઓવર ટાઇમ કરે તેને પણ વધારાનો પગાર અપાય છે. આ ઉપરાંત કોવિડમાં ફરજ બજાવે તેને પણ વધારાનું મહેનતાણું આપવામાં આવી રહ્યું છે. તમામ કર્મચારીઓએ કોરોના કાળમાં સાચા વોરિયર્સ બનીને અમારી સાથે રહી ફરજ બજાવી છે.

પરંતુ ટ્રોમાકેર સેન્ટરમાં ફરજ બજાવતાં ૬ કર્મચારીઓ કે જેને કોવિડમાં અઠવાડીએ એક વખત ફરજ બજાવવાનો વારો આવે એ ફરજ બજાવવી ન હોઇ જેથી તેમને વારંવાર નોટીસો આપવામાં આવી હોઇ તે બાબતનો ખાર રાખી બીજા કર્મચારીઓની ઉશ્કેરણી કરી હોવાનું પણ અમારી જાણમાં આવ્યું છે. આ કર્મચારીઓને અગાઉ પણ નોટીસ આપી સમજાવવામાં આવ્યા હતાં. અમે લેબર લો મુજબ જ બધાને પગાર ચુકવણું કર્યુ છે.   તેમ વધુમાં ગિરીરાજસિંહ રાઠોડે જણાવ્યું હતું.

(12:57 pm IST)