Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

રૈયાધારની સગર્ભા ભારતીબેનનું લોહી ચડાવી ઇન્જેકશન અપાયા બાદ મોત

આઠ માસનો ગર્ભ હતોઃ લોહી પડતાં હોઇ ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતીઃ બેદરકારીનો આક્ષેપ થતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૨: રૈયાધારમાં રહેતી ભારતીબેન દિલીપભાઇ ચુડાસમા (કારડીયા રજપૂત) (ઉ.વ.૩૦) નામની સગર્ભાને ગઇકાલે ઘરે લોહી પડવા માંડતાં ગુંદાવાડી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં સારવાર બાદ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પરિવારજનોએ સારવારમાં બેદરકારીનો આક્ષેપ કરતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવડાવ્યું છે.

ભારતીબેનના મામા બાલુભાઇ ડોડીયાના કહેવા મુજબ ભારતીબેનને હાલમાં પેટમાં આઠ માસ અને પાંચ દિવસનો ગર્ભ હતો. ગઇકાલે અચાનક બ્લીડીંગ થવા માંડતા હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેણીને લોહીના બાટલા ચડાવાયા હતાં અને ઇન્જેકશન પણ અપાયુ હતું. એ પછી તેની તબિયત વધુ બગડી હતી અને મોઢામાંથી ફીણ નીકળી ગયા હતાં. એ પછી તેણીનું મોત નિપજ્યું હતુ઼. સારવારમાં બેદરકારીથી આમ થયાનો આક્ષેપ થતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ કરી હતી.

આ બનાવ અંગે પહેલા એ-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. ત્યારબાદ યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતાં એ.ડી. નોંધી એએસઆઇ ડી. વી. બાલાસરા અને રાકેશભાઇએ તપાસ હાથ ધરી છે. મૃતકના પતિ દિલીપભાઇ ડ્રાઇવીંગ કરે છે. સંતાનમાં એક પુત્ર જયવીર આઠ વર્ષનો છે. બનાવથી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

(11:45 am IST)