Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

રાજકોટમાં તીસરી આંખ સમા ૧૦૦૦ CCTV કેમેરાનું સંચાલન કેવી રીતે થાય છે ? કોલેજોના પ્રોફેસરો-વિદ્યાર્થીઓએ માહિતી મેળવી

રાજકોટ,તા.૨: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના નાનામવા સર્કલ પર આવેલ ICCC (Integrated Command And Control Center) ખાતે 'ફ્રીડમ થ્રુ ટેકનોલોજી' અંગે એક સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં રાજકોટ શહેરનાં જુદી જુદી કોલેજનાં પ્રોફેસરો / લેકચરર તથા વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સેમિનારમાં રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લી.નાં CEO તેમજ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર ચેતન નંદાણી, ડાઈરેકટર (આઈ.ટી. વિભાગ) સંજય ગોહેલ તથા આસીસ્ટન્ટ મેનેજર વત્સલ પટેલ તેમજ કર્મચારીશ્રીઓ પણ હાજર રહેલ હતા.

આ સેમીનારમાં ટેકનોલોજીનાં ઉપયોગ વડે લોકોની સુખાકારી તેમજ સલામતી વધે તે અંગે એક પ્રેઝન્ટેશનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં ICCCનું જુદા જુદા કમ્પોનન્ટ જેવા કે સી.સી.ટી.વી. કેમેરાનું સંચાલન/ વોટર સ્કાડા, ડ્રેનેજ સ્કાડા, ઓટોમેટિક ટિકીટ કલેકશન સિસ્ટમ (ATCS), ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝીસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમ (ITMS), જુદા જુદા ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) ડીવાઈસ, ડેટા સેન્ટર (DC)ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત લોકોને ICCC નાં જુદા જુદા ફંકશનથી વાકેફ કરવામાં આવેલ.

આ ઉપરાંત આ સેમિનારમાં ઉપસ્થિત સમુદાયને આ પ્રોજેકટની ઉપયોગીતા અંગે માહિતી આપતા નાયબ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર અને રાજય સરકારશ્રીનાં સહયોગ સાથે સ્માર્ટ સિટી મિશનનાં પ્રોજેકટ હેઠળ 'આઈ-વે પ્રોજેકટઈહેઠળ સમગ્ર રાજકોટ શહેરમાં ૧૦૦૦ જેટલા સીસીટીવી કેમેરાનું વિશાળ નેટવર્ક ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. સેઈફ એન્ડ સિકયોર રાજકોટનાં કન્સેપ્ટ સાથેનાં આ પ્રોજેકટ હેઠળ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર - ICCC (Integrated Command And Control Center) બનાવવામાં આવેલ છે.

નાયબ કમિશનરશ્રીએ વિશેષમાં એમ પણ ઉમેર્યું હતું કે, આઈ-વે પ્રોજેકટ શહેરમાં ઇન્સીડન્ટ મેનેજમેન્ટમાં ખુબ જ મદદરૂપ પૂરવાર થઇ રહેલ છે. ઉદાહરણ તરીકે વાવાઝોડા અને ભારે વરસાદના પડકારરૂપ સંજોગોમાં સમગ્ર શહેરની સ્થિતિ પર સતત નજર રાખી આવશ્યકતા અનુસાર ત્વરિત પગલાં લઈ શકાય છે. રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં વિવિધ સ્થળોએ પોતાના સંકુલ અને પ્લોટ ધરાવે છે. આ સંજોગોમાં એસ્ટેટ મેનેજમેન્ટની કામગીરીમાં પણ આઈ-વે પ્રોજેકટ ઉપયોગી થઇ રહયો છે. સાથોસાથ શહેર પોલીસને ગુન્હાની તપાસમાં તેમજ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પણ આ પ્રોજેકટ એટલો જ મદદરૂપ થઇ રહયો છે.

સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ હાલ ફેઇઝ-૨ માં શહેરમાં વિવિધ સ્થળોએ સ્માર્ટ બસ સ્ટોપ બનાવવામાં આવેલ છે. મનપાની આ પહેલને નાગરિકો દ્વારા ખુબ સારો પ્રતિસાદ સાંપડી રહયો છે. સાથોસાથ બી.આર.ટી.એસ. બસ સ્ટોપ ખાતે ટર્નસ્ટાઈલ ગેઈટ બનાવવામાં આવ્યા છે. તો શહેરમાં વિવિધ સ્થળોએ એલ.ઈ.ડી. સ્ક્રીન અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ કાર્યરત છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડિજિટલ હાઈ-વે અંગેની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

આ સેમિનારમાં ઉપસ્થિત સૌ પ્રોફેસર, લેકચરર અને છાત્રોએ મહાનગરપાલિકાની ઉપરોકત કામગીરી અને આધુનિક જમાનાને અનુરૂપ વિકાસલક્ષી કામગીરીની માહિતી મેળવી વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતાં.

(4:08 pm IST)