Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

'મહાત્મા ગાંધી જયંતી તથા આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત 'કલીન ઇન્ડિયા' અભિયાન

રેસકોર્ષમાંથી ૮૮ કિલો ગંદકી દુર : પ્લોગીંગ રન - સાયકલોથોનમાં ૩૫૦થી વધુ લોકો ઉમટયા

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કાર્યક્રમ યોજાયો : મેયર - કમિશનર સહિતના પદાધિકારીઓ - અધિકારીઓએ સફાઇ કરી

રાજકોટ તા. ૨ : આજ રોજ બીજી ઓકટોબર 'મહાત્મા ગાંધી જયંતી તથા આઝાદીકા અમૃત મહોત્સવ' અંતર્ગત 'કલીન ઇન્ડિયા' અભિયાન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લોગીંગ રન, સાઈકલોથોન અને વોકેથોન કાર્યક્રમ મેયર ડા'.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો.

આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ચેતનભાઈ સુરેજા, ડે.કમિશનર આશિષ કુમાર, ચેતન નંદાણી, એ.કે.સિંઘ, રાજકોટ સાયકલો કલબ માંથી રાજકોટ સાઈકલ કલબના પ્રમુખ દિવ્યેશભાઈ જસાણી, ફાઉન્ડર દિવ્યેશ અઘેરા, સેક્રેટરી ઉર્વીશ સીલંકી, અને રાજકોટ રેન્ડોનીયર્સના વિજયભાઈ દોંગા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના રિજયોનલ મેનેજર કે. પાર્થ સારથી નાયડુ, તથા તેમની ટીમ આજ રોજ બીજી ઓકટોબરે સવારે ૦૬.૩૦ કલાકે શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે પ્લોગીંગ રન, સાઈકલોથોન અને વોકેથોન યોજાયો. જેમાં પદાધિકારીશ્રીઓ તથા કોર્પોરેટરો, અધિકારીઓ, કર્મચારીઓ અને આ ત્રણેય ઇવેન્ટમાં ભાગ લેનાર શહેરીજનો ઉપસ્થિત રહ્યા.

સાઈકલોથોનમાં સૌથી વધુ તેમજ વોકેથોનમાં ૧૫૦થી વધુ લોકોએ ભાગ લીધો તેમજ પ્લોગીંગ રનમાં ૨૦૦ થી વધુ લોકોએ ભાગ લીધેલ.

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ જણાવેલ છે કે, સ્વચ્છ શહેર બનાવા તંત્રની સાથે લોકોનો સહકાર મળે તો ખુબજ સારું પરિણામ મળે શહેરીજનોએ જયાં ત્યાં કચરો ફેકી ગંદકી ન કરે તેવી અપીલ કરી છે. પૂજય મહાત્મા ગાંધી સ્વચ્છતા આગ્રહી હતા, સ્વચ્છતાના ત્યાં પ્રભુતા તેમનું મંત્ર હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ૨૦૧૪માં સ્વચ્છતા અભિયાન શરૂ કરેલ. ફરી ગઈ કાલે પ્રધાનમંત્રીશ્રીએ સ્વચ્છ ભારત મિશન ૨.૦ ગઈ કાલે લોન્ચિંગ કરેલ અને દેશને સ્વચ્છતા માટે ભાર મુકેલ હતો.

આ અવસરે ઉપસ્થિત સૌમહાનુભાવો દ્વારા સ્વચ્છતાના સપથ લીધા તેમજ સાઈકલોથોન અને વોકેથોનને ફલેગ આપવામાં આવેલ. પ્લોગીંગ રન દ્વારા ભાગ લેનાર પાર્ટીસીપેન્ટ દ્વારા દોડીને કચરો એકઠો કરવામાં આવેલ. આ ઇવેન્ટમાં પ્રથમ આવનાર ધી ગુજરાત બટાલિયન ગૃપ(એન.સી.સી.) દ્વારા ૪૨ કિલો, બીજા ક્રમની સરોજીની નાયડુ સ્કૂલ દ્વારા ૩૨ કિલો અને ત્રીજા ક્રમના શ્રેયશ રાઠોડ દ્વારા ૧૪ કિલો કચરો એકઠો કરવામાં આવેલ. તેઓને મહાનુભાવોના હસ્તે ગીફટ વાઉચર આપવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદુષણ ઘટે તથા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે સાયકલ શેરિંગ પ્રોજેકટ અમલમાં મુકલ છે તેમજ સાયકલ ખરીદનારને સબસીડી આપવામાં આવે છે.

રોટરી ઇન્ટરનેશનલ કલબ દ્વારા રાજકોટ સાયકલ કલબ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે તા.૦૭/૦૩/૨૦૨૧ના રોજ વર્ચ્યુઅલ સાયકલોથોન યોજવામાં આવેલ આ સાયકલોથોનમાં ૨૨ થી વધુ દેશો માંથી ૧૪ હજારથી વધુ લોકોએ ભાગ લીધેલ. આ યુનિટના કારણે વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી થયેલ અને તેમનું સર્ટીફ્રીકેટ આપવામાં આવેલ. આજ રોજ સાયકલ કલબના નિકેતા માટલીયા, નીતા મોટલા, પ્રશાંત કક્કડ તથા પ્રતિક સોનેજી દ્વારા મેયર ડો.પ્રદિપ ડવને અર્પણ કરેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને કલીન ઇન્ડિયા અનુસંધાને ચાલુ માસમાં જુદી જુદી સામજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, સ્પોર્ટસમેન, ઔદ્યોગીક સંસ્થા વીગેરેને જોડી સફાઈ અભિયાન ચાલવામાં આવશે.

(4:10 pm IST)