Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

કલ્‍પસર જાગૃતિ અભિયાન અંતર્ગત કાલે કિસાન સભા

ખેડુતોની વર્ષો જુની માંગ અંગે ચર્ચા, દેશભરમાંથી કિસાનો હાજર રહેશે

રાજકોટઃ સૌરાષ્‍ટ્રનો કાયા કલ્‍પ  કરવાની જે યોજનાની પૂરી ક્ષમતા છે. તેવી વર્ષોથી વિલંબીત કલ્‍પસર યોજના તાત્‍કાલિક અમલમાં આવે તેવી માંગણી સાથે એક કિસાન સભાનું રાષ્‍ટ્રીય કિસાન મંચ દ્વારા આવતી કાલે તા.૩ના ગુરૂવારે સાંજે  ૪ કલાકે મેસોનિક હોલ (બસ સ્‍ટેન્‍ડ પાસે) દ્વારા આયોજન કરાયું છે.

દેશના પૂર્વ વડાપ્રધાન સ્‍વ.વી.પી.સિંહ દ્વારા સ્‍થાપિત રાષ્‍ટ્રિય કિસાન મંચના પ્રવકતા આશિષ મિશ્રાએ આ બાબતે  માહિતી  આપતા જણાવ્‍યું હતુ કે ગુજરાત રાજયમાં વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. ત્‍યારે સૌરાષ્‍ટ્રના ખેડૂતોની આ વર્ષો જૂની માંગ બાબતે વિચાર વિમર્શ કરવા માટે આ કિસાન મંચના આયોજન કરવામાં આવ્‍યુ છે. આ બેઠકમાં કિસાન અગ્રણીઓ ઉપરાંત  રાષ્‍ટ્રિય કિસાન મંચના પદાધિકારીઓ તેમજ કલ્‍પસર યોજના સાકાર થાય તે બાબતે છેલ્લા ઘણા જ વર્ષોથી વિવિધ  વિસ્‍તારોમાં જાગૃતિ અભિયાન ચલાવી રહેલા કાર્યકર્તાઓ એકત્રિત થશે.

આ કિસાન બેઠક દરમ્‍યાન કલ્‍પસર યોજના જો સાકાર થાય તો સૌરાષ્‍ટ્રને અનેક ફાયદાઓ પ્રાપ્ત થાય તેમ છે.  કલ્‍પસર યોજના સાકાર થાય તો ગુજરાતને ૫૮૫૦ મેગા વોટ વધારાની વિજળી સાથે સૌરાષ્‍ટ્રની સૂકી ધરાને સિંચાઇનો લાભ મળશે તેમજ  સૌરાષ્‍ટ્રનો  દરિયા કિનારો ધમધમતો થશે. સૌરાષ્‍ટ્ર અને ગુજરાત વચ્‍ચેનું અંતર પણ આ યોજનાથી મહત્તમ ઘટી જશે જેનાથી પેટ્રોલ, ડિઝલ સ્‍વરૂપે  કરોડોના વિદેશી હૂંડિયામણની બચત થાય તેમ છે. સમગ્ર સૌરાષ્‍ટ્રની કાયા પલટ કરી નાખનારી આ યોજનાના અમલ માટે અત્‍યાર સુધીમાં ૩૦૦ કરોડથી વધુ રૂપિયાનું આંધણ થઇ ચૂકયુ હોવા છતાં જમીની સ્‍તર પર કોઇ ડેવલોપમેન્‍ટ થયુ નથી. આ બાબતે  અગામી સમયમાં સૌરાષ્‍ટ્રની જનતાને જાગૃત કરવા કલ્‍પસર જાગૃતિ અભિયાન અને રાષ્‍ટ્રિય કિસાન મંચ સાથે મળીને કામ કરશે વિ. બાબતે ચર્ચા કરવામાં આવશે.

તસ્‍વીરમાં આશીષ મિશ્રા, જીજ્ઞેષ કાલાવડીયા, શિવમસિહા, સંજય પારસરીયા, મૌલિક મહેતા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:25 pm IST)