Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ગુજરાતી ફિલ્‍મ ‘ચબુતરો' : વિદેશમાં કારકિર્દી માટેની સંઘર્ષ ગાથા

મુખ્‍ય રોલ કરનાર રોનક કામદાર કહે છે આ ફિલ્‍મનો ગરબો ‘મોતી વેરાણા ચોકમાં' ખુબ છવાઇ ગયો છે : નિવેદીતાનું પાત્ર નિભાવતી અંજલી બારોટ કહે છે ફરીયાદ કરવાને બદલે સોલ્‍યુશન વિચારવાનો સંદેશ આ ફિલ્‍મમાં સારી રીતે રજુ થયો છે : ૪ નવેમ્‍બરથી ગુજરાત અને મુંબઇમાં રીલીઝ

રાજકોટ તા. ૨ : ટીઝર રીલીઝ થવાની સાથે જ સૌના હૈયે છવાય ગયેલ ગુજરાતી ફિલ્‍મ ‘ચબુતરો' આગામી તા. ૪ નવેમ્‍બરથી ગુજરાત અને મુંબઇ સહીતના શહેરોમાં રીલીઝ થવા જઇ રહ્યુ છે.
‘અકિલા' ખાતે આ ફિલ્‍મના કલાકારોએ રસપ્રદ વિગતો વર્ણવી હતી. ફિલ્‍મમાં મુખ્‍ય પાત્ર ‘વિરાજ'નો રોલ કરનાર રોનક કામદારે જણાવેલ કે આમ તો આખુ ફિલ્‍મ એક યુવાનની વિદેશમાં કારકીર્દી માટેની સંઘર્ષગાથા ઉપર વણાયેલુ છે. વિરાજ અમેરીકામાં ઉજજવળ કારકીર્દી માટે સતત સંઘર્ષ કરતો રહે છે. સ્‍વતંત્ર લાઇફ જીવવાના સ્‍વપ્‍ના સેવતો રહે છે. બાદમાં તેના જીવનમાં નિવેદીતા આવે છે અને થોડી રોમાંચકતા  સર્જાય છે.
રોનક કહે છે આ ફિલ્‍મનું ટીઝર રજુ થતાની સાથે જ ગુજરાતી ગરબો ‘મોતી વેરાણા ચોકમાં' જે ઓસમાણ મીરના સ્‍વરમાં કંડારવામાં આવ્‍યો છે તે ખુબ ફેમશ થઇ ગયો છે. આ ઉપરાંત ‘વૈરાગી' અને ‘પરદેશી મલક' મુખડા પરના ગીતો પણ છે. મોટાભાગનું શુટીંગ અમદાવાદ અને શીકાગોમાં થયુ છે. માત્ર ૨.૨૬ મીનીટના રજુ થયેલ ટ્રીઝરે દર્શકોના દીલ જીતી લીધા છે. ટુંકમાં વિદેશમાં રહેવા છતા વતન પ્રત્‍યેનો પ્રેમ કેળવવાની વાત અને ગુજરાતી સંસ્‍કૃતિ જાળવી રાખવાની વાત આ ફિલ્‍મમાં સુપેરે રજુ થઇ છે.
શુટીંગ વખતેનો એક અનુભવ વર્ણવતા રોનક કામદારે જણાવેલ કે અમદાવાદમાં ૬ રાત્રીનું શુટીંગ આટોપવાનું હતુ તે સમયે જ હું માંદગીમાં પટકાયો હતો. પરંતુ દવાઓ લઇને મેં હિમ્‍મતભેર શુટીંગ પૂર્ણ કર્યુ તે સમય મારા માટે યાદગાર બની રહેશે. આમ તો આ પહેલા હું ‘૨૧ મું ટીફીન' અને ‘નાડીદોષ' જેવી ફિલ્‍મો કરી ચુકયો છુ, પણ ‘ચબુતરો' મારા માટે નવા જ અનુભવો આપનારૂ બની રહ્યુ. શાળા કોલેજના સમયે નાટકો કરતો અને ૨૦૧૬ થી પૂર્ણ રૂપે અભિનયક્ષેત્ર ધમરોળુ છુ.
ફિલ્‍મમાં ‘નિવેદીતા'નું પાત્ર નિભાવતી અંજલી બારોટે જણાવ્‍યુ હતુ કે આ ફિલ્‍મમાં ફરીયાદ કરવાને બદલે સોલ્‍યુશન લાવવાનો સંદેશો રજુ થયો છે. ‘નિવેદીતા' આર્કીટેક છે અને અમદાવાદની શકલ ઓલ્‍ડ સીટીમાંથી બદલવા સતત પ્રયત્‍નશીલ રહે છે. અમેરીકામાં કારકીર્દી જમાવવા મથી રહેલ ‘વિરાજ' સાથે તેનો ભેટો થાય છે અને પછી બન્ને સાથે મળીને નવો જ આયામ શરૂ કરે છે.
અભિનેત્રી અંજલી બારોટે જણાવેલ કે મને અભિનય ઉપરાંત ટ્રાવેલીંગ અને ફુડીંગનો ખુબ શોખ છે. નવા નવા સ્‍થળે ફરવુ અને નવુ નવુ ફુડ આરોગવુ તે મનુ  ખુબ ગમે છે.તેણી કહે છે ફિલ્‍મ ‘ચબુતરો'માં કામ કરવાનું ખુબ મજા આવી. ફિલમના રાઇટર અને ડાયરેકટર ચાણકય પટેલ તેમજ પ્રોડયુસર નેહા રજોરા સાથે કામ કરવાની ખુબ મજા આવી. ફિલ્‍મના ગીતો નિરેન ભટ્ટે લખ્‍યા છે. જયારે સંગીત સિધ્‍ધાર્થ અમિત ભાવસારે આપ્‍યુ છે. અભિનયમાં હુ અને રોનક ઉપરાંત ધર્મેશ વ્‍યાસ, છાયા વોરા, ભુમિકા બારોટ, ધર્મેશ વ્‍યાસ, શિવમ પારેખ, અન્નપૂર્ણા શુકલા અને આકાશ પંડયાએ પણ ખુબ સરસ કામ કર્યુ છે.તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ લેતા અને ફિલ્‍મની રોચક ચર્ચા કરતા અભિનેતા રોનક કામદાર તથા અંજલી બારોટ તેમજ બાજુમાં નિર્ભયભાઇ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(3:45 pm IST)