Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મેટોડા જી.આઇ.ડી.સીના ગેઇટ પાસે જે.સી.બીની ઠોકરે ઓરીસ્‍સાના યુવાનનું મોત

શ્‍યામલાલ સાબર ચાલીને જતો'તોઃ જેસીબી રેઢુ મુકી ચાલક ભાગી ગયો

રાજકોટ તા.૨: મેટોડા જી.આઇ.ડી.સીના ગેઇટ નં.૩ પાસે ચાલીને જઇ રહેલા ઓરીસ્‍સાના યુવાનને જે.સી.બીના ચાલકે ઠોકર મારતા યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ ઓરીસ્‍સાના દેબરીયા મુંડા ગામનો હાલ લોધીકાના મેટોડા જીઆઇડીસીના કારખાનામાં મજૂરીકામ કરતો શ્‍યામલાલ ચન્‍દ્રધ્‍વજ સાબર(ઉ.૩૮) ગઇકાલે જી.આઇ.ડી.સીમાં ચાલીને જતો હતો. ત્‍યારે જી.આઇ.ડી.સીના ગેઇટ નં.૩ની અંદર સન ફોર્જીંગ નામના કારખાના પાસે જીજે.૩ એચ.ઇ-૩૧૮૩ નંબરના જેસીબીના ચાલકે પુર ઝડપે આવી શ્‍યામલાલને હડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઇએમટી નીલેશભાઇ ગોહિલ અને પાઇલોટ નાનુભાઇ જોટવા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
અકસ્‍માત સર્જનાર ચાલક જેસીબી રેઢુ મુકી નાશી ગયો હતો. જાણ થતા લોધીકા પોલીસ મથકના હેડ કોન્‍સ વી.એસ.ઝાલા સહિતે સ્‍થળ પર પહોંચી જેસીબીના ચાલક વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

 

(3:48 pm IST)