Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

જામનગર રોડ પરની રેલ્વે કોલોની ૯૯ વર્ષના પટ્ટે ખાનગી ડેવલોપરને પધરાવી દેવાશે!

હૈયાત ૩૪ સ્ટાફ કવાટર્સ ખાનગી ડેવલોપર નવા બનાવી આપશેઃ ૩ર૬૬પ.૪૭ વર્ગ મીટરમાં ફેલાયેલી જગ્યાની નક્કી થયેલી ૧.૮ એફએસઆઇ ડેવલોપરને ઉંપલબ્ધ થશેઃ રાજકોટ રેલ્વે ખાનગીકરણનું પ્રથમ પગલું ઃ અતિ કિંમતી જમીનની ઓછામાં ઓછી કિંમત ૬ર કરોડ નક્કી કરી ટેન્ડર પ્રસિધ્ધઃ ર૭ મીએ બીડની છેલ્લી તારીખ

રાજકોટ, તા., ૨: રેલ્વે ભુમિ વિકાસ  પ્રાધીકરણ (રેલ લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી)   દ્વારા રાજકોટના જામનગર રોડ ઉપર આવેલી રેલ્વેની લોકો કોલોની તરીકે ઓળખાતી કર્મચારી વસાહતની અતિ કિંમતી જગ્યા ૯૯ વર્ષના પટ્ટે ખાનગી ડેવલોપરને પધરાવી દેવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ૩ર૬૬પ.૪૭ વર્ગમીટરમાં ફેલાયેલી આ જગ્યાની નક્કી થયેલી ૧.૮ એફએસઆઇ ડેવલોપરને ઉપલબ્ધ બનશે. આ માટેની પ્રિબીડ મીટીંગ ૧પ નવેમ્બર-ર૦ર૧ના મળી હતી. રાજય અને રાષ્ટ્રીય કક્ષાના અનેક ડેવલોપરે આ જમીન માટે ઉંડી દિલચસ્પી દેખાડી છે. ૬ર કરોડની અપસેટ કિંમત સાથેનું ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ર૭ ડિસેમ્બર નક્કી થઇ છે.

માસ્ટર પ્લાનમાં જમીનને રેલ્વે ઝોનના રૂપમાં દેખાડવામાં આવી છે. સોંપવામાં આવનારી જમીન રેલ્વે ઝોનનો હિસ્સો છે. જેમાં પ્લોટની બંન્ને તરફ ૧ર મીટર પહોળો રસ્તો છે. જેના ઉપર ૩૪ સ્ટાફ કવાટર ઉભેલા છે અને આ ૩૪ કવાટરના નિર્માણ માટે રેલ્વે દ્વારા વધારાની જગ્યા ડેવલોપરને પુરી પાડવામાં આવશે. કોમર્શીયલ ડેવલોપમેન્ટ માટે ઉપલબ્ધ કુલ જમીન ૩ર૬૬પ વર્ગમીટર  ચારે તરફથી રેલ્વેની જમીનથી ઘેરાયેલી છે.

રેલ્વેની દિલ્હી ઓફીસ દ્વારા સતાવાર રીતે પ્રકાશીત થયેલી પ્રેસ યાદીમાં આરએલડીએના વાઇસ ચેરમેન વેદ પ્રકાશ  ડુડેજાએ જણાવ્યું છે કે, રાજકોટ ગુજરાતનું એક પ્રમુખ ઔદ્યોગીક શહેર છે. જે વ્યાપારીક રીતે અત્યંત મહત્વનું સેન્ટર છે.

જે જગ્યા ભાડાપટ્ટાથી આપવાની પ્રક્રિયા ચાલુ થઇ છે તે રેલ્વે સ્ટેશનથી અઢી કિલોમીટર અને એરપોર્ટથી માત્ર બે કિલોમીટર દુર છે. સબંધીત જગ્યા રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન અંતર્ગત આવે છે. રેલભુમી વિકાસ પ્રાધીકરણ રેલ્વેની માલીકીની કોમર્શીયલ ગણાતી જમીન ઉપરની કોલોનીના પુનઃવિકાસ, સ્ટેશનોના પુનઃ વિકાસ અને રેલ્વેની અન્ય ઉપયોગમાં લેવાતી જગ્યાઓના વિકાસનું કાર્ય કરે છે.

ભારતીય રેલ્વે પાસે સમગ્ર ભારતમાં ૪૩ હજાર હેકટર ખાલી જમીન છે. આરએલડીએ વર્તમાનમાં ૮૪ રેલ્વે કોલોની પુનઃ વિકાસની યોજના સંભાળી રહી છે અને ગૌહાટી અને સિકંદરાબાદમાં ૩ રેલ્વે કોલોનીઓ ભાડાપટ્ટે આપી ચુકી છે. આરએલડીએ પાસે લીઝીંગ માટે સમગ્ર ભારતમાં ૧૦૦ થી વધુ કોમર્શીયલ (ગ્રીન ફિલ્ડ) સાઇટો છે અને દરેક માટે યોગ્ય ડેવલોપર શોધવા પારદર્ર્શી પ્રક્રિયાથી ટેન્ડર કરવામાં આવશે. હવે તબક્કાવાર રીતે આરએલડીએ દિલ્હી, વિજવાસન, લખનઉ ચાર બાગ, ગોમતીનગર લખનઉ અને ચંદીગઢ જેવા પ્રમુખ સ્ટેશનોને પુનઃવિકાસ માટે સોંપવા પ્રાથમીકતા આપી રહી છે. ભારત સરકાર દ્વારા શરૂ થયેલી સ્માર્ટ સીટી યોજનાના એક ભાગ રૂપે દેશભરના રેલ્વે સ્ટેશનોને પીપીપી અને ઇપીસી મોડલ ઉપર પુનઃ વિકસીત કરવામાં આવશે તેમ આરએલડીએના વાઇસ ચેરમેન વેદ પ્રકાશ ડુડેજાએ અંતમાં જણાવ્યું છે.

(3:30 pm IST)