Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

રાજકોટમાં આજે કોરોનાનો મૃત્યુઆંક શુન્ય : નવા ૧૨ કેસ

હવે રાજકોટ કોરોના મુકત થવાના આરે...હાલ ૧૬૯ દર્દીઓ સારવાર હેઠળ : શહેરમાં આજ દિન સુધીમાં ૧૫,૩૨૮ કુલ કેસ નોંધાયા તથા ૧૪,૯૭૪ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૭.૭૬ ટકા થયો

રાજકોટ, તા.૩:  વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં  આજે એક પણ મોત થયુ નથી. શહેરમાં બપોર સુધીમાં ૧૨ કેસ નોંધાયા છે. હાલ શહેરમાં ૧૬૯ દર્દીઓ સારવાર હેઠળ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨નાં સવારે ૮ વાગ્યાથી તા.૩ ને  આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં એકેય દર્દીએ દમ તોડી દીધા નથી.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી ૫ પૈકી એક મોત જાહેર કર્યુ છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૪૨૮ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

બપોર સુધીમાં ૧૨ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૫,૩૨૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૪,૯૭૪ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૭.૭૬ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૧૦૬૮  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૨૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૧૫ ટકા થયો  હતો. જયારે ૭૦ દર્દીઓને સાજા થયા હતા. જયારે આજ દિન સુધીમાં ૫,૭૨,૨૫૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૩૨૮  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૮ ટકા થયો છે.

(3:16 pm IST)