Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

સાયલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી કાજલબેન સોલંકીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ લગ્નપ્રસંગમાંથી ગઇકાલે નોકરીએ હાજર થયાઃ પોલિયો કામગીરી વખતે તબિયત લથડીઃ મૃતદેહનું રાજકોટમાં પોસ્ટ મોર્ટમ

રાકજોટ તા. ૩: સાયલા રહેતી અને ત્યાંના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં નર્સિંગ વિભાગમાં ફરજ બજાવતી કાજલબેન લલિતભાઇ સોલંકી (ઉ.વ.૨૪) નામની યુવતિને ચાલુ નોકરી તબિયત બગડતાં સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયેલ. પરંતુ ત્યાં મોત નિપજ્યું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

કાજલબેન બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. તેના પિતા કાપડનો ધંધો કરે છે. પરિવારજનોના કહેવા મુજબ કાજલબેન ગઇકાલે જ રાજકોટથી લગ્ન પ્રસંગ પતાવી પરત સાયલા પહોંચી નોકરી પર હાજર થઇ હતી. વિસ્તારમાં પોલિયો કામગીરીના સુપરવિઝન વખતે તેણીને માથુ દુઃખવા માંડતા અને ઉલ્ટી થતાં તબિબે સારવાર આપી હતી. એ પછી તબિયત વધુ બગડતાં સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

પોલીસે મોતનું કારણ જાણવા મૃતદેહનું રાજકોટ પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:49 am IST)