Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

મોટા હોલમાં જ મતદાન મથકો : કર્મચારીઓને હેન્ડ ગ્લોવ્ઝ - માસ્ક

કોરોના મહામારીએ મતદાનની પ્રક્રિયામાં કરાવ્યા ફેરફારો : દરેક ચૂંટણી કર્મચારીનું થર્મલગનથી ટેસ્ટીંગ : સેનેટાઇઝર - સોશ્યલ ડીસ્ટન્શીંગ ફરજીયાત : સરકારે મતદાન માટે બહાર પાડી ગાઇડલાઇન

રાજકોટ તા. ૩ : આગામી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં મતદાનની પ્રક્રિયા દરમિયાન કોરોના સંક્રમણ ફેલાય નહી તે માટે સુરક્ષાની ખાસ ગાઇડ લાઇન બહાર પાડી અને તેનો અમલ કરાવવા સુચનાઓ જારી કરી છે.

રાજ્યની સ્વરાજ્યના એકમોની સામાન્ય - પેટા ચૂંટણી દરમિયાન કોવિડ-૧૯ પેન્ડેમિકની પરિસ્થિતિ ધ્યાને લેતા ચૂંટણી સંચાલન અન્વયે મતદાન સ્ટાફની તાલીમ અને મતદાન ટુકડીઓની રવાનગી અંગે અનુસરવાની આરોગ્યલક્ષી માર્ગદર્શિકા આ મુજબ છે.

ચૂંટણીના કામમાં કાર્યરત દરેક વ્યકિતએ ચૂંટણીના દરેક તબકકે ફેસ માસ્ક અવશ્ય પહેરવાનું રહેશે અને વખતોવખત હાથ સેનેટાઈઝ કરવાના રહેશે. તે માટે સેનેટાઈઝર, સાબુ અને પાણીની વ્યવસ્થા કરવાની રહેશે.

ચૂંટણીના દરેક તબક્કાના સમયે કાર્યરત દરેક કર્મચારીનું તાપમાન થર્મલ ગનથી તપાસવાનું રહેશે.

સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સીંગ) જાળવવા માટે શકય હોય ત્યાં સુધી ચૂંટણીના દરેક તબક્કે કામગીરી માટે મોટા અને વઘુ હોલનો ઉપયોગ કરવાનો રહેશે.

ચૂંટણી કાર્ય માટે પસંદ થયેલ તાલીમ સ્થળ અને દરેક મતદાન મથકનો ઉપયોગ કરતા પહેલાં તેનું સેનેટાઇઝેશન કરવાનું રહેશે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના કર્મચારી દ્વારા નોડલ આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સેનીટાઈઝેશનની કામગીરી કરવાની રહેશે.

કેન્દ્ર/રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલ નિયમો મુજબ સાર્વજનિક સ્થળે થૂંકવું તેમજ પાન, ગુટકા, તમાકુ વગેરે ખાવા પર પ્રતિબંધ છે અને ફેસમાસ્ક ન પહેરનારને દંડ કરવાનો રહેશે.

તાલીમ

તાલીમ સ્થળે સેનીટાઈઝર, સાબુ અને પાણીની તેમજ થર્મલ ગનથી તાપમાન ચકાસણીની જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે.

તાલીમમાં હાજર રહેનાર તમામ વ્યકિતઓ માટે માસ્કનો ઉપયોગ ફરજીયાત રહેશે.

તાલીમમાં ઉપયોગ થનાર સામગ્રીને પણ સેનીટાઇઝ કરી ઉપયોગમાં લેવાની રહેશે.

ચૂંટણી અધિકારીઓની તાલીમ મોટા સભાખંડોમાં ડીસેન્ટ્રલાઈઝડ રીતે સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવીને યોજવાની રહેશે.

મતદાન ટુકડીની તાલીમ દરમ્યાન તબીબી અધિકારીએ સંબંધિત આરોગ્ય નોડલ અધિકારીએ કોવિડ-૧૯ ગાઇડલાઇન્સ વિશે જરૂરી સમજણ આપવાની રહેશે. જેમાં મતદાન ટુકડીને પી.પી.ઈ. કીટ પહેરવાના અને દૂર કરવા અંગેનું નિદર્શન અને સમજ આપવાની રહેશે. તેમજ આરોગ્યલક્ષી સાધન સામગ્રીના યોગ્ય ઉપયોગ આરોગ્ય જાળવણી વિષયક સાવચેતી અંગે સમજ આપવાની રહેશે.

મતદાન સ્ટાફની તાલીમ વખતે તાલીમ સ્થળની બેઠક ક્ષમતાને ધ્યાને રાખીને તાલીમાર્થીઓને સત્ર (બેચ) વાર બોલાવવાના રહેશે. વિશાળ હોલમાં તાલીમનું આયોજન કરવાનું રહેશે. જેથી સામાજિક અંતર (સોશિયલ ડીસ્ટન્સીંગ)નું પાલન થાય તે મુજબની બેઠક વ્યવસ્થા ગોઠવી શકાય.

તાલીમના સ્થળે મતદાન કર્મચારીના સ્વૈચ્છિક રેપીડ ટેસ્ટ અંગેની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

જો કોઈ મતદાન કર્મચારી કોવિડ-૧૯ પોઝીટીવ આવે અથવા લક્ષણો દેખાય તો તેની જગ્યાએ કામગીરી માટે અન્ય કર્મચારીને મૂકી શકાય તે માટે કર્મચારીઓની પૂરતી સંખ્યા જિલ્લા ચૂંટણી અધિકારી/ચૂંટણી અધિકારીએ અનામત રાખવાની રહેશે.

મતદાન ટુકડીઓની રવાનગી

ચૂંટણી સામગ્રી તમામ સલામતી, સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સીંગ (સામાજિક અંતર)ના નિયમોને આધિન મોટા અને એક અથવા એક કરતાં વધારે પ્રમાણમાં વિશાળ હોલમાં તૈયાર કરવાની રહેશે.

રવાનગી સ્થળ ઉપર ચૂંટણી સામગ્રી વિતરણનાં કાઉન્ટર ઉપરાંત કોવિડ-૧૯ રોગચાળાને લીધે આરોગ્ય વિષયક સાધન સામગ્રીની કીટ મતદાન ટુકડીને પૂરી પાડવા માટેનું કાઉન્ટર પણ કાર્યરત રહેશે.

રવાનગી સ્થળ ઉપર મતદાન ટુકડી ઉપરાન્ત ડીસ્પેચ સેન્ટર ઉપર ફરજ પરના સ્ટાફ, હેલ્પર અને વાહનોના ડ્રાઇવર/કલીનર વગેરે તમામ સ્ટાફનું થર્મલ ગનથી સ્ક્રીનીંગ ફરજિયાત કરાવવાનું રહેશે. વઘુમાં ઉકત સ્ટાફ માટે સ્વૈચ્છિક રીતે રેપીડ ટેસ્ટ કરાવવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવાની રહેશે.

(3:15 pm IST)