Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

શ્રી ગોવર્ધન કોટજીન પ્રા.લી.ના ડાયરેકટરની આગોતરા જામીન અરજીને મંજુર કરતી કોર્ટ

કરોડોના બેંક ફ્રોડના સી.બી.આઇ. પોલીસના ગુનામાં

રાજકોટ, તા.૩: બેંક ફ્રોડના આક્ષેપ સાથે સી.બી.આઇ. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરીયાદોમાં રાજકોટના ઉદ્યોગપતિની સૌપ્રથમ સી.બી.આઇ.કોર્ટએ આગોતરા જામીન અરજી મંજુર કરી હતી.

તાજેતરમાં રીઝર્વ બેંકના આદેશ મુજબ જે બેંકમાં લોનધારકો મોટી લોન લઇ, તે ભરપાઇ કરવામાં નિષ્ફળ નિવડેલ હોય તેની સામે સી.બી.આઇ. પોલીસ સ્ટેશન ગાંધીનગરમાં ફોજદારી ફરીયાદો નોંધાયેલ છે. તે પૈકી રાજકોટના રહેવાસી શ્રી ગોવર્ધન કોટજીન પ્રા.લી.ના ડિરેકટરો સામે સી.બી.આઇ. પોલીસ સ્ટેશન ગાંધીનગરમાં ઇ.પી.કો.કલમ-૪૨૦ તથા પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની કલમ-૧૩ અન્વયે બેંક ઓફ બરોડાએ ફરીયાદ નોંધાવેલ છે.

ફરીયાદની વિગતો મુજબ ગોવર્ધન કોટજીન પ્રા.લી.કે જે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા ગામે આવેલ છે. તેને સને-૨૦૦૭માં રૂ.૭,૦૦,૦૦૦/ની તથા રૂ.૩,૦૦,૦૦,૦૦૦/ એમ કુલ બે લોન બેંક દ્વારા આપવામાં આવેલ.

ત્યારબાદ સમયાંતરે ઉતરોતર લોનની મર્યાદા બેંક દ્વારા વધારી આપવામાં આવેલ. જેની સામે આરોપી દ્વારા ૨૨૦૩૮ આ.ચો.મી.ની.ફેકટરીનું પ્રિમાઇસીસ કોલેટરલ સીકયુરીટી સામે આપેલ. બેંક દ્વારા અત્યાર સુધીમાં રૂ.૪૯.૫૦ કરોડની લોન આપવામાં આવેલ છે. જેની સામે તા.૨૧/૮/૨૦૨૦ની પરીસ્થિતીએ રૂ.૪૮.૪૪ કરોડ બાકી લેણા નીકળે છે. બેંક દ્વારા કરવામાં આવેલ તપાસની વિગતો જે તે રકમનો ગેર ઉપયોગ થયેલ છે. અને બેંકને તે રકમ પરત ન આપી, આરોપીઓએ ગુનો કરે હોય તેની સામે સી.બી.આઇ. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવેલ.

તપાસનીસ અધિકારીઓને ઉપરોકત હરકત અનુસંધાને સુરેશભાઇ લોટીયાને અટકાયતની દહેશત થતાં તેઓએ સી.બી.આઇ. કોર્ટ ગાંધીનગરમાં આગોતરા જામીનની અરજી આપેલ. જેમાં સી.બી.આઇ. કોર્ટના સરકારી વકીલ સાહેબએ સખત વાંધો લીધેલ. પરંતુ બંને પક્ષકારોને સાંભળી નામદાર કોર્ટએ શ્રી ગોવર્ધન કોટજીન પ્રા.લી.ના ડિરેકટર સુરેશભાઇ ગીરધરભાઇ લોટીયાના આગોતરા જામીનની અરજી મંજુર કરેલ છે.

ઉપરોકત જામીન અરજીમાં સુરેશભાઇ લોટીયા વતી સી.બી.આઇ.કોર્ટમાં એડવોકેટ વિકાસ કે.શેઠ, બ્રિજ શેઠ, અલ્પા શેઠ, રાજદિપ દાસાણી તથા રાજ રતનપરા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(3:16 pm IST)