Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

મ.ન.પા.એ પાર્કિંગ માટે ૬૭૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરી છતા સમસ્યા યથાવત

યુનિવર્સિટી રોડ, પેડક રોડ, રેસકોર્ષ રીંગ રોડ, ઢેબર રોડ, ૧૫૦ રીંગ રોડ, કુવાડવા રોડ, નાનામૌવા રોડ, સાધુ વાસવાણી રોડ સહિતના રાજમાર્ગો પર ૭૫૦ સ્થળોેેએ વાહન પાર્કિંગ માટે દબાણો દૂર કર્યા છતા આ રસ્તાઓ પર આડેધડ વાહન પાર્કિંગની રાક્ષસી સમસ્યા

રાજકોટ, તા. ૩ :. શહેરની ટ્રાફિક સમસ્યાઓ હળવી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦૧૫માં માર્જિન અને પાર્કિંગમાં થયેલા ૭૦૫ મિલ્કતોના ઓટલાઓ અને છાપરાઓના દબાણો દૂર કરી ૬૭૪૫ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ જગ્યા ખુલ્લી કરવા છતા પરિસ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગો, બજારો સહિતના વિસ્તારોમાં દુકાનદારો દ્વારા પાર્કિંગ અને માર્જિનમાં થયેલા ઓટલા અને છાપરાના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એપ્રિલ ૨૦૧૫થી જૂન ૨૦૧૫ સુધીમાં યુનિવર્સિટી રોડ, દોઢસો ફુટ રીંગ રોડ, કોઠારીયા ગામ, રેસકોર્ષ રીંગરોડ, સંત કબીર રોડ, યાજ્ઞિક રોડ, પેડક રોડ, કાલાવડ રોડ, સરદારનગર મેઈન રોડ, ભાવનગર રોડ, રૈયા રોડ, જવાહર રોડ, મવડી રોડ, ઢેબરભાઈ રોડ, નાનામવા મેઈન રોડ, દૂધસાગર રોડ તથા સાધુ વાસવાણી સહિતના વિસ્તારોમાંથી ૭૦૫ મિલ્કતોના છાપરા અને ઓટલાનું ડીમોલીશન કરી ૬૭૪૫ ચો.મી. જગ્યા ખુલી કરવામાં આવી હતી, પરંતુ આજની પરિસ્થિતિએ ટ્રાફીક અને પાર્કિંગની સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે.(૨.૧૯)

રેલનગર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદે દબાણોઃ રજૂઆત

રાજકોટઃ. શહેરના વોર્ડ નં. ૩માં આવેલા રેલનગર કો-ઓપરેટીવ સોસાયટી નં. ૨ના સાર્વજનિક પ્લોટમાં થયેલા ગેરકાયદેસર દબાણ હટાવવા વિસ્તારવાસીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે વિસ્તારવાસીઓએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે, આ સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં છેલ્લા કેટલાક સમયથી અહીં ગેરકાયદે છાપરૂ બનાવી ઘોડાઓ બાંધવામાં આવે છે જેથી ત્યાં અસહ્ય ગંદકીઓના ગંજના ખડકલાઓ થઈ રહ્યા છે. આ સમસ્યાથી વિસ્તારવાસીઓમાં રોગચાળોના ભય ફેલાય રહ્યો છે ત્યારે તાકીદે આ પ્રશ્નનો તાત્કાલીક ઉકેલ લાવવા માંગ કરી છે.

(3:16 pm IST)