Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

કોરાના મહામારીમાં ધીરાણ મેળવનારાઓને રાહત થાય તેવો ડેબ્ટ રીકવરી ટ્રીબ્યુનલનો ચુકાદો

રાજકોટ તા. ૩: કોરોના મહામારીમાં દેવાદારોને રાહત થાય તેવો ડેબ્ટ રીકવરી ટ્રીબ્યુનલે ચુકાદો આપેલ છે. ચુકાદામાં જણાવ્યા અનુસાર બેંકના બાકી લેણા વસુલ કરવા મામલતદારની કબ્જા નોટીસને રદ કરેલ છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા મે. વ્હાઇટ ફિલ્ડ સ્પિન્ટેક્ષ (ઇન્ડીયા) પ્રા. લી. સામે બેંકના લેણા ગીરોકૃત મિલ્કતમાંથી વસુલ મેળવવા માટે ''સ્કીયુરીટાઇઝેશન એકટ'' હેઠળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ જે કાર્યવાહીના ભાગરૂપે ગીરોકૃત મિલ્કતનો કબ્જો લેવાની નોટીસ મામલતદાર દ્વારા કંપનીને પાઠવવામાં આવેલ.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના ઉપરોકત પગલાને દેવાદાર કંપનીએ સુનવણીમાં અરજદાર મે. વ્હાઇટ ફિલ્ડ સ્પિન્ટેક્ષ (ઇન્ડીયા) પ્રા. લી. તરફથી રજુઆત કરવામાં આવેલ કે મામલતદારશ્રીની નોટીસ કાયદા મુજબની નથી, તેમજ નામદાર હાઇકોર્ટે પ્રસ્થાપિત કરેલ કાર્યવાહી પ્રમાણે પણ નથી, જેથી મિલ્કતનો કબ્જો લઇ શકાય નહીં, કેમ કે મિલ્કતના વાસ્તવીક કબ્જેદારોએ પોતાના મિલ્કત પરત્વેના હકકો અને કાયદેસરની કાર્યવાહી કરવાની હોય કે મનાઇ હુકમ મેળવવાની કાર્યવાહી કરવાની હોય, કે કાયદા મુજબના અન્ય મુદા કોર્ટ/ટ્રીબ્યુનલ લક્ષમાં લાવવાના હોય, તો તેવા સંજોગોમાં બેંક/મામલતદાર વ્યાજબી સમય ન આપે તો કાયદાકીય પ્રસ્થાપિત સિદ્ધાંતોનો ભંગ થાય છે.

કબ્જેદાર/કરજદારના મિલ્કત પરત્વેના હકકોથી બેંક/મામલતદાર ગેરકાયદેસર રીતે વંચીત રાખી શકે નહીં. અરજદારની આ દલીલો ડેબ્ટ રીકવરી ટ્રીબ્યુનલ-અમદાવાદ કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલ અને મામલતદારશ્રીની કબ્જા નોટીસ અંગેના હુકમને રદ કરવામાં આવેલ હતી. આ કામમાં અરજદાર વતી વિદ્વાન એડવોકેટ શ્રી આનંદ બી. ગોગીયા તથા મુસ્કાન એ. ગોગીયા રોકાયેલ હતા.

(3:22 pm IST)