Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

રાજકોટ ભાજપના ઉમેદવારોનું લીસ્ટ કાલે રાત સુધીમાં : કાર્યકરોમાં ઉત્તેજના

મેયરનું રોટેશન જાહેર નહી થવાથી ઉમેદવાર પસંદગીમાં ભારે અસમંજસ : કેટલાક જુના જોગી - સંગઠનના હોદ્દેદારો અને નવા યુવા કાર્યકરોને મેદાનમાં ઉતારાશે : હોદ્દેદારોના રાજીનામા લઇ ટિકીટ ફાળવાશે

રાજકોટ તા. ૩ : શહેર ભાજપનું મ.ન.પા.ની ચુંટણીના ઉમેદવારોનું લીસ્ટ હજુ સુધી ફાઇનલ નહી થયું હોવાનું ભાજપ વર્તુળોમાં ચર્ચાય છે. કેમકે મેયરનું રોટેશન હજુ સુધી જાહેર નહીં થતાં મેયરના દાવેદાર ઉમેદવાર ફાઇનલ કરવામાં હજુ ભારે અસમંજસ છે.

જોકે રાજકોટ ભાજપે ૨૮૮ દાવેદારોનું લીસ્ટ પાર્લામેન્ટરી બોર્ડને આપી દીધું છે. જેમાં જુના જોગી, સંગઠનના હોદ્દેદારો વગેરેનો સમાવેશ થાય છે તેથી આવા કેટલાક દાવેદારોના નામો ફાઇનલ થયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આવતીકાલે રાત સુધીમાં રાજકોટ ભાજપના ૧૮ વોર્ડના ઉમેદવારોનું લીસ્ટ જાહેર થવાની પૂરેપૂરી શકયતા છે.

ભાજપના ઉચ્ચકક્ષાના સૂત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ પાર્ટીની નવી ગાઇડલાઇન મુજબ અનેક ધુરંધરો કે જે ટીકીટના પ્રબળ દાવેદાર હતા તેના નામો ઉપર ચોકડી લાગી ગઇ છે ત્યારે હવે નવા ૭૨ કોર્પોરેટરોમાં સંગઠનના યુવા હોદ્દેદારોને તક આપવા તેઓનું હોદ્દેદાર તરીકે રાજીનામુ લેવડાવીને ચૂંટણી લડાવાશે.

આવા હોદ્દેદારોમાં પ્રદિપ ડવ, દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, ડો. દર્શિતાબેન શાહ અને નેહલ શુકલના નામો જોરશોરથી ચર્ચાઇ રહ્યા છે.

આ ઉપરાંત જુના કોર્પોરેટરોમાં નીતિન રામાણી, અશ્વિન પાંભર, વલ્લભ દુધાત્રા, કિરણબેન સોરઠીયા, જયમીન ઠાકર, મનીષ રાડિયા અને પુષ્કર પટેલના નામો ફાઇનલ કરવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ છે.

મેયરના દાવેદાર

જ્યારે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને મેયરનું અનામત રોટેશન આવે તો તેઓને મેયર પદના દાવેદાર તરીકે ચુંટણી લડાવવામાં આવે તેવી વિચારણા પણ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે.

નવા યુવા ચહેરાઓને તકની શકયતા

જ્યારે હિરેનભાઇ ખિમાણીયા (લાભભાઇ આહિરના પુત્ર), પરેશ ઠાકર, અનીષ જોશી, ધર્મેન્દ્રસિંહ ઝાલા અનેક નવા યુવા ચહેરાને પણ ટિકીટ મળે તેવી શકયતાઓ છે.

જોકે આખરી લીસ્ટ આવતીકાલે રાત્રે જાહેર થવાનું છે ત્યારે ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્તેજના સર્જાઇ છે.

(4:02 pm IST)