Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

જંકશન રેલ્વે સ્ટેશન રોડ પર જબરા દબાણોઃ ટ્રાફીક જામઃ અકસ્માતો

સાંકડા રોડમાં દરરોજ શાકભાજીની લારી-ફેરીયાના દબાણોથી રાહતદારીઓ-વેપારીઓ ત્રાહીમામઃ મ્યુ. કમિશ્નરને આવેદન

રાજકોટ, તા., ૩: શહેરનાં જંકશન રેલ્વે સ્ટેશન રોડ પર છેલ્લા ઘણા સમયથી રેકડી પાથરણાનાં દબાણોથી ભારે ટ્રાફીક જામ થતા અવાર નવાર નાના મોટા અકસ્માતો થતા હોઇ આ દબાણો દુર કરવા વેપારીઓએ મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

આ રજુઆતમાં જણાવાયું છે કે રાજકોટ રેલ્વે સ્ટેશન રોડ પર કોઠી કમ્પાઉન્ડ ગેટથી આરોગ્ય કેન્દ્ર (ડાક બંગલા) સુધી ફુટપાથથી જગ્યા છોડી બકાલાવાળા રોડ પર પાથરણા તથા રેકડી રાખી ધંધો કરે છે. રોડની સામેની બાજુ પોતાની ખાલી રીક્ષા છકડો રાખીને બન્ને તરફ રોડ પર ટ્રાફીક જામ કરે છે.

આરોગ્ય કેન્દ્રથી દરગાહ રોડ સુધી આરએમસીની દુકાનો છે જે દુકાનદારોને પોતાના વાહન પાર્ક કરવા જગ્યા આપતા નથી ત્થા તેમના ગ્રાહકોને વાહન પાર્ક કરવા તકલીફ પડે છે. મહામારી હોવા છતા એક પણ ફેરીયાઓ માસ્ક પહેરતા નથી તથા યોગ્ય અંતર  જાળવતા નથી જેથી લોકોના આરોગ્ય પર મોટો ખતરો પેદા થાય છે.

વારંવાર સમજાવવા છતા આ બકાલાવાળા માનતા નથી તા. ૧૩/૧ર ના રોજ ટ્રાફિક જામને કારણે આર. એેમ.એસ. ગેટ પાસે ટ્રક અકસ્માત થતા એક વ્યકિતનું મોત થયેલ તેમજ રોજ-બરોજ નાના અકસ્માતો થતા રહે છે. તેઓ પોતાના સર્કલ શાકભાજી ત્યા કચરો રાત્રે રોડ પર મુકી જતા રહે છે જેને કારણે ઢોરનો પણ ઉપદ્રવ રહે છે. રા.મ્યુ.કો. જગ્યા રોકાણના માણસો આવે ત્યારે થોડીવાર માટે બકાલાવારા શેરીઓમાં જતા રહે છે. ફરી પાછા રોડ પર આવી ટ્રાફિક જામ કરે છે.

તો આપ સાહેબને નમ્ર વિનંતી કે રોજ બરોજની આ ઘાતક સમસ્યાઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવી આપવા માંગ છે.

(4:04 pm IST)