Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

નાટય અભિનયનો કુશળ 'ખેલંદો' સ્વ. અરવિંદની એક નાટ્યાંજલિ

અમારી પેઢીના એટલે કે વર્તમાનમાં ૭પ-૮૦ એ પહોચેલાં હૈયાત નાટ્ય પ્રેમી અને કર્મીએ અરવિંદ જોષીના અભિનયને પૂર્ણ કળાએ જોયાના લ્હાવાની યાદ અતિતમાંથી જાણે ફરી પાછી તાજી થઇ આવી સામે ઉભી રહી ગઇ : ખેલંદો, મૌસમ છલકે, બાણશય્યા, ધુમ્મસ, લેડી લાલ કુંવર, ખેલંદો, કુંવર વ્હેલેરારે પધારજો, અને હસતા રમતા સાવ અચાનક જ જેવાં ઘણાં બળુકા નાટકો અરવિંદ જોષીના ઉત્કૃષ્ટ નાટ્ય અભિનયના બહેતરીન નમુનાઓ સમ હતાં

મુંબઈમાં બે સગા ભાઈઓ એ વખતે ગુજરાતી રંગભૂમિના રાજા હતા. કોણ હતા એ ભાઈઓ ? એ પ્રવીણ અને અરવિંદ જોષી હતા. પ્રવીણ ૧૯૭૯મા અને અરવિંદભાઈ હાલમાં જ તા. ૨૮-૧-૨૧ના દિને 'હતા' થયા, ત્યારે તેના નાટકોથી ભરપૂર ભૂતકાળ આજે તાદ્રશ્ય થાય છે કેમ કે રાજકોટના લેડીઝ કલબ થિયેટરમાં આઈએનટી મુંબઈના નાટકોનો સાત-સાત દિવસનો નાટય મહોત્સવ યોજાતો, તે વખતે અમારી પેઢીના ઘણા નાટ્ય પ્રેમીઓએ પ્રવીણ, સરિતા તથા અરવિંદ જોષીના અભિનયના પૂર્ણ કળાએ જોયાના લ્હાવાની યાદ, અતિતમાંથી જાણે ફરી પાછી આવી સામે ઉભી રહી ગઈ. ધુમ્મસ લેડીલાલ કુંવર, મહામીસ્ટ્રી ખેલંદો, મૌસમ છલકે, કુંવર વેલા પધારજો, માણસ નામે કારાગાર વિ. જેવા ઘણા બધા નાટકો અરવિંદભાઈના ઉત્કૃષ્ટ અભિનયના બહેતરીન નમૂના સમા હતા. આ બધા માહેના ઘણાખરા નાટકોમાં દિગ્દર્શન તથા અભિનયમાં તેના ભાઈ-ભાભી પ્રવીણ અને સરિતા જોષી સાથે અરવિંદ જોષીના અભિનયની કેમીસ્ટ્રી તથા તેની ફલેર અને લ્હેરની જાદુઈ અસર અનુભવાતી. સસ્પેન્સ થ્રીલર ધુમ્મસે તો ચોપરાબંધુઓને એવા પ્રભાવિત કર્યા કે તેના પરથી તેઓએ રાજેશ ખન્નાને લઈ ઈત્તેફાક જેવી સફળ ફિલ્મ પણ બનાવી. જેમાં અરવિંદભાઈનું ખાસ માર્ગદર્શન લેવામાં આવ્યુ હતું. એઈડ્ઝ વિશેનુ નાટક હસતા-રમતા સાવ અચાનક જેમા સરમણ અને અરવિંદભાઈ, પિતા-પુત્રની ભૂમિકાના અવિસ્મરણીય અભિનયને આ લખનાર તથા પ્રેક્ષકોની આંખોએ આંસુ ઉભરાવ્યા એની સુગંધનો દરિયો નાટક લેખન દિગ્દર્શન અને અભિનયે પોતાનું જ સર્જન, અંતરંગ અને લોહીના સંબંધોમાં ભાવાત્મકતાની સુગંધ અનુભવાવી જોઈએ એ મુદ્દો દિલો-દિમાગને તર કરી દે તે રીતે રજુ કર્યો. કાચનો ચંદ્ર તેના દિગ્દર્શન-અભિનયનો એક ઓફબીટ પ્રયોગ.

પોતાની યુવાવયે અરવિંદભાઈએ રાજ્ય તથા આંતર કોલેજ સ્પર્ધામાં ઈનામો મેળવ્યા બાદ કાંતિ મડિયા, બરજોર-રૂબી પટેલ તથા ચંદ્રવદન ભટ્ટ જેવા વિદ્વત દિગ્દર્શકો, અભિનેતાઓ તથા અભિનય, રંગમંચ, પોતાની પ્રસ્થાન અને ખાસ તો એનઆઈટી જેવી માતબર વ્યવસાયિક સંરચનાઓના નાટકોમાં વિશેષ પ્રવૃત રહ્યા. આઈએનટીના નાટકોના ડીરેકટર મોટાભાઈ પ્રવીણભાઈને તેઓ ભાઈ કરતા ગુરૂ વિશેષ માનતા.

તે કહેતા કે પ્રવિણ ટાસ્ક માસ્ટર હતો. નાટકની એસ્થેટીક સેન્સ એ મોર્ડન થિયેટર કોને કહેવાય તેનો સાક્ષાત્કાર તેમણે કલાકારો અને પ્રેક્ષકોને પણ કરાવેલ.

તેઓને હિન્દી ફિલ્મો કે સિરીયલો કરતાં ગુજરાતી ફિલ્મો વધુ અભિનીત કરી અલબત શોલે અને બીજી ૪-૬ હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા. ગુજરાતીમાં તેઓની  વિશેષ માસ્ટરી રહી. જબરો નાટકીય અંદાજ !! તમે રે ચંપો ને અમે રે કેળ, કંકુ, વણઝારી વાવ, ઢોલા મારૂ, એે એમના કક્ષામુકત અભિનયની ફિલ્મો, એક સો જેટલી ગુજરાતી ફિલ્મો કરી હોવા છતાં તે માનતા કે તેમાં સારી વાત કે નાવિન્યનો અભાવ હોવાથી તેને તેમાં સંતોષ ન્હોતો મળતો, રાષ્ટ્રીય કક્ષાનું સ્તર જ ન બનતંુ. જો કે કાશીનો દિકરો, ભવની ભવાઇ, જન્મટીપ અને કંકુ જેવી ફિલ્મો કયારેક ઝળકારા કરી જતી. બાકી તો એ જ ગાડાં ને એ જ ગરબા બસ?!

નાટય લેખન બાબતે તે પ્રવીણ સોલંકીનું નામ આદર સાથે લેતાં. અન્ય લેખકો પણ સારા હોવા છતાં તેઓને ફિલ્મો અને સીરીયલો લખવામાં વધુ રસ હોય છે. તેથી જ મૌલિક નાટકોની ખેંચ હોવાથી તેઓ કહેતા કે તો પછી રંગભૂમિ જીવંત રાખવા મરાઠી, બંગાળી કે વિદેશી રૂપાંતરીક નાટક, ભજવતા તેમાં કંઇ જ ખોટંુ નથી.

ગુજરાતની નાટય ભૂમિ શુષ્ક છે. ખાસ કંઇ થતુ નથી. વધુ પડતાં એકસપેરીમેન્ટ મુવમેન્ટ એ સ્યુડો છે, નાટક માસ માટે છે. રપ-પ૦ ખાસ માટે નહિ. અમારા મુંબઇના નાટકો જોવા ગુજરાતના લોકો લાઇન લગાવે છે. આ અભિપ્રાય હતો તેઓના તે વખતના ગુજરાત નાટય રંગકર્મીઓ માટે.

અને આ અંજલિના અંત તરફ જતાં એક ખાસ પ્રસંગ નિરૂપણ આઇએનટીના મૌસમ છલકે નાટકમાં પ્રવિણ તથા સરિતા, બે જ પાત્રો હતાં પ્રવિણભાઇના અવસાન બાદ તેના સ્થાને અરવિંદભાઇ આવ્યા. દિલીપકુમાર પ્રવિણ તથા અરવિંદભાઇના પ્રિય કલાકાર અને તેમના નાટક અભિનયમાં પણ દિલીપકુમારના અભિનયનો પ્રભાવ ઉજાગર થતો. હવે પ્રવિણભાઇના અવસાન પછીના મૌસમ છલકેના અરવિંદભાઇ સાથેના પ્રથમ પ્રયોગ વખતે અતિથી વિશેષ મહેમાન તરીકે દિલીપકુમારને આમંત્ર્યા હતાં. નાટકમાં અરવિંદ - સરિતાનો અભિનય જોઇએ 'અભિનય સમ્રાટ' બંનેને હર્ષભેર વધાવી લઇ તે બન્નેના જીવનની તે ક્ષણને ચિરંજીવ બનાવી દીધી હતી તેવું સરિતા જોષીએ તાજેતરની એક મુલાકાતમાં જણાવી તેઓએ પણ અરવિંદભાઇના અભિનય, ખાસ કરીને તેના આંગિક અભિનયની છટાને યાદ કરી ઉર ઉલેચી અંજલિ અર્પણ કરી હતી...

એક નાટય ટહુકો :- અટપટા મનો વ્યાપાર પર આધારિત નાટક ન ચાલે તે ન જ ચાલે. અરવિંદ જોષી (એબ્સર્ડ નાટક પરનો એક કટાક્ષ)

: આલેખન :

કૌશિક સિંધવ

મો. ૭૩૫૯૩ ૨૬૦૫૧

(4:06 pm IST)