Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

સીએનજી ગેસના બાટલા ભરેલા ટ્રકે કારને ઠોકરે લીધીઃ રાજકોટ-જામનગરના ૮ને ઇજાઃ એકને ગળામાં ફ્રેકચર

રાજકોટના જામનગર રોડ પર જલારામ હોટેલ પાસે રાત્રે અકસ્‍માત : જામનગરનો ઇમરાન રાજકોટ અર્ટીગા લઇને આવતો હોઇ ધ્રોલ-જામનગરથી ૭ મુસાફર બેસાડયા હતાં: રાજકોટના રઝાકભાઇને ગળામાં ગંભીર ઇજાઃ ગાંધીગ્રામ પોલીસે આઇસરના ચાલક સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૩: જામનગર રોડ પર પરા પીપળીયા નજીક સન્‍ની પાજી દા ધાબા નજીક રાત્રીના અર્ટીગા કારને સીએનજી ગેસના બાટલા ભરેલા આઇસરના ચાલકે ઠોકરે ચડાવતાં કારના ચાલક જામનગરના યુવાન અને મુસાફર તરીકે બેઠેલા રાજકોટ, જામનગર સાત મળી આઠને ઇજાઓ થઇ હતી. જેમાં એક મુસાફરને ગળાનાં ફ્રેકચર થઇ ગયું હતું. ઘાયલો પૈકીના પાંચને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ રાત્રીના દસેક વાગ્‍યે જામનગર રોડ જલારામ હોટેલ અને સન્‍ની પાજી દા ધાબા નજીક અર્ટીગા કાર જીજે૨૭બીએસ-૪૯૭૨ને આઇસર નં. જીજે૦૨ઝેડ-૭૦૦૮ના ચાલકે ઠોકરે ચડાવતાં કારમાં ભારે નુકસાન થયું હતું. તેમજ ચાલક સહિત આઠને ઇજા પહોંચી હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને ૧૦૮ બોલાવતાં ઘાયલોને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

ઘાયલ પૈકીના કારચાલક ઇમરાન મહમદભાઇ સમા (ઉ.૨૬-રહે. જામનગર, ખજા ગેઇટ ખોજાના નાકો ટીટોડીવાડી) તથા મુસાફર તરીકે ધ્રોલથી કારમાં બેઠેલા રાજકોટ ભાવનગર રોડ પટેલવાડી નજીક રહેતાં અને કાપડનો ધંધો કરતાં કાસમ સલીમભાઇ કાતીયાર (ઉ.૨૫), તેના પિતા સલિમભાઇ દાઉદભાઇ કાતીયાર (ઉ.૫૦) તેમજ તેના મોટાબાપુ રઝાકભાઇ દાઉદભાઇ કાતીયાર (ઉ.૫૦)ને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં દાખલ કરાયા હતાં. બાકીના ત્રણને સામાન્‍ય ઇજા હોઇ પ્રાથમિક સારવાર લીધી હતી.

હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે  જાણ કરતાં ગાંધીગ્રામના હેડકોન્‍સ. સંજયભાઇએ હોસ્‍પિટલે પહોંચી કારચાલક ઇમરાન સમાની ફરિયાદ પરથી આઇસરના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. ઇમરાનના કહેવા મુજબ પોતે મિત્રની અર્ટીગા કારમાં રાજકોટ આવતો હોઇ જામનગર, ધ્રોલથી કુલ સાત લોકોને રાજકોટ આવવા બેસાડયા હતાં. કાર પરાપીપળીયા નજીક પહોંચી ત્‍યારે ગુજરાત ગેસ એજન્‍સીના સીએનજી ગેસના બાટલા ભરેલા આસઇર ટ્રકના ચાલકે હાઇવે વચ્‍ચેના કટઆઉટમાંથી ટ્રક બહાર કાઢી કાર સાથે અથડાવતાં નુકસાન થયું હતું અને પોતાને તથા મુસાફરોને ઇજા પહોંચી હતી. જેમાં રઝાકભાઇને ગળાના ભાગે ફ્રેકચર થઇ ગયું હતુ. એ સિવાયનાને મુંઢ ઇજાઓ થઇ હતી.

 

(12:09 pm IST)