Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ગેસના બાટલામાં ભાવ વધારો થતા કલેકટર કચેરીએ મહિલા કોંગ્રેસના આગેવાનોએ છાતી કૂટી છાજીયા લીધા...

હાય રે ભાજપ હાય...હાય...ના નારા સાથે કલેકટરને આવેદન : ગેસનો બાટલો માથે લઇ ફરનાર સ્‍મૃતિ ઇરાની કયાં ગયા... કેન્‍દ્ર-ગુજરાત બંને સરકાર નિષ્‍ફળ

શહેર મહિલા કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના બાટલાના વિરોધમાં દેખાવો કરી કલેકટર કચેરી ગજવી હતી અને કલેકટરને આવેદન પાઠવ્‍યું હતું. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (પ-ર૦)

રાજકોટ તા. ૩ :.. શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકીની આગેવાની હેઠળ મહિલા કાર્યકરોએ ગેસના બાટલાના ભાવ વધારાના વિરોધમાં કલેકટર કચેરીએ હાય રે ભાજપ હાય...હાય... મોંઘવારી હાય...હાય... ના નારા લગાવી મોંઘવારીનાં છાતી કુટી, છાજીયા લીધા હતા અને કલેકટરને આવેદન પાઠવી રાંધણ ગેસમાં એક વર્ષમાં ચોથી વખત વધારો ગૃહિણીનું બજેટ ખોરવી નાખશે કાળઝાળ મોંઘવારી ડામવામાં  રાજય અને કેન્‍દ્ર સરકાર સદતર ફલોપ, યુપીએ શાસનમાં નજીવા વધારે સાથે રાંધણ ગેસના બાટલા માથે લઇને ફરનારી સ્‍મૃતિ ઇરાની ભૂગર્ભમાં ઉતરી ગયાના આક્ષેપો કરી વિસ્‍તૃત રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે ગેસ સીલીન્‍ડરમાં ફરીથી એક વખત રૂપિયા પ૦ નો વધારો કરવામાં આવેલ છે. અને કોમર્શીયલમાં રૂા. ૩પ૦ જેવો તોતીંગ વધારો કરવામાં આવેલ છે. એક વર્ષમાં ચોથી વખત રાંધણ ગેસના બાટલાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કાળજાળ મોંઘવારીમાં દાઝયા પર ડામ જેવી સ્‍થિતિ થઇ છે. ભાવ વધારાના મુદે અગાઉ યુપીએ શાસનમાં રાંધણ ગેસનો સિલિન્‍ડર માથે લઇને શેરી ગલીઓમાં આંદોલન કરી ફરતી કેન્‍દ્રીય મંત્રી ઇરાની સહિત મહિલા ભાજપની બોલતી બંધ થઇ ગઇ છે. ૬ ઓકટોબર ર૦ર૧ ના ગેસના સિલિન્‍ડરનો ભાવ ૮૯૯ હતો જે આજે ૧૧૦૩ છે. ગુજરાત સરકારે અને કેન્‍દ્ર સરકાર બંને સરકારો મોંઘવારીને ડામવામાં તદન નિષ્‍ફળ ગઇ છે. અને નવા વર્ષના બજેટમાં પણ મોંઘવારીને ડામવામાં  તદન નિષ્‍ફળ ગઇ છે. અને નવા વર્ષના બજેટમાં પણ મોંઘવારીને ડામવામાં કોઇ નકકર પગલા લેવામાં આવ્‍યા નથી. ર૦૧૪ પહેલા અચ્‍છે દિનના સપનાઓ બતાવ્‍યા હતાં જે ફકત દિવાસ્‍વપ્ન સાબિત થયા છે.

સીંગતેલ કપાસીયા તેલ, અનાજ, કઠોળ તેમજ જીવન જરૂરીયાતની ચીજ વસ્‍તુઓના સતત વધતા રહેલા ભાવો ને પગલે ઘરેલુ હિંસા અને આપઘાતનું પ્રમાણ વધવા પામેલ છે. જે રાજય અને કેન્‍દ્ર સરકારના રેકોર્ડ પર પણ મૌજૂદ છે. એક સમયે અચ્‍છે દિનના સપનાઓ બતાવ્‍યા હતા પરંતુ લોકોના અચ્‍છે દિનના સપનાઓ ચકનાચૂર થાય છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને લોકોએ ૧પ૬ ની તોતીંગ બહુમતી સાથે સત્તા સ્‍થાને બેસડેલ છે ત્‍યારે લોકોનો વિશ્વાસ મેળવવામાં નિષ્‍ફળ ગઇ છે. તેમ રજૂઆતો કરી હતી, આવેદન દેવામાં મધુબેન સદારીયા, ચંદ્રીકાબેન વરાણીયા, જયાબેન ટાંક, વિભુતિબેન ત્રિવેદી, જોશનાબેન ભટ્ટી, મીનાબેન ચૌહાણ, જશુબેન વાંક, મુમતાજબેન, મેરૂબેન કુરેશી, રંજનબેન કાંજીયા, સરલાબેન પાટડીયા વિગેરે જોડાયા હતાં

(4:40 pm IST)