Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ શાળા અને શ્રેષ્ઠ શિક્ષક - શિક્ષિકા એવોર્ડ એનાયત

શ્રેષ્ઠ શાળા તરીકે હરીપર પ્રાથમિક શાળા અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સતીષભાઇ તેરૈયા તેમજ શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે જાગૃતિબેન ગોહીલનું બહુમાન

રાજકોટ તા. ૩ : સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સંચાલિત સિસ્ટર નિવેદિતા સ્કુલ ઓફ વ્હીલ્સ કાર્યક્રમ અંતર્ગત તેમના દ્વારા દતક લેવાયેલ ૯૧ શાળાઓમાંથી શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર એક શાળા, એક શિક્ષિકા અને એક શિક્ષકને દાનવીર શ્રેષ્ઠી જે. વી. શેઠિયા પરિવાર તથા અશોક ગોંધિયાની સ્મૃતિમાં યંગ મેન્સ ગાંધીઅન એસોસીએશન રાજકોટ પ્રેરીત એવોર્ડ આપવામાં આવે છે.

વર્ષ ૨૦૧૯-૨૦ નો એવોર્ડ વિતરણ સમારંભ જાણીત શ્રેષ્ઠી અને સમાજ સેવક હિમાંશુભાઇ શેઠીયાની અધ્યક્ષતામાં તેમજ જાણીતા પત્રકાર લેખક, સૌરાષ્ટ્ર કચ્છ ચિત્રલેખા બ્યુરો ચીફ ઓફીસર જવલંતભાઇ છાયાના અતિથિવિશેષપદે કોવિડ-૧૯ ની સ્થિતિ ધ્યાને લઇ સાદગીભેર યોજવામાં આવ્યો હતો.

જેમાં શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાથમિક શાળા હરિપરને તેમજ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સતીષભાઇ તેરૈયા અને શ્રેષ્ઠ શિક્ષિકા એવોર્ડ જાગૃતિબેન ગોહીલને એનાયત કરવામાં આવેલ.

અધ્યક્ષ અને અતિથિના ઉદ્દબોધન બાદ સિસ્ટર નિવેદીતા નિરંતર શિક્ષણ કેન્દ્રના નિયામક દીપકભાઇ જોશીએ પ્રાસંગીક પ્રવચન કરી સંસ્થાની પ્રવૃત્તિઓ વર્ણવી હતી.

આ સમારંભમાં શ્રેષ્ઠ હરીપર શાળાના આચાર્યશ્રી તૃપ્તિબેન ડાભી, શ્રેષ્ઠ શિક્ષિકાનો એવોર્ડ મેળવનાર ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ભીમોરાના આચાર્ય જાગૃીતબેન તેમજ શ્રષ્ેઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર ડી. કે. મહેતા તાલુકા કુમાર શાળા કોટડા સાંગાણીના શિક્ષક સતીષભાઇ તેરૈયાને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સુતમાલા, ટ્રોફી, પ્રશસ્તિપત્ર, પુસ્તક સંપુટ અર્પણ કરવામાં આવેલ. શ્રેષ્ઠ શાળાને રૂ. ૩૧૦૦૦ નો ચેક તેમજ શ્રેષ્ઠ શિક્ષકોને રૂ.૨૧૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

(11:41 am IST)