Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

પ્લોટમાં ઘૂસણખોરી કરનારા રાજૂ ઉર્ફ કૂકી શિયાળીયાએ માણસો મોકલી કારખાનેદારના હાથ-પગ ભંગાવી નાંખ્યા

વાવડીના પ્લોટમાં કબ્જો જમાવી દૂકાન ચણી લીધી'તીઃ પોલીસમાં અરજી બાદ આ જગ્યા ખાલી કરવી પડી તે ન ગમ્યું : પંચાયત ચોકમાં રહેતાં સમીરભાઇ અઘેરા અને તેમના પિતાની કારને આનંદ બંગલા ચોકમાં રિક્ષાથી આંતરી કાળુ અને અજાણ્યા ધોકા-પાઇપથી તૂટી પડ્યાઃ માલવીયાનગર પોલીસે કાળુ રિક્ષાવાળો, રાજૂ ઉર્ફ કૂકી અને અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૪: પંચાયત ચોકમાં રહેતાં કડવા પટેલ કારખાનેદારના વાવડીમાં આવેલા પ્લોટમાં ભરવાડ બંધૂએ ઘુસણખોરી કરી કબ્જો જમાવી દૂકાન બનાવી લીધી હોઇ આ બાબતે તાલુકા પોલીસમાં અરજી થયા બાદ આ બંનેને પ્લોટ ખાલી કરવો પડ્યો હોઇ તેનો ખાર રાખી કાવત્રુ ઘડી એક રિક્ષાચાલક અને બીજા અજાણ્યા શખ્સોને ભરવાડ શખ્સે કારખાનેદાર પર હુમલો કરવા મોકલતાં તેણે આનંદ બંગલા ચોકમાં કારખાનેદાર અને તેના પિતાની કારને આંતરી ધોકા-પાઇપથી હુમલો કરતાં કારખાનેદારના હાથ-પગ ભાંગી ગયા હતાં અને તેમના પિતાને ધક્કો દઇ પછાડી દેવાતાં મુંઢ ઇજા થઇ હતી.

આ બનાવ અંગે માલવીયાનગર  પોલીસે પંચાયત ચોક પદ્દમનામ ટાવર બી-૪માં રહેતાં અને ગોંડલ રોડ પર સંતોષી મશીન ટૂલ્સ નામે ડ્રીલ મશીનનું કારખાનુ ધરાવતાં સમીરભાઇ વલ્લભભાઇ અઘેરા (કડવા પટેલ) (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી રાજુ ઉર્ફ કૂકી છેલાભાઇ શિયાળીયા અને કાળુ રિક્ષાવાળો તથા ચાર અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૫, ૩૨૩, ૧૨૦ (બી), ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

સમીરભાઇએ પોલીસને જણાવ્યું છે કે  હું શુક્રવારે સવારે ઘરેથી સાન્ટ્રો કાર જીજે૦૩કેપી-૪૦૮૦ લઇને મારા પિતાજી વલ્લભભાઇ સાથે મારા કારખાને જવા નીકળ્યો ત્યારે આનંદ બંગલા ચોકથી આગળ જયંત કે. જી. રોડ પર પહોંચતા એક સીએનજી રિક્ષા અમારી ગાડીની આડે આવી ગઇ હતી અને તેમાંથી કાળુભાઇ રિક્ષાવાળો ઉતર્યો હતો અને તેની સાથે બીજો એક શખ્સ પણ હતો. આ બંનેએ મને નીચે ઉતાર્યો હતો અને ધોકા-પાઇપથી માર મારવા માંડ્યા હતાં. કાળુભાઇને મેં મારવાની ના પાડતાં તેણે કહેલ કે કૂકીભાઇનો પ્લોટ ખાલી કરાવ્યો છે હવે તારી સારાવટ નહિ રહેવા દઇએ.

મારા પિતાજી મને બચાવવા વચ્ચે આવતાં કાળુભાઇએ તેને પણ ધક્કો મારતાંતેઓ નીચે પડી ગયા હતાં. ત્યાં બીજા ત્રણ શખ્સો આવી ગયા હતાં અને તેણે પણ મને ધોકા પાઇપથી આડેધડ માર માર્યો હતો. એ પછી લોકો ભેગા થઇ જતાં આ બધા રિક્ષા લઇને ભાગી ગયા હતાં. મને જમણા હાથ અને ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડાયો હતો. ડાબા પગમાં ફ્રેકચર થઇ ગયાનું તબિબી નિદાન થયું હતું. હાથ-પગમાં ઓપરેશન આવશે તેવું પણ ડોકટરે કહ્યું હતું.

બનાવનું કારણ એ છે કે મારે વાવડી સર્વે નં. ૪૧/૧માં ૫૪૭ વારનો પ્લોટ મારી માલિકીનો છે. જેમાં કૂકી ભરવાડ  જેનું સાચુ નામ રાજુ ઉર્ફ કૂકી છેલા શિયાળીયા છે. તેનો ભાઇ રામા છેલા શિયાળીયા છે. આ બંનેએ મળી મારા પ્લોટમાં ગેરકાયદે કબ્જો કરી લીધો છે. આ બાબતે મેં તાલુકા પોલીસમાં અરજી કરી હતી. એ પછી અમારો સમાધાન થઇ જતાં કૂકી અને તેના ભાઇએ મને મારા પ્લોટનો કબ્જો સોંપી દીધો હતો. પણ આ પ્લોટમાંથી સામાન લેવા કાળુ રિક્ષા લઇને કૂકીના કહેવાથી આવેલ અને પ્લોટમાં કૂકીએ દૂકાન બનાવી લીધી હોઇ તેની ચાવી પણ કાળુ રિક્ષાવાળો કૂકીના કહેવાથી દેવા આવ્યો હતો. આમ મારો પ્લોટ ખાલી કરવો પડ્યો હોઇ તેનો ખાર રાખી કૂકીએ કાળુ અને બીજા શખ્સોને મોકલી કાવત્રુ ઘડી મારા પર હુમલો કરાવતાં મારા હાથ-પગ ભાંગી ગયા છે.

માલવીયાનગરના હેડકોન્સ. એ. જે. કાનગડે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

(12:35 pm IST)