Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ભગવતીપરાના જાકીર કઇડા પર તોપખાના પાસે ભીસ્તીવાડના હકુભાના પુત્રનો પાઇપથી હુમલો

કોૈટુંબીક ભાઇની દફનવિધી પતાવી પાન ફાકી ખાવા નીકળેલા જાકીરને અટકાવી લેણા નીકળતાં ૫૦૦૦ માંગી બે શખ્સો સાથે મળી ફટકાર્યો

રાજકોટ તા. ૪: ભગવતીપરાના યુવાનને તોપખાનાના નાલા પાસે ભીસ્તીવાડના હકુભાના દિકરા સહિતનાએ અટકાવી ઉછીના આપેલા પાંચ હજાર રૂપિયાની ઉઘરાણી કરી ગાળો દઇ લોખંડના પાઇપના ઘા ફટકારી માથુ ફોડી નાંખી તેમજ હાથ-શરીરે માર મારતાં હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું હતું.

આ મામલે પ્ર.નગર પોલીસે ભીસ્તીવાડના નામચીન અકબર ઉર્ફ હકુભા ખિયાણીના પુત્ર અબ્દુલભા તથા બે અજાણ્યા શખ્સો સામે ભગવતીપરા જયપ્રકાશનગર-૬, ભારત પાનવાળી શેરીમાં રહેતાં રિક્ષાચાલકં જાકીર હબીબભાઇ કઇડા (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (એ) મુજબ ગુનો નોંધ્યો છે.

જાકીરના કહેવા મુજબ હું પરિવાર સાથે રહુ છુ અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવુ છું. શુક્રવારે મારા કોૈટુંબીક ભાઇ કે જે ભીસ્તીવાડમાં રહે છે તે ગુજરી ગયા હોઇ તેમની દફનવિધી કરી હું ભીસ્તીવાડમાં  તેના ઘરે રોઝુ છોડવા ગયો હતો. સાંજે રોઝુ છોડી મારા મામા નિઝામભાઇ ખિયાણી (ભીતસ્વાડ)ની સાથે બૂલેટમાં બેસી પાન ફાકી ખાવા નીકળતાં તોપખાનાના નાલા પાસે પહોંચતા ભીસ્તીવાડનો અબ્દૂલભા ખિયાણી અને બે અજાણ્યા શખ્સો ત્યાં બેઠા  હતાં. અબ્દૂલે મનેસાદ પાડીને ઉભો રાખ્યો હતો અને કહેલું કે મારા ૫૦૦૦ બાકી છે તે કેમ આપતો નથી? કહી ગાળો બોલવા માંડ્યો હતો. હું કંઇ બોલુ એ પહેલા જ તે લોખંડના પાઇપથી ફટકારવા માંડ્યો હતો. હું ભાગવા જતાં માથા પાછળ એક ઘા મારી દીધો હતો જેના કારણે ફૂટ થઇ હતી. તેમજ જમણા હાથે પણ બીજો ઘા માર્યો હતો.

ફરીથી મારવા જતાં મારા મામાએ પાઇપ પકડી લીધો હતો. બીજા બે શખ્સોએ ગાળો દઇ મુંઢ માર માર્યો હતો. લોકો ભેગા થઇ જતાં ત્રણેય ભાગી ગયા હતાં. જતાં જતાં અબ્દુલભાએ હું તને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી. મને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સાતેક મહિના પહેલા મેં અબ્દુલ પાસેથી ઉછીના રૂ. પાંચ હજાર લીધા હતાં. આ રકમ હાલ મારી પાસે ન હોઇ આપી શકયો નહોતો. તેની ઉઘરાણી કરી ગાળો દઇ મારા પર હુમલો કર્યો હતો. પ્ર.નગરના એએસઆઇ કે. વી. માલવીયા તથા રામજીભાઇ પટેલે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(12:36 pm IST)