Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રાજકોટ કોર્ટમાં કોરોનાને અટકાવવા વેકસીનેશન કેમ્પ યોજાયોઃ ન્યાયાધીશો-કર્મચારીઓએ વેકસીન લીધી

બપોર સુધીમાં ૧૬૦થી વધુ કર્મચારીઓને વેકસીનના ડોઝ અપાયા

રાજકોટઃ કોર્ટમાં કોરોના વિસ્ફોટના પગલે અનેક કર્મચારીઓ, વકીલો, જજો કોરોનાગ્રસ્ત થતા આજે કોર્ટમાં કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રસ્તુત તસ્વીરોમાં ન્યાયાધીશોમાં એડી. ડીસ્ટ્રીકટ જજ શ્રી કે.ડી. દવે, બી.બી. જાદવ, ડી.એ. વોરા, ડી.કે. દવે, શ્રી હિરપરા, શ્રી જોટાણીયા, પી.એસ. ત્રિવેદી સહિતના જજોએ રસી મુકાવી હતી. પ્રસ્તુત તસ્વીરોમાં ન્યાયાધીશો અને કોર્ટ કર્મચારીઓ રસી મુકાવતા અને રસીકરણ માટે આવેલા દર્શાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૩ :. રાજકોટમાં ફરી કોરોનાએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હોય તેમ મૃત્યુઆંક અને પોઝિટિવ કેસમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે શહેરની મધ્યમમાં આવેલી અદાલતમાં પણ કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો હોય તેમ માત્ર ૭ દિવસમાં ન્યાયાધીશ, કોર્ટ કર્મચારી અને વકિલો મળી કુલ ૩૨ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા કોર્ટ પરિસરમાં અને વકિલ આલમમા ફફડાટ મચી ગયો છે. કોર્ટમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા ન્યાયાલય, બાર એસોસીએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટમાં બે દિવસ માટે વેકિસનેશનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આજે ન્યાયાધીશ અને કોર્ટ કર્મચારી માટે  સિવિલ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં કોરોના વેકિસન માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.  રસીકરણ કેમ્પમાં  ન્યાયાધીશ કે.ડી દવે, ડી.કે.દવે, ડી.વી.જાદવ, ડી.એ. વોરા, એ.વી. હિરપરા, પી.એન.ત્રિવેદી, એ.ડી.આર.ના એચ.વી.જોટાણીયા અને કોર્ટ કર્મચારી સહિત ૧૬૦થી વધુ લોકો કોરોના વિરોધી વેકસીન લઇ કોરોના વેકિસન અભિયાનમા જોડાવા અપીલ કરી છે.

આજે સવારના ૯ વાગ્યાથી રાજકોટની કોર્ટમાં ન્યાયાધીશો અને કોર્ટ કર્મચારીઓ માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયુ હતું.

આ લખાય છે ત્યાં સુધીમાં બપોરના ૧.૩૦ વાગ્યા સુધીમાં કુલ ૧૬૦થી વધુ કર્મચારીઓને રસી અપાઈ હતી.

રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટયો છે ત્યાં શહેરમાં વિવિધ સ્થળોએ આર.એમ.સી. દ્વારા, સંસ્થા દ્વારા, તેમજ દરેક વોર્ડ ઓફિસો દ્વારા, રસીકરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે રાજકોટની કોર્ટમાં પણ વકીલો, કર્મચારીઓમાં વધતા કોરોનાના કેસોને અટકાવવા વેકસીનેશન કેમ્પ યોજાયો હતો.

આગામી તા. ૬ અને મંગળવારના રોજ બાર એસો. દ્વારા વકીલો માટે વેકસીનેશન કેમ્પ યોજાનાર છે.

(3:10 pm IST)