Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રેમડેસિવીરનો ૩૫૦૦ ઇન્‍જેકશનનો જથ્‍થો મેડીકલ સ્‍ટોર્સમાં ફાળવાયો

૯૦૦ વાળા ૨૨૦૦ ઇન્‍જેકશનો બજારમાં ઠલવાયા : કલેકટર દ્વારા ઇન્‍જેકશન માટે આજથી ખાસ કન્‍ટ્રોલ રૂમ શરૂ : સવારથી ફૂડ એન્‍ડ ડ્રગ ખાતા દ્વારા ૧૭ સ્‍ટોલમાં ડીસ્‍ટ્રીબ્‍યુશન : સીનર્જી - વોકહાર્ટને પણ ૫૪૦૦ વાળા ૧૮૯ ઇન્‍જેકશન ફાળવાયા : રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ૫૦ ટકા બેડ રીઝર્વ અંગે કલેકટરનો નિર્ણય : મંગળવાર સુધીમાં વધુ ૪ હોસ્‍પિટલ

રાજકોટ તા. ૩ : રાજકોટમાં કોરોના દર્દી માટે રેમડેસિવીર ઇન્‍જેકશનની અછત સંદર્ભે ભારે દેકારો બોલી ગયો હતો, આ પછી સરકારે સિવિલ હોસ્‍પિટલ માટે અને મેડીકલ સ્‍ટોર્સ માટે અલગ-અલગ જથ્‍થો ફાળવી દેતા તંત્રે હાશકારો લીધો છે.

દરમિયાન એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્‍યું હતું કે, રેમડેસિવીરનો ૩૫૦૦ ઇન્‍જેકશનનો જથ્‍થો સરકારે ફૂડ એન્‍ડ ડ્રગ ખાતાને ફાળવી દિધો છે, અને ફૂડ ઇન્‍સ્‍પેકટરો દ્વારા આજથી આ જથ્‍થો રાજકોટના મેડીકલ સ્‍ટોર્સને ફાળવવાનું શરૂ કરાયું છે, કુલ ૧૭ સ્‍ટોર્સમાં આ જથ્‍થો પહોંચી ગયો છે.

તેમણે જણાવેલ કે, કુલ ૩૫૦૦ ઇન્‍જેકશનમાંથી ૫૪૦૦ વાળા ૧૮૯ ઇન્‍જેકશન સીનર્જી અને વોકહાર્ટ હોસ્‍પિટલને ફાળવી દેવાયા છે, જ્‍યારે ૯૦૦ વાળા ૨૨૦૦ ઇન્‍જેકશન ૧૭ જેટલા મેડીકલ સ્‍ટોર્સને અપાયા છે. જેમાં વિકાસ, શ્રીજી, ભારત સહિતના મેડીકલ સ્‍ટોર્સનો સમાવેશ થાય છે.

એડી. કલેકટરે ઉમેર્યું હતું કે, ૩૫૦૦ ઇન્‍જેકશનો આવ્‍યા છે, અને હજુ વધુ ઇન્‍જેકશનો આવશે તેમજ આજથી લોકોને ઇન્‍જેકશન અંગે માહિતી મળી રહે તે માટે કલેકટર કચેરીમાં ખાસ હેલ્‍પલાઇન ફોન નંબર સાથેનો સ્‍પે. કન્‍ટ્રોલરૂમ શરૂ કરી દેવાયો છે.

ખાનગી હોસ્‍પિટલમાં બેડ અંગે એડી. કલેકટરે ઉમેર્યું હતું કે, ૫૦ ટકા રીઝર્વ સાથે ૪ હોસ્‍પિટલમાં મંગળવાર સુધીમાં કોવિડ-૧૯ હોસ્‍પિટલ શરૂ થઇ જશે, આ માટે કોર્પોરેશન સાથે મળી કાર્યવાહી થઇ રહી છે. આજ સાંજ સુધીમાં એક નવી હોસ્‍પિટલ ઉભી કરાઇ રહી છે.

(3:46 pm IST)