Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

માલવીયાનગર પોલીસની ટીમ પર હુમલોઃ PSI ઝાલા ઘાયલ

ગઇકાલે પટેલ કારખાનેદાર પર હૂમલો કરાવી હાથ પગ ભંગાવી નાંખનારાને તેની ૧૫૦ રીંગ રોડ પર ચામુંડા હોટેલ ખાતે પકડવા જતાં ધમાલ : હેડકોન્‍સ્‍ટેબલ અને કોન્‍સ્‍ટેબલને પણ ઇજાઃ રાજૂ ઉર્ફ કૂકી ભરવાડ અને સાગ્રીતોએ સોડા બોટલોના ઘા કર્યાઃ પોલીસે સામનો કરી કૂકી સહિત પાંચને પકડી લીધાઃ આગવી ઢબે પુછતાછઃ પીએસઆઇને માથામાં ચાર ટાંકા આવતાં સારવાર માટે દાખલ કરવા પડયા

ગઇકાલે કારખાનેદાર પર હુમલો કરાવી હાથ-પગ ભંગાવી નાંખનારા રાજૂ ઉર્ફ કૂકી ભરવાડે આજે બપોરે પોતાને પકડવા આવેલા માલવીયાનગરના પીએસઆઇ અને ટીમ પર હુમલો કરતાં પોલીસે સામનો કરી કૂકી સહિતનાને દબોચી લીધા હતાં. હૂમલામાં પીએસઆઇ વી. કે. ઝાલા સહિત ત્રણને ઇજા થઇ હતી. જમાં પીએસઆઇને માથામાં ચાર ટાંકા લેવા પડયા હતાં. તસ્‍વીરમાં પીએસઆઇ ઝાલા તથા જ્‍યાં હૂમલો થયો એ કૂકીની હોટેલ નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

 

પીએસઆઇ અને ટીમ પર હુમલો થયાની જાણ થતાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ સહિતના અધિકારીઓ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં

 (ફોટોઃ સંદિપ બગથરીયા)

ગઇકાલે કારખાનેદાર પર હુમલો કરાવી હાથ-પગ ભંગાવી નાંખનારા રાજૂ ઉર્ફ કૂકી ભરવાડે આજે બપોરે પોતાને પકડવા આવેલા માલવીયાનગરના પીએસઆઇ અને ટીમ પર હુમલો કરતાં પોલીસે સામનો કરી કૂકી સહિતનાને દબોચી લીધા હતાં. હૂમલામાં પીએસઆઇ વી. કે. ઝાલા સહિત ત્રણને ઇજા થઇ હતી. જમાં પીએસઆઇને માથામાં ચાર ટાંકા લેવા પડયા હતાં. તસ્‍વીરમાં પીએસઆઇ ઝાલા તથા જ્‍યાં હૂમલો થયો એ કૂકીની હોટેલ નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪: ગઇકાલે આનંદ બંગલા ચોકમાં પંચાયત ચોકમાં પટેલ કારખાનેદાર અને તેમના પિતાની કારને આંતરી રિક્ષાચાલક સહિતના શખ્‍સોએ ધોકા-પાઇપ ફટકારી કારખાનેદારના હાથ પગ ભાંગી નાંખ્‍યા હતાં. કારખાનેદારની જમીનમાં કૂકી નામના ભરવાડ શખ્‍સે કબ્‍જો કરી લીધો હોઇ કારખાનેદારે પોલીસને અરજી કરતાં આ પ્‍લોટ કૂકીને ખાલી કરવો પડયો હતો. તેનો ખાર રાખી પોતાના માણસો મારફત કાવત્રુ ઘડી હુમલો કરાવ્‍ય હતો. આ મામલે નોંધાયેલા ગુનામાં કૂકી સહિતનાને પકડવા તેની ગોંડલ ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી  હોટેલે આજે બપોરે માલવીયાનગર પોલીસ સ્‍ટેશનની ડી. સ્‍ટાફની ટીમ જતાં કૂકી સહિતનાએ સોડા બોટલોના ઘા કરી હુમલો કરતાં ધમાલ મચી ગઇ હતી. જેમાં પીએસઆઇને માથામાં ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા છે. સાથેના હેડકોન્‍સ્‍ટેબલ અને કોન્‍સ્‍ટેબલને પણ ઇજા પહોંચી હતી. પીએસઆઇ સહિતને ઇજા થઇ હોવા છતાં હિમ્‍મતપુર્વક સામનો કરી મુખ્‍ય આરોપી સહિત પાંચેક શખ્‍સોને દબોચી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું છે.

પંચાયત ચોક પદ્દમનામ ટાવર બી-૪માં રહેતાં અને ગોંડલ રોડ પર સંતોષી મશીન ટૂલ્‍સ નામે ડ્રીલ મશીનનું કારખાનુ ધરાવતાં સમીરભાઇ વલ્લભભાઇ અઘેરા (કડવા પટેલ) (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી રાજુ ઉર્ફ કૂકી છેલાભાઇ શિયાળીયા અને કાળુ રિક્ષાવાળો તથા ચાર અજાણ્‍યા શખ્‍સો સામે આઇપીસી ૩૨૫, ૩૨૩, ૧૨૦ (બી), ૧૩૫ (૧) મુજબ ગુનો ગઇકાલે માલવીયાનગર પોલીસે નોંધ્‍યો હતો. કૂકીએ માણસો મોકલી સમીરભાઇની કાર રોકાવી તેના પર હુમલો કરાવ્‍યો હતો. જેમાં તેમના હાથ પગ ભાંગી ગયા હતાં.

આ ગુનામાં આરોપીઓ રાજૂ ઉર્ફ કૂકી સહિતના તેની મવડી ૧૫૦ રીંગ રોડ પર ખોડિયાર નગર પાસે આવેલી ચામુંડા હોટેલ ખાતે હોવાની માહિતી મળતાં પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્‍સ. મશરીભાઇ ભેટારીયા, રોહિતભાઇ કછોટ, હરપાલસિંહ સહિતની ટીમ ત્‍યાં પહોંચી હતી.

પરંતુ પોલીસને જોતાં જ ભાગી છુટવા માટે રાજૂ ઉર્ફ કૂકી તથા તેની સાથેના શખ્‍સોએ પોલીસની ટૂકડી પર સોડા બોટલોના ઘા કરી ફરજમાં રૂકાવટ કરી ધમાલ મચાવી હતી. આડેધડ બોટલોના ઘા થતાં પીએસઆઇ વી. કે. ઝાલાને માથામાં ઘા લાગી જતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. આમ છતાં સામનો કરી આ ટીમે રાજૂ ઉર્ફ કૂકીને દબોચી લીધો હતો. બાકીના હાથમાં આવ્‍યા નહોતાં. પીએસઆઇ ઝાલાને ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. રાજૂ ઉર્ફ કૂકીને પોલીસે કાયદાનું સારી રીતે ભાન કરાવી દીધું હતું.

ગઇકાલે કારખાનેદાર પર રાજૂ ઉર્ફ કૂકી ભરવાડે શા માટે હુમલો કરાવ્‍યો તેની વિગત અહિ અલગથી આપી છે. આ ગુનામાં કૂકીને પોલીસ પકડવા પહોંચતા તે ભૂરાટો થયો હતો અને પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમને જાણ થતાં તેઓ પીએસઆઇના ખબર પુછવા હોસ્‍પિટલે અને બાદમાં માલવીયાનગર પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં. કૂકી ઉપરાંત અન્‍ય એક શખ્‍સ પણ પોલીસના હાથમાં આવી ગયો છે. આ મામલે ફરજમાં રૂકાવટ, હુમલો સહિતની કલમો હેઠળ અલગથી ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

પીએસઆઇ ઝાલા અને ટીમને રોકડ ઇનામ આપતાં પોલીસ કમિશનર અગ્રવાલ

ઞ્જ પોતાના પર હુમલો થયો હોવા છતાં અને લોહીલુહાણ થઇ ગયા હોવા છતાં પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમના મશરીભાઇ ભેટારીયા સહિતે પાછા ન પડી હિમ્‍મતભેર સામનો કરી આરોપી રાજૂ ઉર્ફ કૂકી ભરવાડ સહિતનાને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું. આ પ્રશંસનીય કામગીરી કરવા બદલ પીએસઆઇ ઝાલા, મશરીભાઇ સહિતની ટીમને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે ૩૦૦૦ હજારનું રોકડ ઇનામ જાહેર કર્યુ હતું.

(3:56 pm IST)