Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

અડધા અબજના કોૈભાંડમાં ત્રિપૂટીના ૧૪ દિવસના રિમાન્‍ડ મંગાયાઃ બે કાર, બાઇક સહિતના ૧.૬ કરોડના વાહનો કબ્‍જે

રાજકોટ તા. ૨: ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ પર શિતલ પાર્ક બસ સ્‍ટોપ પાસે ધ સ્‍પાયર બિલ્‍ડીંગમાં બેસતી સમય ટ્રેડિંગ, સાંઇ સમય ટ્રેડિંગ અને આશિષ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી લિમિટેડ સામે બે દિવસ પહેલા કાવત્રુ ઘડી રોકાણકારોને વાયદા આપી બહાના બતાવી રૂપિયાનું રોકાણ કરવાથી ખુબ સારુ રીટર્ન મળશે તેવી લાલચો આપી અલગ અલગ ૧૧૧ ખાતેદારોના રૂા. ૪,૭૭,૦૦,૦૦૦ ચાંઉ કરી જવાનો ઓળવી જવાનો ગુનો મંડળીના સંચાલકો સામે દાખલ થયો હતો. પોલીસે તપાસ કરતાં આ કોૈભાંડનો આંકડો માત્ર પોણા પાંચ કરોડ નહિ પરંતુ અધધધ પોણા અબજ સુધી પહોંચ્‍યો છે. પોલીસે મુખ્‍ય સંચાલક સહિત ત્રણને ઝડપી લઇ વિશેષ તપાસ કરતાં ઠગાઇનો આંકડો ૫૦ કરોડથી વધુનો હોવાનું સામે આવ્‍યું છે. આ ત્રણેય રોકાણકારોની રકમ શેરબજારમાં ફસાઇ ગયાનું રટણ કરી રહ્યા હોઇ સાચી વિગતો ઓકાવવા પુછતાછ કરવાની હોઇ ૧૪ દિવસના રિમાન્‍ડની માંગણી સાથે આજે બપોર બાદ કોર્ટમાં રજૂ કરાયા છે. દરમિયાન પોલીસે બે મોંઘીદાટ કાર, ટુવ્‍હીલર્સ સહિત ૧ કરોડ ૬ લાખના વાહનો કબ્‍જે કર્યા છે.

યુનિવર્સિટી પોલીસે આશિષ ક્રેડિટ-સમય ટ્રેડિંગના પ્રદિપ ખોડાભાઇ ડાવેરા (બોરીચા આહિર) (ઉ.વ.૩૦-ધંધો વેપાર, રહે. ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે મણીનગર-૬ કુવાડવા રોડ), દિવ્‍યેશ અશોકભાઇ કાલાવડીયા (પટેલ) (ઉ.વ.૩૨-ધંધો શેરબજાર, રહે. ગંગોત્રી પાર્ક મેઇન રોડ, ટીએન રાવ કોલેજ પાછળ નંદભૂમિ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૮૩૩) તથા હિતેષ મનસુખલાલ લુક્કા (લોહાણા) (ઉ.વ.૪૧-ધંધો શેરબજાર-રહે. ચંદન પાર્ક-૭, શ્રીકુંજ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૪૦૪)ની  આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦ (બી) તથા ગુજરાત પ્રોટેક્‍શન ઓફ ઇન્‍સ્‍ટ્રેટ ઓફ ડિપોઝીટ એક્‍ટની કલમ ૩ મુજબના ગુનામાં ધરપકડ કરી છે. પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, એ. બી. વોરા તથા હેડકોન્‍સ. રાજેશભાઇ એન. મિયાત્રા, બલભદ્રસિંહ ડી.ચુડાસમા, ગીરીરાજસિંહ એસ.જાડેજા, હરપાલસિંહ જે. જાડેજા, યુવરાજસિંહ આર. ઝાલા, મહેન્‍દ્રસિંહ કે.ડોડીયા તથા કોન્‍સ. જેન્‍તીગીરી ગૌસ્‍વામી, મેહુલસિંહ ચૂડાસમા, રાવતભાઇ ડાંગર, બ્રિજરાજસિંહ ગોહીલ, બલભદ્રર્સિહ જાડેજા સહિતની ટીમ તપાસ કરી રહી છે

(4:04 pm IST)