Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ચેટીચાંડ મહોત્સવ સાદગીથી ઉજવવા નિર્ણય

કોરોના મહામારી ધ્યાને લઇ સરઘસ સહીતના ઉત્સવી કાર્યક્રમો બંધ : પૂજા આરતી અને સૌના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરાશે

રાજકોટ તા. ૩ : દર વષે સિંધી સમાજ દ્વારા ચેટીચંડ મહોત્સવ એટલે કે શ્રી ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતિ ધામેધુમે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી ધ્યાને લઇ સરઘસ સહીતના મેળાવડાના કાર્યક્રમો બંધ રાખવા અને સાદગીભેર ઉજવવા સિંધી સમાજ દ્વારા નિર્ણય જાહેર કરાયો છે.

શ્રી હરમંદિર  રામનાથપરાની યાદીમાં જણાવાયુ છે કે આ વખતે શોભાયાત્રા બંધ રાખેલ છે. તા. ૧૩ ના મંગળવારે સવારે ૧૦ વાગ્યે સિંધી સમાજના આગેવાનો લીલારામ પોપટાણી, ધનરાજભાઇ જેઠાણી, રાજાભાઇ હિન્દુજા, અજીતભાઇ લાલવાણી, મંડળના પ્રમુખ શ્યામસુંદર ચંદીરામાણી દ્વારા શ્રી ઝુલેલાલ ભગવાનની પ્રતિમાને ફુલ હાર કરી મહાઆરતી કરવામાં આવશે. મહિલાઓ દ્વારા સત્સંગ અને લાલસાંઇના પંજકરા થશે.

હરમંદિર રામનાથપરા ખાતે હરમંદિર ટ્રસ્ટ અને સિંધી યુવક મંડળ દ્વારા હાથ પ્રસાદીનું આયોજન છે.

શહેરમાં આવેલ તમામ ઝુલેલાલ મંદિરોમાં સૌના સારા સ્વાસ્થ્ય માટે અરદાસ (પ્રાર્થના) કરવામાં આવશે. મંદિરોમાં ભેરાણા સાહેબ જયોત પ્રાગટય આરતી અને પુજા અર્ચના ભાવસભર કરાશે. સરકારની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાશે.

સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ લીલારામભાઇ પોપટાણી, ધનરાજભાઇ જેઠાણી, રાજાભાઇ હિન્દુજા, અજીતભાઇ લાલવાણી, સિંધી યુવક મંડળના પ્રમુખ શ્યામસુંદર ચંદીરામાણી, ફતેહચંદ મુલચંદાણી રતન ટહેલીયાણીના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ ચાલી રહી છે. હરમંદિરના  પુજારી મિલનબેન ઇશ્વરભાઇના નેજા હેઠળ ધાર્મિકવિધી કરવામાં આવશે. તેમ શ્યામસુંદર ચંદીરામાણીની યાદીમાં જણાવાયુ છે.

(4:04 pm IST)