Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

રાજકોટમાં કર્મકાંડી યુવાને દિકરા-દિકરીને ઝેર પીવડાવી પોતે પણ પી લીધું: ત્રણેય ગંભીરઃ વોરા-કોરાટ સહિતના ચિઠ્ઠીમાં નામ

નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગર સામેના શિવમ્ પાર્ક-૨માં બનાવઃ ૧ કરોડ ૨૦ લાખના મકાનના સોદામાં માત્ર ૨૦ લાખ આપ્યા, બાકીના ૧ કરોડ ચુકવી દીધા છે એવું ખોટુ તૂત ઉભુ કરી માથે જતાં ખોટી ફરિયાદ કર્યાનો કમલેશભાઇના ભાઇ કાનજીભાઇ અને પત્નિ જયશ્રીબેનનો આક્ષેપ : સ્યુસાઇડ નોટમાં કમલેશભાઇ લાબડીયાએ લખ્યું-મરવાનું કારણ આર. ડી. વોરા અને દિલીપ કોરાટ જેણે મારું મકાન લીધું ને ૬૫ લાખનો ખોટો આરોપ મુકેલઃ મારી પાસે હવે પાંચ હજાર પણ નથી, કાર-મકાનના હપ્તા ચડી ગયા છેઃ મરવું સહેલું નથી પણ મજબૂરી છે, કોરોનામાં કામકાજ નથી અને સમય ખરાબ આવી ગયો છે...બધાને જયશ્રી કૃષ્ણ : કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.૪૦), પુત્ર અંકિત (ઉ.વ.૨૧) અને પુત્રી કૃપાલી (ઉ.વ.૨૨) સારવાર હેઠળઃ દિકરી કૃપાલીની સગાઇ થઇ ચુકી છે

તસ્વીરમાં બરડાઇ બ્રાહ્મણ કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાનું મકાન, તેમણે જે પાણીની બોટલોમાં ઝેરી દવા ભેળવીને રાખી હતી તે બોટલો, સારવાર હેઠળ કમલેશભાઇ, તેની પુત્રી કૃપાલી અને પુત્ર અંકિત તેમજ વિગતો જણાવતાં કમલેશભાઇના પત્નિ જાગૃતિબેન નજરે પડે છે. (ફોટોઃ અશોક બગથરીયા) (૧૪.૮)

કમલેશભાઇ લાબડીયાએ લખેલી સ્યુસાઇડ નોટ જોઇ શકાય છે

રાજકોટ તા. ૩: શહેરના નાના મવા રોડ પર અજમેરા શાસ્ત્રીનગરની સામેના ભાગે આવેલા શિવમ્ પાર્ક-૨માં રહેતાં અને કર્મકાંડનું કામ કરી ગુજરાન ચલાવતાં કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (બરડાઇ બ્રાહ્મણ) (ઉ.વ.૪૦)એ રાત્રે યુવાન પુત્ર અંકિત (ઉ.વ.૨૧) અને પુત્રી કૃપાલી (ઉ.વ.૨૨)ને ઝેર પીવડાવી પોતે પણ પી લેતાં ત્રણેય ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. કમલેશભાઇએ પત્નિ જયશ્રીબેન, પુત્ર અને પુત્રી એમ ચારેયને પાણીની નાની બોટલોમાં ભરેલી દવા આપી હતી અને 'આ કોરોનાની દવા છે પી લ્યો એટલે કોઇને કોરોના નહિ થાય' તેમ કહી દવા આપી હતી. પોતે પહેલા પીધી હતી, પછી પુત્ર અને પુત્રી પી ગયા હતાં. ત્રણેય ઉલ્ટીઓ કરવા માંડતા પત્નિ જયશ્રીબેનને શંકા ઉપજતાં તેણે દવા પીધી નહોતી. આ પગલા પાછળ વોરા, કોરાટ સહિતના વિરૂધ્ધ આક્ષેપો કરતી ચિઠ્ઠી કમલેશભાઇએ લખી છે. તેમનું એક કરોડ વીસ લાખનું મકાન પડાવી લેવા કારસો ઘડાયાનો પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયો છે. જો કે તેઓ કમલેશભાઇ બેભાન હોઇ હાલ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

જાણવા મળ્યા મુજબ શિવમ્ પાર્ક-૨માં રહેતાં કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.૪૦), તેની દિકરી કૃપાલી (ઉ.વ.૨૨) અને દિકરો અંકિત (ઉ.વ.૨૧) રાતે ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પરંતુ કમલેશભાઇ બેભાન હોઇ નિવેદન નોંધી શકાયું નથી.

કમલેશભાઇ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જે પોલીસે કબ્જે કરી છે. ચિઠ્ઠીમાં કમલેશભાઇએ લખ્યું છે કે, 'સોૈને જયશ્રી કૃષ્ણ...મરે મરવાનું કારણ આર. ડી. વોરા તથા દિલીપ કોરાટ, જેણે મારું મકાન લઇ લીધું ને ૬૫ લાખનો ખોટો આરોપ મુકેલ. મારી પાસે અતયારે પાંચ હજાર રૂીપયા પણ નથી. કાર અને મકાનના ૪ હપ્તા ચડી ગયા છે. ૨ કરોડ ૧૨ લાખ મારા દિનેશ અને ભાવીન લઇને જતાં રહ્યા છે (સોની), ત્યારથી મારી મુંજવણ વધી ગઇ છે.

મને ખબર છે હું સમજી વિચારીને આ પગલુ ભરુ છું. છેલ્લે ૧૨ લાખની જરૂર હતી તો નરેન્દ્ર પૂજારાને મેં સાટાખત

ભરીને ૧૨ લાખનું સાટાખત ભરેલ છે.

ઘણું લખવું છે ઉતાવળમાં લખુ છું. સમય નથી, મને બધા બહુ યાદ આવે છે. મરવું સહેલુ નથી પણ મજબૂર છે. કોરોનામાં કામ કાજ નથી, હું શું કરું સમય ખરાબ આવી ગયો છે. બધાના નામ નથી લેતો પણ બધાને જયશ્રી કૃષ્ણ...કે. આર. લાબળીયા.'કમલેશભાઇ મુળ પોરબંદરના વતની વધુ માહિતી મુજબ કમલેશભાઇ લાબડીયા અને તેનો પરિવાર મુળ પોરબંદરનો વતની છે. જો કે વીસેક વર્ષથી તેઓ રાજકોટ સ્થાયી થયા છે. કમલેશભાઇ ચાર ભાઇ અને ચાર બહેનમાં સોૈથી નાના છે અને કર્મકાંડનું કામ કરે છે. તેમના પિતા હયાત નથી. માતાનું નામ નર્મદાબેન છે. જે કમલેશભાઇની સાથે જ રહે છે. કમલેશભાઇના મોટા ભાઇ કાનજીભાઇ ચાલીસ ફુટ રોડ પર રહે છે.

કમલેશભાઇના ભાઇ અને પત્નિએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે કમલેશભાઇ જ્યાં રહે છે એ શિવમ્ પાર્કનું મકાન હાલમાં દિકરા-દિકરીના લગ્ન કરવાના હોઇ જેથી વેંચવા કાઢવું હોઇ આ મકાન વેંચવાનું છે તેની જાહેર ખબર આપી હતી. તેના દ્વારા મકાનનો સોદો કરવા વકિલ અને તેના સગા આવ્યા હતાં. અમે ૧ કરોડ ૨૦ લાખમાં સોદો કર્યો હતો. જેમાંથી અમને માત્ર ૨૦ લાખ આપી લખાણ કરાવાયું હતું. બે મહિના પહેલા આ સોદો થયો હતો. એ પછી જેણે મકાન લીધું હતું તેની પાસે અમે બાકીના ૧ કરોડ રૂપિયા માંગતા તેણે સોદો કરાવનાર વકિલને આપી દીધાનું કહ્યું હતું. વકિલ પાસે અમે માંગતા તેમણે પોતે કમલેશભાઇને ચુકવી દીધા છે એવી વાત કરી હતી. આ પછી ખુદ કમલેશભાઇ વિરૂધ્ધ ખોટી અરજી કરી દીધી હતી. આ રીતે છેતરપીંડી થતાં કમલેશભાઇએ આખા પરિવારને દવા પીવડાવવાનો અને પોતે પણ પી જવાનો પ્લાન ઘડ્યો હતો.

કમલેશભાઇના ભાઇ, પત્નિ સહિતના આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ કમલેશભાઇ પોતે ભાનમાં ન હોઇ ખરેખર શું કારણ છે? તે હાલ બહાર આવ્યું નથી. ચિઠ્ઠીમાં જેના નામ છે એ લોકોનો શું રોલ છે? તે અંગે પણ રહસ્ય સર્જાયું છે.  તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છે. બીજી તરફ કમલેશભાઇ, તેમની પુત્રી અને પુત્ર ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પુત્રીની સગાઇ થઇ ચુકી છે.  આ બનાવે શિવમ્ પાર્કમાં ચકચાર જગાવી છે. (૧૪.૭)

ચાર અલગ અલગ નાની પાણીની બોટલોમાં દવા ભેળવીને લાવ્યા હતાં

'આ કોરોનાની દવા છે પી લ્યો એટલે કોઇને કંઇ નહિ થાય'...કહી કમલેશભાઇએ પહેલા દવા પીધી, પછી પુત્રએ, પછી પુત્રીએ પીધી

પતિ, પુત્રી, પુત્ર ઉલ્ટીઓ કરવા માંડતા જયશ્રીબેનને શંકા જતાં તેણે દવા ન પીધી

. કમલેશભાઇના પત્નિ જયશ્રીબેને જણાવ્યું હતું કે-પતિ કમલેશભાઇ પાણીની નાની નાની ચાર બોટલોમાં દવા ભેળવીને લાવ્યા હતાં અને અમને કહ્યું હતું કે આ બધા પી લ્યો, કોરોનાની દવા છે, પી લેવાથી કોઇને કોરોના નહિ થાય. તેમ કહી તેણે સોૈથી પહેલા દવા પીધી હતી. એ પછી મારો દિકરો અને પછી દિકરી દવા પી ગયા હતાં. મને કંઇક વિચીત્ર ગંધ આવતાં શંકા ઉપજતાં મેં બોટલ સુંઘી હતી. એ વખતે જ પતિ, પુત્ર અને પુત્રી ત્રણેય ઉલ્ટીઓ કરવા માંડતા મને શંકા ઉપજી હતી કે આ કોરોનાની દવા નથી.

આથી મેં દવા પીધી નહોતી અને મારા જેઠ કાનજીભાઇ જે અલગ ૪૦ ફુટ રોડ પર રહે છે તેમને ફોન કરીને બોલાવ્યા હતાં અને તેઓ તથા બીજા સગા આવી ગયા હતાં અને પતિ-પુત્ર-પુત્રીને હોસ્પિટલે ખસેડ્યા હતાં.

(3:21 pm IST)
  • આજે સવારે શરૂઆતમાં જ શેર બજારમાં મોટો કડાકો : આજે પ્રારંભમાં જ સવારે શેરબજાર ૬૦૭ પોઇન્ટ તૂટીને ૪૮૧૭૫.૦૪ રહ્યું હતું. નિફ્ટી પણ ૧૫૨.૪૫ પોઇન્ટ તૂટીને ૧૪,૪૭૮.૬૫ ઉપર રહ્યું છે. access_time 12:52 pm IST

  • ચોંકાવનારા સમાચાર !! : મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે, રાજ્યભરમાં હવે માત્ર 16,698 રસી ના ડોઝ રહ્યા છે. મહારાષ્ટ્ર પાસે 45 વર્ષથી ઉપરના લોકો માટે રસીનો પુરવઠો છે જ નહીં : પંજાબ સરકારે પણ કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક મદદ માંગી છે. આજની તારીખે, રાજ્યભરમાં હવે માત્ર 27,148 રસીના ડોઝ હોવાનું જણાવ્યું : ઉત્તરાખંડ સરકાર પાસે પણ માત્ર 10,449 રસીનો જથ્થો સ્ટોકમાં હોવાનું જાણવા મળે છે : આ સાથે 17 રાજ્યોને કોરોના રસીના નવા સ્ટોક ચેનલની ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:58 pm IST

  • પાંચમીએ ભાજપના મોટા પાયે રાષ્ટ્રવ્યાપી ધરણા પૂર્વે બે દિવસની પશ્ચિમ બંગાળની મુલાકાતે જે.પી.નડ્ડા દોડયા: ચૂંટણીઓ પુરી થયા પછી પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસા અને તોફાનોના પગલે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે જઇ રહ્યાનું જાણવા મળે છે. access_time 12:06 am IST