Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રામ જન્મભૂમિ વિવાદના અતિ લાંબા સુખદ અંત બાદ ભગવાન હનુમાનના જન્મ સ્થળનો વિવાદ

આંધ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે જન્મભૂમિના વિવાદને ઉકેલવા નિષ્ણાંતો અને વૈદિક સમિતિનું કર્ણાટક રાજ્યએ ગઠન કર્યું છે : જનજાગૃતિ મંચના તખુભા રાઠોડનો અહેવાલ : શ્રી હનુમાનજીના જન્મ સ્થળ અંગે અનેક રાજ્યના હનુમાન ભકતો પોતાના પ્રદેશમાં શ્રી હનુમાનજી જન્મેલ છે, એવો દાવો કરે છે : ગુજરાતનો ડાંગ જિલ્લો પણ આ દાવામાં સામેલ છે : શ્રી હનુમાનજી અતિ શકિતશાળી તો હતા જ સાથોસાથ અતિ બુધ્ધિશાળી અને વિશાળ દ્રષ્ટિ પણ ધરાવતા હતા જેથી અજરઅમર છે : ધાર્મિક બાબતોના અભ્યાસીઓનું એવું માનવું છે કે શ્રી હનુમાનજીને દેવ તરીકે ઇ.સ. ૭૦૦ની આસપાસથી મૂર્તિ રૂપે પૂજન્ય થયા છે : શ્રી હનુમાનજી સતત જાગતા, ભય રક્ષક દેવ તરીકે સમગ્ર દેશમાં પૂજાય છે : અભ્યાસુના મતે સમગ્ર દેશમાં સૌથી વધુ શ્રી હનુમાનજીની ડેરીઓ અને મંદિરો સુરેન્દ્રનગરમાં સ્થપાયેલા છે

રાજકોટ : જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ સનાતન હિંદુ ધર્મના કરોડો ભકતોને વાંચકોને સંકલન માહિતી મારફત જણાવે છે.

આપણો દેશ સદીઓથી સનાતન હિંદુ ધર્મ અને તેની સંસ્કૃતિના અતિ મજબુત પાયા પર ઉભો છે. અનેક ધાર્મિક ઝનૂની તાકાત વચ્ચે પણ દેશની હિંદુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ અનંત ને અડગ છે.

વિવિધ જન આંદોલન બાદ અતિ લાંબાગાળાની અદાલતની પ્રક્રિયા બાદ શ્રીરામ જન્મભૂમિના પ્રશ્નનો સુખદ અંત આવેલ છે ત્યાં રામ ભકત શ્રી હનુમાનજીના જન્મ સ્થળ અંગે બે રાજ્ય વચ્ચે મતભેદ અને વિવાદે જોર પકડેલ છે. એવું સમાચાર માઘ્યમ મારફત જાણવા મળેલ છે.

શ્રી હનુમાનજીના ભકતો દાદાને સતત જાગતા અને ભય રક્ષક દેવ તરીકે પુજન કરે છે. સમગ્ર દેશમાં દરેક ગામ અને શહેરમાં શ્રી હનુમાનજી દાદાની ડેરી, મંદિર અચુક જોવા મળશે. જાણકારોના મતે સુરેન્દ્રનગર શહેરમાં જેટલી શ્રી હનુમાન દાદાની નાની મોડી ડેરીઓ અને મંદિરો છે, તેટલા દેશના અન્ય કોઇ શહેરમાં જોવા મળશે નહી.

સમગ્ર દેશમાં અને વિદેશમાં રહેતા કરોડો ધર્મ પે્રમીઓ શ્રી હનુમાનજી દાદામાં અનંત શ્રદ્ઘાસહ ભકિત કરે છે.

આ અગાઉ શ્રી હનુમાનજી પુરૂષ હતા કે વાનર કુંવારા હતા કે પરણીત હતા એવો વિવાદ ચાલેલ. તો તાજેતરમાં શ્રી હનુમાનજીના જન્મ સ્થળ અંગે કર્ણાટક અને આંધ્રપ્રદેશના હનુમાન ભકતો વચ્ચે જન્મ સ્થળ માટે ઉગ્ર વિવાદ ઉભો થયેલ છે.

કર્ણાટક રાજ્યનો દાવો છે કે શ્રી હનુમાનજીનો જન્મ રાજ્યના ગોકર્ણ ખાતે થયેલ. સામે આંધ્ર પ્રદેશનો દાવો છે કે શ્રી હનુમાનજીનો જન્મ તિરૂપતીની સાત પહાડીઓ પૈકી એક અંજના નામની પહાડીમાં થયેલ. જેથી તિરૂપતી દેવસ્થાને એક નિષ્ણાંતોની વૈદીક સમિતિની રચના કરી જન્મ સ્થળ અંગે અહેવાલ આપવા જણાવેલ છે. દેશના અલગ અલગ ભાષાના પૌરાણિક ગં્રથોમાં શ્રી હનુમાનજીના જન્મ સ્થળ અંગે અલગ અલગ વર્ણનો છે. જેથી દેશના અનેક રાજ્ય શ્રી હનુમાનજીનો જન્મ પોતાના રાજ્યમાં થયેલ છે એવા દાવા કરે છે. વિવિધ રાજ્યમાં શ્રી હનુમાનજી અનેક નામે પૂજાય છે . જેવા કે પવનપુત્ર, બજરંગ, કેસરીનંદન અને મારૂત. મઘ્ય પ્રદેશના એક પ્રાંતના કોક્રુસ જાતીના લોકો દ્રઢપણે માને છે કે અમો હનુમાનજીના વંશજ છીએ. શ્રી હનુમાનજીના જન્મ અંગે દેશના વિવિધ ભાગોમાં અનેક કથાઓ અને દંત કથાઓ સાંભળવા મળે છે.

મધ્યપ્રદેશના કોકુસ નામની જાતીના લોકો દ્રઢતાથી જણાવે છે કે વર્તમાન રાંચી જીલ્લાના અંજન નામના ગામમાંજ હનુમાનજીનો જન્મ થયેલ, તો કર્ણાટકની પ્રજા એવો દાવો કરે છે કે શ્રી હનુમાનજીનો જન્મ વેધારીના હામ્પી નામના ગામમાં થયેલ છે. ગુજરાતના ડાંગ જીલ્લાના આદિવાસીઓનો દાવો છે કે શ્રી હનુમાનજીનો જન્મ અહીંની એક ગુફામાં થયેલ છે. આ ગુફા અંજની ગુફા નામે ખૂબજ જાણીતી છે. આમ શ્રી હનુમાનજીના જન્મ સ્થળ અને નામો અંગે અનેક લોકવાયકા ચાલે છે. શ્રી હનુમાનજીના નામ અંગે અને જન્મ બાબતે અનેક ધાર્મિક ગ્રંથોમાં વિવિધ કથાઓ છે.

શ્રી હનુમાનજી બળમાં તો અતિ બળવાન હતા. સાથોસાથ અતિ બુદ્ઘીશાળી અને વિશાળ દ્રષ્ટિ વાળા હતા. શ્રી રામ લંકા વિજય બાદ અયોઘ્યામાં વિજય ઉત્સવની ઉજવણીમાં હીરા, ઝવેરાત ઇનામ રૂપે વિતરણ કરતા હતા ત્યારે શ્રી રામે હનુમાનજીને પૂછેલ તમને ભેટમાં શું આપું ? તે સમયે શ્રી હનુમાનજીએ જણાવેલ પૃથ્વી ઉપર જ્યાં સુધી રામના નામના જપ જપાતાં રહે તે એક એક જપ હું સાંભળતો રહું, આ વચન મેળવી શ્રી હનુમાનજી અમર બની ગયા.

શ્રી હનુમાન દાદા અંગે જાણવા જેવી રસપ્રદ માહિતી

.   હનુમાનજીનો જન્મ વાયુદેવ અને વાનર માતા અંજનના સંગાથથી થયેલ છે.     

.   રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે એક મહાયજ્ઞ કરાવેલ અને આ યજ્ઞમાં ઋષીએ અગ્નિદેવ પાસેથી જે પ્રસાદ મળવેલ અને આ પ્રસાદ ત્રણે રાણીઓને વહેંચી આપેલ. તે પૈકી રાણી કૈકેયીના ભાગનો પ્રસાદનો પડીયો એક સમડી ઉપાડી ગયેલ અને આ પ્રસાદનો પડીયો સમડીના પગમાંથી છુટી જતા એક પર્વત ઉપર છુટી જતા ત્યા અંજની તપમાં હતી અને વાયુદેવે આ પ્રસાદ ઝીલીને અંજનીને આપેલ અને અંજની આ પ્રસાદ આરોગતા એનાથી તેમને જે પુત્ર જન્મેલ તે હનુમાન છે. 

.   હનુમાનજીના નામ અંગે પણ વિવિધ ધર્મગં્રથમાં અનેક કથા છે.

.   મારૂતી એટલે કે એ પવનની ઝડપે ઉડી શકતા જેથી તેને પવનપુત્ર ગણાય છે.

.   મુળ નામ વ્રજંગ હતું, એનો એવો અર્થ થાય કે અતિ મજબુત અંગ ધારણ કરનાર અને આ નામ સમય જતા બજરંગ થઇ ગયેલ.

.   હનુમાન નામ એટલા માટે પડયું છે કે એમનું ડાબું હનુ એટલે કે 'જડબું' ભાંગી ગયેલ, એટલે શ્રી હનુમાન અનેક નામોમાં રામભકત નામથી ખૂબજ પ્રચલીત છે. આ અંગેની કથા લાંબી અને જાણીતી છે .

.   વેદોમાં રામાયણમાં અને ધર્મગં્રથમાં હનુમાનને દેવ નહી પણ રામભકત ગણાવેલ છે. ધાર્મિક બાબતોના અભ્યાસુઓ જણાવે છે કે શ્રી હનુમાનજીને દેવ તરીકે પુજા કરવાનો આરંભ ઇ.સ. ૭૦૦ની આસપાસ થયેલ છે.

.   શ્રી હનુમાનજીની અતિ પ્રાચીન મુર્તિ યુ.પી.ના ઝાંસી નજીકના ગામ દેવગઢથી મળેલ છે અને તે લાલ પથ્થરની હતી. તે ઇ.સ. પ૦૦ પછીની હોવાનું અનુમાન છે, જેથી શ્રી હનુમાનજીને ત્યારથી દેવ તરીકે પુજાતા હોવાનું ગણાય છે.

.   દેશ સિવાય વિદેશમાં ઇન્ડોનેશીયા, ફ્રીઝી, સુરીનામ, મોરીશિયસ જેવા દેશમાં શ્રી હનુમાનજીના ફોટો વાળી ટીકીટો અને વિવિધ મેટલના સિકકા બહાર પાડવામાં આવેલ. જાણકારોનું એવું માનવું છે કે હજારો વર્ષ પહેલા ભારતીય સાહસીકો આ દેશમાં વેપાર માટે ગયા હશે તે સમયે હિંમત અને ડર દુર કરવા શ્રી હનુમાનજીની સ્મૃતિ સાથે લઇ ગયા હશે. જેથી પરદેશમાં પણ હનુમાન દાદા જાણીતા બન્યા હશે. ટુંકમાં આપણા કષ્ટભંજન હનુમાન દાદા દેશ–વિદેશમાં વંદનીય અને પૂજનીય તો છે જ.

તખ્તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦ રાજકોટ

(3:22 pm IST)