Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ભેટ

આજથી ઇ-બાઇક ખરીદનારને રૂ. ૫૦૦૦ અને નવી સાયકલ ખરીદનારને રૂ. ૧૦૦૦ સબસીડી : યોજનાનો પ્રારંભ

ઓનલાઇન ફોર્મ મેળવી વોર્ડ ઓફીસે પહોંચાડવું

રાજકોટ,તા. ૩: મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, સાયકલ શેરિંગના પ્રોજેકટનો વ્યાપ વધે અને પ્રદુષણની માત્ર ઘટે તેમજ સાયકલીંગ કરવાથી આરોગ્ય સારૂ રહે તેવા શુભ હેતુથી ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેકટ હેઠળ ખાસ રૂ.૧ કરોડ ની તથા વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજકેટ હેઠળ ખાસ રૂ.૩૦ લાખ બજેટની જોગવાઈ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આ યોજનાની અમલ તારીખ બાદ ફકત રાજકોટ શહેરના શહેરીજનો દ્વારા ખરીદ કરવામાં આવેલ નવી સાયકલ ઉપર રૂ.૧૦૦૦/- કુટુંબ દીઠ એક વ્યકિતને તેઓના બેંક ખાતામાં વળતર આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ૪,૫૦૦ વ્યકિતઓએ લાભ લીધેલ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૪૫ લાખ જેટલી સબસીડી આપવામાં આવેલ. ચાલુ વર્ષ વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેકટ હેઠળ રૂ.૫૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે.

આજ ૩ જુનના રોજ વિશ્વ સાયકલ દિવસ છે. તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાયકલ પ્રમોશન પ્રોજેકટ હેઠળ તા.૧૫/૦૭/૨૦૧૯ રાજકોટના રહીશ જે શહેરીજનો દ્વારા નવી સાયકલ ખરીદ કરવામાં આવેલ હોય તેને અલગથી રૂ.૧૦૦૦/- તેઓના બેક ખાતામાં વધારાનું વળતર (સબસીડી) આપવાનું મંજુર કરવામાં આવેલ છે. અગાઉ કુટુંબ દીઠ એક વ્યકિતને સાયકલ ખરીદનારને વળતર આપવામાં આવતું પરંતુ ચાલુ વર્ષે એક વ્યકિતને બદલે સાયકલ ખરીદનાર તમામ વ્યકિતઓને વળતર યોજનાનો લાભ આપવામાં આવશે.

સાયકલ શેરિંગ યોજનાનો લાભ મેળવવા માટે રાજકોટ શહેરના નાગરિકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની વેબ સાઈડ (WWW.rmc.gov.in) પર સાયકલ પ્રમોશન યોજનાનું ફોર્મ સંપૂર્ણ ચોકસાઈ પૂર્વક ભરી તેની પ્રિન્ટ કાઢી, જે તે વોર્ડમાં રહેતા હોય તે વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ જમા કરાવવાના રહેશે.

વિશેષમાં, વધુ ને વધુ પ્રદુષણમાં ઘટાડો થાય તે દિશામાં મહાનગરપાલિકા અનેક પગલાઓ લઇ રહી છે તેના ભાગરૂપે ચાલુ વર્ષે ઈ-બાઈક પ્રમોશન પ્રોજેકટ પણ મંજુર કરવામાં આવેલ છે અને જરૂરી બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટ હેઠળ રાજકોટ શહેરમાં રહેતો વ્યકિત નવું ઈ-બાઈક ખરીદ કરે તો આ યોજના હેઠળ રૂ.૫૦૦૦/- સબસીડી આપવાનું પણ મંજુર કરાયેલ છે.

(3:28 pm IST)