Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ઇશુદાન ગઢવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અન્ય રસ્તાઓ શોધી મહામંથન કરેઃ ભંડેરી-ભારદ્વાજ

તમાશા કરી સહાનુભૂતિ મેળવવાની કેજરીવાલ સ્ટાઇલથી દેશ વાકેફ છે

રાજકોટ તા. ૩: આમ આદમી પાર્ટીનાં નેતા ઇસુદાન ગઢવીએ એક વીડિયો શેઅર કરી ભાજપ પર કરેલા ગંભીર આક્ષેપોની આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ગુજરાતનાં રાજકારણમાં આમ આદમી પાર્ટી આજકાલની આવી નથી. પહેલા પણ હતી વર્ષોથી છે પરંતુ છેલ્લા કેટલાંક સમયથી તેમાં હિન્દુત્વવિરોધી, અરાજકતાવાદી અને વ્હાઇટકોલર ક્રિમીનલ લોકોના પ્રવેશથી રાજયની શાંતિ તેમજ સલામતી જોખમાઇ છે. ગુનાઇત ઇતિહાસ ધરાવતા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં સમગ્ર પક્ષ ગુજરાતમાં અરાજકતાનું વાતાવરણ ઉભું કરી રહી છે.

'આપ' નેતા ઇશુદાન ગઢવીનું કહેવું છે કે, તેમને મારી નાખવાનું ષડયંત્ર ભાજપના કેટલાક ગુંડાઓએ રચ્યું હતું. આ પ્રકારની ઇશુદાન ગઢવીની વાત તદ્દન ખોટી છે. જુનાગઢમાં બનેલી ઘટનામાં વીડિયોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં લોકો જોઇ શકાય છે. જનતા મુર્ખ નથી. ઇશુદાન ગઢવીએ હવે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના અન્ય રસ્તાઓ શોધી કાઢવા વિશે મહામંથન કરવું જોઇએ. હવેનાં સમયમાં પોતાના ઉપર જ હુમલાઓ કરાવી, પોતાની જાન જોખમમાં છે તેવું કહી, અન્ય પર આક્ષેપ કરી લોકોની સહાનુભુતિ મેળવી શકાતી નથી. પ્રજા નીરક્ષિરનો ભેદ પારખતી થઇ ચુકી છે.

જુનાગઢમાં ત્રણ દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના આગેવાનો પર જે હુમલો થયો હતો તે ભાજપના લોકોએ નહીં પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગુંડાઓએ જ કરેલો હતો. કોંગ્રેસની બી ટીમ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કાર્ય કરી રહી છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે મળીને ભાજપને બદનામ કરવા સામે ચાલીને પોતાના પર હુમલાઓ કરાવી રહી છે.

ઇશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા નિમ્ન કક્ષાની રાજનીતિ અને દાવપેચ રમીને ભાજપને પછાડવા નીકળ્યા છે, લોકશાહીમાં સૌને વિરોધ કે દેખાવ કરવાનો અધિકાર છે પરંતુ ભાજપને પછાડવાના ચકકરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની ભોળી જનતાને હથિયાર બનાવશે કે ગુજરાતમાં તોફાનો અને રમખાણો કરશે એ ચલાવી નહીં લેવામાં આવે. તેમ ધ્રુજારો વ્યકત કરતા ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજે અંતમાં જણાવ્યું છે.

(4:01 pm IST)