Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

અન્ન ઉત્સવ સરકારની નિષ્ફળતા સમાન : કોંગ્રેસનો આક્ષેપ

૩ લાખ કાર્ડ ધારકોને સડેલું અનાજ અપાતુ : ગાયત્રીબાનો આક્રોશ

પ૦ કરોડથી વધુનું ઘઉ-ચોખાનું કૌભાંડ : સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતી : પ્રધાનમંત્રી અન્ન યોજના પહેલા મધ્યાહન ભોજનનો પુરવઠો પણ ચાર મહિનાથી નહીં મળતા વિદ્યાર્થી-મુશ્કેલીમાં : વશરામભાઇ સાગઠિયાની રજુઆત

રાજકોટ, તા. ૩ : આજે સરકાર દ્વારા જે અન્ન ઉત્સવ ઉજવાઇ રહ્યો છે તે નિષ્ફળતા સમાન હોવાનું અને છેલ્લા ત્રણ મહિનાથી સડેલું અનાજ અપાતુ હોવાનો આક્રોશ વ્યકત કરી આ બાબતે સરકાર સામે અનાજ કૌભાંડ સહિતનાં આક્ષેપો ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કર્યા છે.

આ અંગે ગાયત્રીબાએ એક નિવેદનમાં આક્ષેપો કર્યા છે કે રાજયની ભાજપની સરકાર વિજયભાઇ રૂપાણીનાં શાસનનો પાંચ વર્ષની ઉજવણીનાં તાયફાઓ કરી સમગ્ર રાજયની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે અને સ્વપ્રસિધ્ધિ માટે પ્રજાનાં કરોડો રૂપિયા વાહ...વાહ... માટે લૂંટાવી રહી છે ત્યારે નવ દિવસનાં ઉત્સવ સામે કોંગ્રેસ એક સક્ષમ વિપક્ષ તરીકે રાજયની જનતા સમક્ષ સરકારનો સાચો ચહેરો અને સરકારી યોજનાઓની વાસ્તવિકતા રજૂ કરે છે. અને રાજયની ભાજપની સરકારની નિષ્ફળતાની પાંચ વર્ષની ઉજવણીનું સત્ય જનતા સમક્ષ લાવી રહી છે.

અન્ન ઉત્સવના નામે સરકાર ઉજવણી કરી રહી છે ત્યારે એક સક્ષમ વિપક્ષ તરીકે સરકારને સવાલો છે કે રાજયમાં ૩ લાખ એનએફએસએ કાર્ડ ધારકોનાં રૂપિયા પ૦ કરોડ થી વધારેનાં ઘઉં-ચોખાનાં કૌભાંડનું શું થયું ?

સમગ્ર રાજયમાં ૩ લાખ એનએફએસએ કાર્ડ ધારકો દ્વારા ત્રણ મહિનાથી સડેલું અનાજ નહીં સ્વીકારીને જોરદાર વિરોધ થઇ રહ્યો છે તેનું શું ? રાજય સરકાર દ્વારા હંમેશા મુજબ મફત અનાજ વિતરણનાં ખોટા આંકડાઓ જાહેર કરવામાં આવે છે સરકાર દ્વારા ખેરાતી અદામાં ૭૧ લાખ પરિવારોનાં ૩.૪૧ કરોડ લોકોનું ઝળહળતું અપમાન તેનો કોઇ જવાબ છે ? ગરીબોની સંખ્યા ૧ કરોડ ૮૮ લાખથી વધુ ૩૧ લાખથી વધુ પરિવારો ગરીબ ?

કેન્દ્ર સરકારે ફાળવેલા ૧ વર્ષનાં પ લાખ મેટ્રીકટન ઘઉંનો જથ્થો અને ર.પ૦ લાખ મેટ્રીક ટન ચોખાનો જથ્થો રાજયની રૂપાણી સરકારે ઉપાડ જ કર્યો નથી. તેનો જવાબ છે. સરકાર પાસે ?

સમગ્ર રાજયમાં નવ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિઓ સામે આવી તેની તપાસનું શું થયું ? કેન્દ્રની મોદી સરકારે રૂપાણી સરકારને દર વર્ષે ૯૦ હજાર લીટર કેરોસીનની ઓછી ફાળવણી કરે છે તેનું શું ?

નાગરીક પુરવઠા નીગમના ગોડાઉનોમાં સીસી ટીવી લગાવવામાં સરકાર કેમ સદંતર નિષ્ફળ નિવડી છે ?

આ ઉપરાંત બીપીએલ લાભાર્થીને દર મહિનાની ૧ થી ૧૦ તારીખમાં સરકારશ્રીની સુચના મુજબ મળવા પાત્ર ઘઉં-ચોખા અને  ખાંડનો જથ્થો મહિનાની આખર સુધી એટલે કે રર-ર૩ તારીખ સુધી વિતરણ કરાતો નથી. અને સતત ધાંધીયા જોવા મળે છે.

સસ્તા અનાજની દુકાન ધારકો ગોડાઉને ધકકા ખાય ત્યારે માંડ રાજયના પુરવઠા વિભાગ દ્વારા જથ્થો પહોંચાડવામાં આવે છે રાજયના પુરવઠા નિગમના અધિકારીઓની લાપરવાહી, બેદરકારી અને આ કામની ટ્રાન્સપોર્ટ એજન્સીઓ તેમજ આ કામગીરીમાં કામ કરતા લેબર કોન્ટ્રાકટરો સાથેની સાંઠ-ગાંઠના કારણે ગરીબોને વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જાય છે. અને ખોરંભે પડે છે.

એજ રીતે પ્રધાનમંત્રી અન્ન યોજના (પીએમ.જીકેવાય) ની વિતરણ વ્યવસ્થા પણ કોરોનાની પ્રથમ અને બીજી લહેરની કુલ ૮ મહિના (આઠ) દરમિયાન કયારેય ગરીબ અને મધ્યમવર્ગના કાર્ડ ધારકોની સમયસર અનાજ પહોંચાડવામાં સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે.

આમ સરકાર માત્ર અન્ન ઉત્સવ દિવસ ઉજવી તાયફાઓ કરવાનું બંધ કરે પોતાન નિષ્ફળતાની ઉજવણી કરવાનું બંધ કરે અને અન્ન અધિકાર અભિયાનના પાયાના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવે એજ સાચાો અન્ન ઉત્સવ કરી શકાય જે ભુતકાળની કોંગ્રેસ સરકારે કહ્યું હતું કે સૌને મળે અન્ન અધિકાર એજ કોંગ્રેસનો નિર્ધાર તેમ અંતમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું.

જયારે પૂર્વ વિપક્ષ નેેતા વશરામભાઇ સાગઠિયાએ વડાપ્રધાનને પત્ર પાઠવી રજુઆત કરી છે.

મધ્યાહન ભોજન યોજના કોંગ્રેસના સમય દરમ્યાન અમલમાં આવી અને ગરીબો લોકોના બાળકોને પેટ ભરી પુરતું ભોજન મળે અને તેના વાલીઓને બાળકોની ભણવાની કે જમવાની ચિંતા ન રહે તેવા શુભ ઉદ્દેશથી શરૂ કરેલ. વર્તમાન સરકાર દ્વારા છેલ્લા ચાર મહિનાથી મધ્યાહન ભોજનના બાળકોનો પુરવઠો રેશનીંગની દુકાનોમાં આજ સુધી પહોંચાડેલ નથી  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે અનાજ આપવાના છો એ પણ નકકી કરેલ લોકોને જ લાભ આપવાના હોય તેવું લાગી રહ્યું છે.

શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા ઘણા મહિનાઓથી બંધ છે. તો શ્રમિકોને મળતા ૧૦ રૂ.ના ટીફીનની સગવડતા ફરી તાબડતોબ ચાલુ કરો અને રેગ્યુલર મળતા પુરવઠામાં પણ હજુ સુધી પુરતું રાશન મળતુ નથી તેની વ્યવસ્થા કરો.

વારંવાર સડેલા અને જીવાતવાળા અને હલકી કક્ષાના આપ દ્વારા જે રાશન વિતરણ થાય છે તેમાં સુધારો કરી સારી ગુણવતાવાળુ અને ગરીબ લોકો ખાઇ શકે તેવું રાશન પુરૂ પાડો. ઉપરોકત તમામ મુદે અમારા દ્વારા કરવામાં આવેલ રજુઆતને અત્યંત ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ કાર્યવાહી અને પગલા લેવા રજુઆતનાં અંતે વશરામભાઇએ માંગ ઉઠાવી છે. 

(3:39 pm IST)