Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

'તું ગાંડી છો', નાની નાની વાતમાં ઝઘડો કરી દક્ષાબેન રાણાને પતિ-સાસરિયાનો ત્રાસ

પતિ નિલેશ, સાસુ કંચનબેન, સસરા રણછોડભાઇ, જેઠ રાજુ ઉર્ફે પરેશ, નણંદ આરતી, જયોતી સામે ગુનો

રાજકોટ તા. ૩: દોઢસો ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે રૂષિવાટીકામાં રહેતી મહિલાને પતિ, સાસુ, સસરા, જેઠ તથા નણંદ નાની-નાની વાતે ઝઘડા કરી મેણાટોણા મારી ત્રાસ આપી પતિ દારૂ પી ને મારકૂટ કરતો હોવાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ રૂષીવાટીકા શેરી નં. ૧ બ્લોક નં. ૧૧માં રહેતા દક્ષાબેન નિલેશભાઇ રાણા (ઉ.વ. ૩૭) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં એરપોર્ટ પાસે સખીયાનગર શેરી નં. ૬ માં રહેતા પતિ નિલેશ રણછોડભાઇ રાણા, સસરા રણછોડભાઇ રવજીભાઇ રાણા, સાસુ કંચનબેન રાણા, જેઠ રાજુ ઉર્ફે પરેશ રાણા, નણંદ આરતી શૈલેશભાઇ પોટાણી (રહે. ગાંધીગ્રામ ખીજડાવાળી શેરી અને એસ. કે. ચોક પાસે)ના નણંદ જયોતીના નામ આપ્યા છે. દક્ષાબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે રૂષિવાટીકા શેરી નં. ૧ માં માવતરના ઘરે રહે છે. પોતાના લગ્નના પાંચ વર્ષ બાદ પતિ તથા સાસરીયાઓ નાની નાની વાતમાં ઝઘડા કરી 'તું તો સાવ ગાંડી છો તેમ મેણા ટોણા મારતા હતા અને પતિ દારૂ પી ને અપશબ્દ બોલી મારકુટ કરી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા. તેથી પોતે માવતરના ઘરે આવ્યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ આઇ. આઇ. શેખ એ તપાસ હાથ ધરી છે.

(2:55 pm IST)